મૈં હૂં ના, નો એન્ટ્રી, ખોસલા કા ઘોસલા, હાઉસફુલ, જોલી એલએલબી વગેરે ફિલ્મોમાં કામ કરનાર બોમન ઈરાનીને એવી કલ્પના ન હતી કે અભિનેતા બની જશે. કેમકે અભિનેતા બનવા જાતે કોઈ પ્રયત્ન કર્યો ન હતો. બાળપણથી જ ફિલ્મો જોવાનો શોખ હતો. સ્કૂલથી આવીને નજીકના થિયેટરોમાં ફિલ્મો જોવા જતો હતો. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી અભ્યાસ પૂર્ણ કરી હોટલમાં વેઇટર બન્યો હતો. બે વર્ષ વેઇટર તરીકે કામ કર્યું અને માતાની તબિયત સારી રહેતી ન હોવાથી ૩૨ વર્ષની ઉંમરે વેફર અને ફરસાણની પોતાની દુકાન પર બેસી ગયો હતો. ત્યારે પણ ફિલ્મો જોવા જવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારે વધારાની આવક ઊભી કરવા અને શોખ હોવાથી કેમેરો ખરીદી ફોટોગ્રાફર તરીકે કામ શરૂ કર્યું. એક જગ્યા ભાડે લઈ સ્ટુડિયો શરૂ કર્યો હતો. તે જુદા જુદા કાર્યક્રમોમાં ફોટા પાડી આપવાનું કામ કરતો હતો. સ્કૂલ અને કોલેજની રમતગમત સ્પર્ધાઓનું પણ કવરેજ કરવાનું કામ કરતો હતો.
એક વખત વિદેશી મેગેઝીન માટે વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશીપના ફોટા પાડવાનું કામ મળ્યું. એમાંથી સારી કમાણી થઈ. એ પછી પૂર્ણ સમયના ફોટોગ્રાફર તરીકે કામ શરૂ કરી દીધું. દુકાન પર પત્ની બેસવા લાગી હતી. ફોટોગ્રાફર તરીકે નામ કમાવવા ત્રણ વર્ષ સંઘર્ષ કર્યો. પછી ડાયના હેડન જે વર્ષે મિસ ઈન્ડિયા બની એનું ફોટોશૂટ કરવાનું કામ મળ્યું. એ પછી કોરિયોગ્રાફર શ્યામક દાવર સ્ટુડિયો પર ફોટા પડાવવા આવ્યો અને બોમન એની સાથે ઘણીબધી વાતો કરતો હતો એથી પ્રભાવિત થઈ થિયેટરના નાટકોમાં અભિનય કરવા પ્રોત્સાહિત કર્યો. શ્યામકે કહ્યું કે તું તો જન્મજાત અભિનેતા છે. તારે અભિનય કરવો જોઈએ. બોમને સ્પષ્ટ કહી દીધું કે ફોટોગ્રાફર તરીકે સંઘર્ષ કરી રહ્યો છું. મારે અભિનેતા બનવું નથી. છતાં શ્યામક માન્યો નહીં અને અલક પદમસીને મળીને કહ્યું કે બોમનને તમારે કામ આપવું જ પડશે.
અલકે એક સંગીતમય નાટકમાં બોમનને નાની ભૂમિકા આપી. એ પછી ‘આઈ એમ નોટ બાજીરાવ’ નાટકમાં મુખ્ય ભૂમિકા કરી એ વખણાઈ. નાટકોમાં કામ મળવા લાગ્યું હતું. દરમ્યાનમાં ૪૧ વર્ષની ઉંમરે પોતાના હેન્ડીકેમથી નાનકડી પ્રયોગાત્મક ફિલ્મ ‘લેટ્સ ટોક’ નું શુટિંગ કર્યું. જેને રજૂ કરવાના ન હતા. એ ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડાએ જોઈ અને બોમનને બોલાવી રૂ.૨ લાખનો ચેક આપ્યો. બોમને ફિલ્મ વિશે પૂછ્યું ત્યારે વિધુએ કહ્યું કે મારી પાસે કોઈ ફિલ્મ નથી. પણ આગામી ડિસેમ્બરમાં એક ફિલ્મ બનાવીશ. એ માટે તારું બુકિંગ કરી રાખું છું. એ પહેલાં આપણે ‘લેટ્સ ટોક’ ને રજૂ કરીશું ત્યારે કોઈપણ કહેશે કે મારે આ અભિનેતા જોઈએ છે. એટલે હું અત્યારથી સાઇન કરી રાખું છું. છ મહિના પછી વિધુએ કહ્યું કે ફિલ્મ ‘મુન્નાભાઈ એમબીબીએસ’ (૨૦૦૩) બનાવશે. બોમનને નામ અજીબ લાગ્યું.
નિર્દેશક તરીકે રાજકુમાર હીરાની વિશે જાણ્યું ત્યારે એ પણ અજાણ્યા લાગ્યા. બોમન મળ્યા ત્યારે રાજકુમારે કહ્યું કે આ ફિલ્મ તારે કરવી જ પડશે. બોમને એક મુલાકાતમાં કહ્યું છે કે પહેલાં એમાં વિવેક ઓબેરૉય કામ કરવાનો હતો. પણ કંપની’ કરવા છોડી દીધી. પછી શાહરુખ કરવાનો હતો. એને પીઠની સર્જરી માટે જવું પડ્યું. છેલ્લે સંજય દત્ત આવ્યો હતો. એ જ રીતે હીરોઈન તરીકે પહેલાં કાજોલ હતી. પછી ઐશ્વર્યાનું અને તબ્બુનું પણ નામ આવ્યું હતું. એકમાત્ર બોમન જ એની ‘અસ્થાના’ ની ભૂમિકામાં રહી ગયો હતો. શરૂઆતમાં અજીબ નામ અને નવા નિર્દેશકને કારણે ફિલ્મ બે દિવસ ના ચાલી પણ મોટી હિટ રહ્યા પછી બોમન ઈરાનીએ પાછું વળીને જોવું પડ્યું નથી.