નિર્દેશક યશ ચોપડાએ આમિર ખાન સાથે પહેલી ફિલ્મ ‘પરંપરા’ (1993) કરી હતી પણ ‘ડર’ માંથી કાઢી મૂક્યા હતા. યશજીએ ફિલ્મ ‘પરંપરા’ (1993) માટે આમિરને પસંદ કર્યા પછી કહ્યું હતું કે શુટિંગ શરૂ થવામાં સમય લાગશે પણ એ પહેલાં એના પાત્રના રૂપમાં તારું ફોટોસેશન કરીશું. એ માટે સવારે ૧૧ વાગે આવી જજે. પણ આમિરે કહ્યું કે એને 9 વાગે મંસૂર ખાનની ફિલ્મ ‘જો જીતા વોહી સિકંદર’ (1992) નું શુટિંગ કરવા જવાનું છે. એટલે 7 વાગે આવી જશે. અને મોડું થશે તો પણ એ 11 વાગે મંસૂરના શુટિંગમાં પહોંચશે તો વાંધો નહીં આવે.
આમિર રાત્રે સૂઈ ગયા અને સવારે ઉઠ્યા ત્યારે સાડા અગિયાર વાગી ગયા હતા. આમિરે પત્ની રીનાને પૂછ્યું કે મારે ફોટોશૂટ અને ફિલ્મના શુટિંગ માટે જવાનું હતું તો મને ઉઠાડયો કેમ નહીં? રીનાએ કહ્યું કે સવારે 6 વાગે ઉઠાડયા ત્યારે એમ કહ્યું કે ફોટોશૂટ રદ થઈ ગયું છે અને 8 વાગે ઉઠાડયા ત્યારે કહ્યું કે ફિલ્મનુ શુટિંગ પણ રદ થઈ ગયું છે. આમિરને એવું કશું યાદ ન હતું. ઊંઘમાં એ જૂઠું બોલી ગયા હતા. હવે મુશ્કેલી એ હતી કે યશજીને કેવી રીતે જણાવવું કે એ ઊંઘતો રહ્યો હતો.
આમિરે યશ ચોપડાને ફોન કર્યો અને માફી માંગી સાચું કહી દીધું કે તેને રીનાએ ઉઠાડયો હતો પણ ફોટોશૂટ અને શુટિંગ રદ થયું હોવાનું કહી ઊંઘતો રહ્યો હતો. એ સમય પર યશ ચોપડા એક સફળ નિર્દેશક હતા. અને આમિર એમની સાથે પહેલી ફિલ્મ કરી રહ્યા હતા. આમિરને ડર હતો કે યશજી એને અવ્યાવસાયિક સમજીને ‘પરંપરા’ માંથી કાઢી મૂકશે પણ યશજીએ એમને માફ કરી દીધા હતા અને ફિલ્મમાં રાખ્યા હતા. જ્યારે ‘ડર’ માંથી કાઢી મૂક્યા હતા. યશ ચોપડાએ આમિર, સની અને જુહી સાથે ફિલ્મ ‘ડર’ નું આયોજન કર્યું હતું.
આમિરને વાર્તા પસંદ આવી હતી. પણ જ્યારે ફિલ્મમાં એકથી વધુ હીરો હોય ત્યારે આમિર સાથે બેસીને વાર્તા સાંભળવાનું જરૂરી હોવાનું માનતા હતા. કારણ જે હોય એ પણ યશજીને આ વાત અનુકૂળ આવી રહી ન હતી. જ્યારે આમિરે એમને કહ્યું કે સની અને અન્ય કલાકારો સાથે બેઠક યોજીને વાર્તા સાંભળવાનું ગોઠવીએ ત્યારે યશજીએ કહી દીધું હતું કે ફરી ક્યારેક કામ કરીશું અને આમિરને ‘ડર’ માંથી કાઢી મૂકીને શાહરૂખ ખાનને લીધો હતો. વર્ષો પછી યશજીએ ‘ફના’ (2006) માં ફરી આમિરની સાથે કામ કર્યું હતું.
