સોનૂ સૂદે તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યા પછી હિન્દી ફિલ્મોમાં ‘શહિદ-એ-આઝમ’ (૨૦૦૨) થી શરૂઆત કરી હતી. ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યા પછી સલમાન ખાન સાથેની ‘દબંગ’ (૨૦૧૦) ની ‘છેદી સિંગ’ ની ભૂમિકાથી સફળતા અને લોકપ્રિયતા મળી હતી. અસલમાં સોનૂએ પહેલાં આ ભૂમિકા ઠુકરાવી દીધી હતી. અભિનવ કશ્યપને અરબાઝ ખાને જ્યારે ‘દબંગ’ નું નિર્દેશન સોંપ્યું ત્યારે પોતે મણિરત્નમ સાથે ‘યુવા’ (૨૦૦૪) માં સહાયક નિર્દેશક હતા. એમાં સોનૂ સાથે કામ કર્યું હતું અને એની સાથે એક ફિલ્મ કરવાની વાત કરી હતી એને યાદ કરીને ‘છેદી સિંગ’ ની નકારાત્મક ભૂમિકા સોંપી હતી. સોનૂએ જ્યારે પોતાની ભૂમિકા વિશે જાણ્યું ત્યારે અભિનવને ના પાડી દીધી હતી. સોનૂને સ્ક્રીપ્ટમાં પોતાની ભૂમિકા મજેદાર લાગી ન હતી. પંદર દિવસ પછી આ વાતની ખબર નિર્માતા અરબાઝને થઇ ત્યારે એણે સોનૂને કારણ પૂછ્યું હતું.
સોનૂએ પોતાને ભૂમિકા ગમી ન હોવાનું કહ્યું ત્યારે અરબાઝે કારણ જાણવા એની સાથે એક બેઠક યોજી હતી અને સલાહ- સૂચન આપવા કહ્યું હતું. સોનૂને છેદી સિંગ ક્રૂર વિલન લાગ્યો હતો અને ગુસ્સામાં બોલતો હતો એ વાત પસંદ આવી ન હતી. અરબાઝને તેણે સલાહ આપી કે આ પાત્રને કોમેડી બનાવવું જોઇએ. અને લોકો હસે એવા જીવંત હાસ્ય સાથે બનાવવું જોઇએ. સોનૂએ એના પાત્ર માટે થોડી તૈયારી કરી. એણે છેદી સિંગના પાત્રનું ચિત્રણ અને કેટલાક સંવાદ સાથેના દ્રશ્યો તૈયાર કરીને એમની ઓફિસમાં જઇ અભિનવની હાજરીમાં બતાવ્યા. સોનૂએ સંવાદ અને દ્રશ્ય માત્ર બોલીને સંભળાવવાને બદલે ભજવીને પણ બતાવ્યા. બંને એનાથી પ્રભાવિત થયા અને હસી પડ્યા. ત્યારે સલમાન ખાન ત્યાં આવ્યો. એને ખબર પડી હતી કે સોનૂએ છેદી સિંગની ભૂમિકા માટે ના પાડી છે.
સલમાને કારણ જાણવા માગ્યું ત્યારે અરબાઝે કહ્યું કે સોનૂએ છેદી સિંગની ભૂમિકામાં ફેરફાર સૂચવ્યો છે અને કેટલાક મજેદાર દ્રશ્યો તૈયાર કર્યા છે. સોનૂએ એ દ્રશ્યો સલમાનની સામે ભજવીને બતાવ્યા ત્યારે એ પણ હસી પડ્યો. પરંતુ સલમાન એ વાત પર મક્કમ હતો કે છેદી સિંગની પાસે કોમેડી જેવા દ્રશ્યો કરાવવા નથી. એને ગુસ્સાવાળો જ રાખવો જોઇએ. ત્યારે સોનૂ સૂદે કહ્યું કે આ દ્રશ્યો જોઇને તમે હસ્યા છો એટલે દર્શકો હસવાના જ છે. ત્યારે સલમાને સોનૂ પર વિશ્વાસ વ્યક્ત કરી એના સૂચન મુજબનું છેદી સિંગનું પાત્ર રાખવા સંમતિ આપી દીધી હતી. એ પાત્ર સાથે સોનૂ બરાબર જોડાયો હતો. સોનૂએ ફિલ્મ ‘દબંગ’ ના એના કેટલાક સંવાદો પણ લખ્યા હતા. સલમાનનો જાણીતો સંવાદ ‘હમ તુમ મેં ઇતને છેદ કરેંગે કિ કન્ફ્યુઝ હો જાઓગે કિ સાંસ કહાં સે લે ઔર…’ ઉપરાંત પોતાનો સંવાદ ‘કાનૂન કે હાથ ઔર છેદી સિંગ કી લાત, દોનો બહુત લંબે હૈ ભૈયા’ પણ સોનૂએ જ બનાવ્યો હતો.