સંગીતકાર સચિનદેવ બર્મન અંગ્રેજી ફિલ્મોના ગીતોની નકલ કરતા ન હતા તેનો એક કિસ્સો એમની ભારતીય સંગીત પ્રત્યેની સમ્માનની ભાવના બતાવે છે. નિર્દેશક ગુરૂદત્તે ફિલ્મ ‘પ્યાસા’ (૧૯૫૭) ના ગીતો લખવા સાહિર લુધિયાનવીને અને સંગીત માટે એસ.ડી. બર્મનને લીધા હતા. ફિલ્મમાં જૉની વૉકરને ‘અબ્દુલ સત્તાર તેલ માલિશવાળા’ નું પાત્ર ભજવવાનું હતું. આ ગંભીર ફિલ્મમાં માત્ર હાસ્ય પૂરું પાડવા જ નહીં પરંતુ વાર્તામાં તેનું મહત્વ હતું એટલે જૉનીને પાત્ર સોંપ્યું હતું. અબ્દુલને વિશ્વાસ હોય છે કે તે હીરોએ લખેલા ગીતને ગાઇને માલિશ કરશે તો ધંધામાં લાભ થશે. એટલે ગુરૂદત્તે ગીત ગાઇને અબ્દુલ તેલ માલિશ કરે છે એ સ્થિતિ પર સાહિર લુધિયાનવીને એક ગીત લખવા કહ્યું. સાહિરને અબ્દુલના પાત્ર વિશે જાણકારી મળી એટલે થોડી જ વારમાં ‘સર જો તેરા ચકરાયે…’ ગીતની રચના કરી.
હવે વાત એવી બની કે ૧૯૫૮ ના એ અરસામાં બ્રિટિશ ફિલ્મ ‘હેરી બ્લેક એન્ડ ધ ટાઇગર’ ને ભારતમાં ‘હેરી બ્લેક’ નામથી રજૂ કરવામાં આવી હતી. એના એક ગીતની ધૂન ગુરૂદત્તને બહુ ગમી ગઇ હતી. અને ફિલ્મ રજૂ થતા પહેલાં જ તેની રેકોર્ડ બજારમાં આવી ગઇ હતી. ગુરૂદત્ત જ્યારે લંડન ગયા ત્યારે તે એની રેકોર્ડ ખરીદીને લાવ્યા હતા. એ ગીતની ધૂન એમના મનમાં એટલી વસી ગઇ હતી કે તેમણે બર્મનદાને એ ગીતની ધૂન સંભળાવીને ગુરૂદત્તે ‘સર જો તેરા ચકરાયે…’ માટે એનો ઉપયોગ કરવા કહ્યું. તેમની વાત સાંભળીને બર્મનદા ચોંકી ગયા અને સ્પષ્ટ કહી દીધું કે તે અંગ્રેજી ધૂનનો ઉપયોગ કરશે નહીં. તેમને અંગ્રેજીની જ નહીં કોઇની પણ ધૂનનો ઉપયોગ કરવાનું ક્યારેય મંજૂર ન હતું. તે ધૂન પર પોતાની છાપ હોય એની ખાસ કાળજી લેતા હતા.
તેમણે ગુરૂદત્તને કહી દીધું કે જેણે પણ આ અંગ્રેજી ગીત સાંભળ્યું હશે તે આપણી ધૂન સાંભળશે ત્યારે એમ વિચારશે કે એસ.ડી. બર્મન તો ધૂનોની ચોરી કરે છે. તેમને ધૂનની ઉઠાંતરીથી પોતાની બદનામીનો પણ ભય હતો. ગુરુદત્ત જીદ કરવા લાગ્યા કે ‘સર જો તેરા ચકરાયે…’ માં એ અંગ્રેજી ધૂનનો જ ઉપયોગ કરવામાં આવે. આખરે બર્મનદાએ એવું સમાધાન કર્યું કે મુખડામાં અંગ્રેજી અને બાકીના અંતરામાં એમની ઇચ્છા મુજબની ધૂન હોય. પરંતુ બર્મનદાએ રેકોર્ડિંગ વખતે ગીતના મુખડામાં પણ ફેરફાર કરીને પોતાની ધૂન પર જ ગીત બનાવ્યું. એ ગુરૂદત્તને પણ પસંદ આવ્યું. આ ગીતથી જૉની વૉકરને ઘણી પ્રસિધ્ધિ મળી હતી. અસલમાં ‘પ્યાસા’ માં જૉનીને દગાખોર મિત્રની ભૂમિકા સોંપવામાં આવી હતી. પરંતુ ફિલ્મના શુટિંગ માટે લોકેશન શોધવા ગયેલા ગુરૂદત્તને એક માણસની ‘તેલ… માલિશ’ ની બૂમ સાંભળીને તેના જેવું પાત્ર ‘પ્યાસા’ માં રાખવાનો વિચાર આવ્યો હતો. અને ત્યારે જ ભૂમિકાઓમાં ફેરફાર કરીને મિત્રની ભૂમિકા જૉની વૉકરને બદલે અભિનેતા શ્યામને સોંપી હતી.
–રાકેશ ઠક્કર (વાપી)