સદાશીવ અમરાપુરકરને નાટકમાં હાસ્ય અભિનેતાની ભૂમિકાને કારણે પહેલી જ ફિલ્મમાં વિલનની ભૂમિકા મળી હતી અને વર્ષો પછી વિલન તરીકેના શ્રેષ્ઠ અભિનયને કારણે ફિલ્મફેરમાં નવી કેટેગરી શરૂ કરવામાં આવી ત્યારે પહેલો એવોર્ડ મેળવી ગયા હતા. અસલ નામ ગણેશ નારવડે હતું. સ્ટેજ માટે સદાશિવ અમરાપુરકર નામ અપનાવ્યું હતું.
બાળપણથી જ નાટકોમાં રસ લેતા સદાશીવે અભિનયના શોખ સાથે પૂણે યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં માસ્ટરની ડિગ્રી મેળવી હતી અને થિયેટરમાં જોડાઇ ગયા હતા. પહેલાં એ નાટ્ય નિર્દેશક તરીકે વધુ કામ કરતા હતા. નિર્દેશનમાં વધુ રસ પડતો હતો. અને ક્યારેક કોઇ પાત્ર પસંદ આવી જાય તો ભજવી લેતા હતા. દરમ્યાનમાં સરકાર તરફથી થયેલી નાટકની એક સ્પર્ધામાં સદાશીવના અભિનય અને નિર્દેશન સાથેનું એક નાટક બધાંને બહુ પસંદ આવ્યું. એમને મુંબઇમાં નાટક કરવા આમંત્રણ મળ્યું. સદાશિવને મરાઠી લેખક વિજય તેંડુલકરનું એક નાટક ‘કન્યાદાન’ તૈયાર કરવા મળ્યું હતું. ત્યારે વિજય તેંડુલકર નિર્દેશક ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘અર્ધ સત્ય’ (૧૯૮૩) નો સ્ક્રીનપ્લે લખી રહ્યા હતા.
નિહલાનીને ફિલ્મના ‘રામા શેટ્ટી’ નામના વિલનના પાત્ર માટે એક અભિનેતાની જરૂર હતી. વિજય તેંડુલકરે એમની સાથે કામ કરતા સદાશીવનું નામ સૂચવ્યું. ગોવિંદ નિહલાનીએ સદાશીવને ઘરે મળવા બોલાવ્યા અને કહ્યું કે મેં તારું એકપણ નાટક જોયું નથી. તારે નાટકમાં અભિનય બતાવવો પડશે. એ સમય પર સદાશીવનું કોમેડી મરાઠી નાટક ‘હેન્ડઝ અપ’ ભજવાઇ રહ્યું હતું. સદાશીવે ગોવિંદને એ જોવા માટે બોલાવ્યા. નાટકમાં સદાશીવની એક પોલીસ ઇન્સ્પેક્ટરની હાસ્ય ભૂમિકા હતી. હાસ્ય ભૂમિકામાં સદાશીવ એક સારો અભિનેતા હોવાનો ગોવિંદને ખ્યાલ આવી ગયો. તેની રહસ્યમય આંખો અને ખલનાયકના પાત્ર માટે જરૂરી ચહેરો જોઇ કલાપારખુ નિર્દેશક ગોવિંદ નિહલાનીએ નાટક પૂરું થાય એ પહેલાં જ ‘અર્ધ સત્ય’ ની કન્નડભાષી ‘રામા શેટ્ટી’ ની ભૂમિકા માટે મરાઠી સદાશીવનું નામ નક્કી કરી લીધું. સંવાદ અને અભિનયમાં સદાશીવે એ નાનકડી ભૂમિકાને એટલો સારો અંજામ આપ્યો કે ગોવિંદનો નિર્ણય સાચો ઠર્યો. સદાશીવને ફિલ્મફેરનો ‘શ્રેષ્ઠ સહાયક અભિનેતા’ નો પહેલો એવોર્ડ મળ્યો.
એ ફિલ્મને કારણે સદાશીવને અનેક ફિલ્મો મળી. નિર્દેશક મહેશ ભટ્ટે જ્યારે ‘સડક’ (૧૯૯૧) નું નિર્દેશન હાથ ધર્યું અને અસલ જીવનના ‘ટીક્કુ’ નામના એક કિન્નરથી પ્રેરિત ‘મહારાની’ ની ભૂમિકા માટે સદાશીવને કહ્યું ત્યારે એમણે ઉત્સાહથી સ્વીકારી લીધી હતી. મહેશ ભટ્ટે ‘મહારાની’ ના પાત્રને સાડીમાં રજૂ કરવાનું વિચાર્યું ન હતું. સદાશીવે એમને કહ્યું હતું કે સાડી વગર કિન્નરનું પાત્ર હોય ના શકે. એ પાત્રને સદાશીવે એવું જબરદસ્ત ભજવ્યું કે ફિલ્મફેર દ્વારા નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ સ્થાપવામાં આવ્યો એ સૌથી પહેલો સદાશીવને ‘સડક’ માટે મળ્યો અને સદાશીવ આ ભૂમિકાથી સફળતાના આસમાન પર બિરાજ્યા હતા. સદાશીવની કારકિર્દીમાં આ ફિલ્મની ભૂમિકા સૌથી યાદગાર બની રહી.