નિર્દેશક મનમોહન દેસાઇએ ફિલ્મ ‘રોટી’ (૧૯૭૪) ને શત્રુધ્ન સિંહા સાથે બનાવવાનું નક્કી કર્યું હતું પણ સંજોગો એવા ઊભા થયા કે એ શક્ય બન્યું ન હતું. મનમોહન દેસાઇના પત્ની જીવનપ્રભાએ ‘રોટી’ ની વાર્તા તૈયાર કરી હતી. જે એક અંગ્રેજી ફિલ્મ ‘ફેસ ઓફ ફ્યુજીટીવ’ પર આધારિત મનાય છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે પ્રયાગ રાજે તૈયાર કર્યો હતો. જ્યારે સંવાદ લેખક અખ્તર ઉલ રહેમાનના હતા. પરંતુ ક્લાઇમેક્સ માટે એમણે લખેલા સંવાદ મનમોહનને પસંદ આવ્યા ન હતા. એમણે કાદર ખાન પાસે ‘રોટી’ ના કેટલાક સંવાદ લખાવ્યા હતા. પહેલાં કાદર પર એમને વિશ્વાસ ન હતો. એમણે કહ્યું હતું કે સંવાદ પસંદ નહીં આવે તો એ કાગળ ફાડી નાખશે.
કાદરે એક મહિના પછી સંવાદ લખીને આપ્યા ત્યારે એ ખુશ થઇ ગયા હતા. ફિલ્મના અંતમાં ગોળી વાગ્યા પછી રાજેશ ખન્ના મરતાં પહેલાં કહે છે કે,’દુનિયા મેં ઐસા કોઇ ફંદા નહીં બના જો મંગલ કી ગરદન મેં ફિટ હો શકે.’ ક્લાઇમેક્સમાં રાજેશના એક-એક સંવાદ દમદાર હતા. કાદર ખાને પોતાના સંવાદના કામના રૂ.૨૦૦૦૦ કહ્યા હતા. પણ મનમોહને રૂ.૧.૨૦ લાખ આપ્યા હતા. મનમોહને ‘રોટી’ ની મુખ્ય ભૂમિકા આપવાનું શત્રુધ્ન સિંહાને વચન આપ્યું હતું. કેમકે આ અગાઉ એમણે ‘રામપુર કા લક્ષ્મણ’ (૧૯૭૨) માં શત્રુધ્ન સાથે કામ કર્યું હતું. મનમોહન દેસાઇ માનતા હતા કે એમાં રણધીર કપૂર અને રેખા હોવા છતાં શત્રુધ્નના દમદાર અભિનયને કારણે વધુ સફળતા મળી હતી.
એ પછી શશી કપૂર સાથેની ‘આ ગલે લગ જા’ (૧૯૭૩) માં પણ શત્રુધ્નને મહત્વની ભૂમિકા આપી હતી. મનમોહને જ્યારે ‘રોટી’ નું આયોજન વિતરકોને જણાવ્યું ત્યારે એમણે કહ્યું કે જો રાજેશ ખન્નાને મુખ્ય ભૂમિકામાં લેવામાં આવશે તો તેઓ વધુ કિંમત ચુકવશે. આ કારણે મનમોહને શત્રુધ્નને બદલે રાજેશ ખન્ના સાથે ‘રોટી’ બનાવી હતી. રાજેશ ખન્નાએ પોતાના ‘આશીર્વાદ પિક્ચર્સ’ ના બેનર તળે જ બનાવી હતી. મનમોહને રાજેશ સાથે પણ ‘સચ્ચા જૂઠા’ (૧૯૭૦) જેવી સફળ ફિલ્મ આપી જ હતી. જોકે, એ પછી અમિતાભ બચ્ચન સાથે મનમોહનની એવી જોડી બની કે રાજેશ ખન્નાને ફરી એમની ફિલ્મ મળી નહીં. અને ‘રોટી’ રાજેશની કારકિર્દીની છેલ્લી સુપરહિટ ફિલ્મોમાં એક રહી.
શત્રુધ્નને મનમોહનની ‘નસીબ’ મળી પણ મુખ્ય હીરો તો અમિતાભ જ રહ્યા. ‘રોટી’ માં હીરો જ નહીં હીરોઇન પણ બદલાઇ હતી. ફિલ્મ માટે પહેલી પસંદ ડિમ્પલ કાપડિયા હતી. કોઇ કારણથી એના બદલે મુમતાઝ આવી હતી. રાજેશ અને મુમતાઝની લોકપ્રિય જોડીનું કામ ખૂબ વખણાયું હતું. ફિલ્મના ક્લાઇમેક્સના શુટિંગમાં રાજેશ ખન્નાએ બરફમાં અનેક વખત પોતાના ખભા પર મુમતાઝને ઊંચકી હતી. એને ઊંચકીને રાજેશ સતત દોડ્યા હતો. મુમતાઝને ઊંચકવાથી રાજેશના ખભા પર લાલ ચકામા પડી ગયા હતા. હિન્દીમાં સફળ રહેલી ‘રોટી’ ને એન.ટી. રામારાવ અને મંજુલા સાથે તેલુગુમાં ‘નેરમ નાડી કાડુ અકાલિડી’ નામથી બનાવવામાં આવી હતી.