સંગીતકાર અનુ મલિકે કદાચ ગીતકાર રાહત ઇંદોરીની રચનાઓનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે. રાહતને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કારણે લોકપ્રિયતા મળી એ કરતાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ તેમનો સારો લાભ ઉઠાવ્યો એમ કહેવું વધારે યોગ્ય ગણાય છે. આમ તો શાયર રાહતને ફિલ્મ સંગીત જગતમાં લાવવાનું શ્રેય ‘ટી સીરિઝ’ ના ગુલશનકુમારને જાય છે. ઇંદોરના કોઇ ટ્રાન્સ્પોર્ટરે કોલેજમાં જઇને રાહતને ગુલશનકુમારનો ફોન નંબર આપીને તરત વાત કરવા માટે કહ્યું. ત્યારે એમને ફિલ્મોમાં કોઇ રસ ન હતો એટલે વાત કરવાની ઉતાવળ ના કરી. પણ એમનો ફોન નંબર મેળવી ગુલશનકુમારે સામેથી ફોન કરીને કહ્યું કે તમારી પાસે એક ગીત લખાવવું છે. અને જે પહેલી ફ્લાઇટ મળે એ પકડીને મુંબઇ આવી જાવ. ત્યારે રાહતને પંજાબમાં એક કવિ સંમેલનમાં જવાનું હતું. એમણે ના પાડી ત્યારે ગુલશનકુમારે એ કવિ સંમેલન છોડી દેવા કહ્યું અને એ કારણે જે પણ આર્થિક નુકસાન થાય એની ભરપાઇ કરી આપવાનો વાયદો કર્યો.
ગુલશનકુમાર ત્યારે રાહુલ રૉય-પૂજા ભટ્ટ સાથે ફિલ્મ ‘જાનમ'(૧૯૯૨) બનાવી રહ્યા હતા. એમાં એમણે રાહતની ગઝલ ‘દિલ જીગર કે જાન અચ્છા હૈ’ નો ઉપયોગ કર્યો હતો. અસલમાં જાણીતા કવ્વાલ અખ્તર આઝાદ ત્યાં કામ કરતા હતા અને એમણે ગુલશનકુમાર સમક્ષ રાહતના વખાણ કર્યા હોવાથી એમને બોલાવવામાં આવ્યા હતા. ગુલશનકુમારે એમની પાસે એક આલબમ માટે ગીતો પણ લખાવ્યા. એને અનુરાધા પૌડવાલના અવાજમાં બહાર પાડવામાં આવ્યું હતું. થોડા દિવસ પછી રાહત મુંબઇથી ઇંદોર પાછા ફરતા હતા ત્યારે ‘ટી સીરિઝ’ ની ઓફિસમાં એમની કેટલીક રચનાઓ મૂકી આવ્યા હતા. એના પર સંગીતકાર અનુ મલિકની નજર પડી અને મહેશ ભટ્ટની ‘સર’ (૧૯૯૩) માટે એમનું એક ગીત વાપરવાનો નિર્ણય કર્યો.
ફિલ્મના બધાં જ ગીતો કતિલ શિફાઇએ લખ્યા હતા અને એ સારા બન્યા હતા. પરંતુ અનુને ‘આજ હમને દિલ કા હર કિસ્સા તમામ કર દીયા’ એટલું પસંદ આવ્યું કે કુમાર સાનૂ અને કવિતા કૃષ્ણમૂર્તિ પાસે ગવડાવ્યું. અને એ સૌથી મોટું હિટ સાબિત થયું. આ ગીત ‘બિનાકા ગીતમાલા’ માં પણ પ્રથમ નંબર પર રહ્યું. બન્યું એવું કે અન્ય ગીતો કતિલના હતા એટલે આ ગીતના ગીતકાર તરીકે એમનું જ નામ લેવાતું હતું. રાહતને એ વાતની ખબર ન હતી. ‘વીનસ’ કંપનીની કેસેટમાં પણ આ ગીત કતિલના નામ પર ચઢી ગયું. જ્યારે એમના મિત્રોએ આ બાબતે ધ્યાન દોર્યું ત્યારે સંગીત કંપનીએ ભૂલ સુધારીને એમનું નામ આપ્યું.
આ ગીતની સફળતા પછી રાહત ઇંદોરીની અનુ મલિક સાથે એવી જોડી બની કે ‘મેં ખિલાડી તૂ અનાડી’ (૧૯૯૪) ના શિલ્પા શેટ્ટી પર ફિલ્માવેલા ‘દિલ કા દરવાજા ખુલા હૈ આજા’ થી વધારે લોકપ્રિયતા મળી. ટક્કર, ગુંડારાજ, પ્રેમશક્તિ વગેરે અનેક ફિલ્મોમાં એમણે સાથે કામ કર્યું. નિર્દેશક ઇન્દ્રકુમારની ‘ઇશ્ક’ માં દેવ કોહલી અને જાવેદ અખ્તરના ગીતો હતા. પરંતુ બે ગીત બાકી હતા અને જાવેદને વંધો પડતાં તે ફિલ્મ છોડી ગયા હતા. ત્યારે અનુએ ઇન્દ્રકુમારને ભલામણ કરી એટલે એમણે રાહત પાસે બે ગીત ‘નીંદ ચુરાઇ મેરી’ અને ‘દેખો દેખો જાનમ’ લખાવ્યા. તે પણ ઘણા લોકપ્રિય થયા હતા.