રાજેશ ખન્ના પોતાના સુપરસ્ટાર પદના દિવસોમાં સાંજે સાડા છ સુધી જ શુટિંગ કરતા હતા. નિર્દેશક શક્તિ સામંતાની ફિલ્મ ‘અમર પ્રેમ’ (૧૯૭૨) માટે એમણે એ નિયમ મહિનાઓ સુધી તોડ્યો હતો. શક્તિ સામંતાના વાંચવામાં બિભૂતિભૂષણ બંદોપાધ્યાયની એક વાર્તા આવી ત્યારે એમણે એના પરથી ફિલ્મ ‘અમર પ્રેમ’ બનાવવાનો નિર્ણય કરી લીધો. પછી ખબર પડી કે એના પરથી બંગાળી ફિલ્મ ‘નિશિ પદ્મા’ બની ચૂકી છે. તેમણે એ ફિલ્મ જોઇ અને એના નિર્દેશક-પટકથા લેખક અરબિંદ મુખર્જીને જ હિન્દીમાં અનુવાદ કરવાની જવાબદારી સોંપી દીધી. અરવિંદે પટકથા લખી અને રમેશ પંત દ્વારા સંવાદ લખવામાં આવ્યા.
શક્તિદાએ જ્યારે આ ફિલ્મની ચર્ચા શર્મિલા ટાગોર સાથે કરી ત્યારે એટલી પસંદ આવી કે પોતે જ એમાં કામ કરવાની જીદ કરી. શક્તિદાએ હીરોઇન નક્કી થયા પછી હીરોની ભૂમિકા માટે રાજેશ ખન્નાને પૂછ્યું. વાર્તા સાંભળીને રાજેશ તૈયાર થઇ ગયા પણ જ્યારે દરરોજ સમય આપવાની વાત આવી ત્યારે ચૂપ થઇ ગયા. રાજેશને થયું કે જેમણે પોતાને ‘આરાધના’ (૧૯૬૯) થી સુપરસ્ટાર બનાવ્યો એમની જ ફિલ્મ માટે તારીખો નથી. એ સમય પર રાજેશ ખન્નાના હાથ પર ઘણી ફિલ્મો હતી. શક્તિ સામંતાએ રાજેશની કામ કરવાની ઇચ્છાને જોઇને એક તોડ કાઢ્યો. તેમને ખબર હતી કે રાજેશ સાંજે સાડા છ પછી શુટિંગ કરતા નથી પણ આ ફિલ્મ માટે એ પછીના સમયમાં શુટિંગ કરવાનું આયોજન બતાવ્યું. રાજેશ પહેલી વખત રાત્રે કામ કરવા તૈયાર થયા. તેમની કારકિર્દીની આ એકમાત્ર ફિલ્મ છે જેનું રાજેશ ખન્નાએ સતત છ મહિના સુધી રાતના ઉજાગરા કરીને શુટિંગ કર્યું હતું.
શક્તિદાના આયોજન મુજબ બપોરે બે વાગ્યાની શીફ્ટમાં શર્મિલા આવતા ત્યારે એમના એકલા દ્રશ્યોનું શુટિંગ કરવામાં આવતું અને સાડા છ પછી રાજેશ ખન્ના આવે એટલે બંનેના સાથે હોય એવા દ્રશ્યો ફિલ્માવવામાં આવતા. અને શર્મિલા ગયા પછી રાજેશ મોડી રાત સુધી પોતાના દ્રશ્યોનું શુટિંગ કરતા હતા. ફિલ્મનું પહેલું ગીત ‘ડોલી મેં બિઠાઇ કે કહાર’ અને છેલ્લું શર્મિલા-વિનોદનું રીક્ષાવાળું દ્રશ્ય જ બહારના સ્થળોએ ફિલ્માવવામાં આવ્યું હતું. બાકીનું બધું જ શુટિંગ સ્ટુડિયોમાં થયું હતું. રાજેશ ખન્ના શર્મિલાને હાવડા બ્રિજ પાસે લઇ જાય છે એ દ્રશ્યને શક્તિદા અસલ બ્રિજ પાસે જ ફિલ્માવવા માગતા હતા. પરંતુ પશ્ચિમ બંગાળ સરકારની પરવાનગી ના મળતા એને સ્ટુડિયોમાં ફિલ્માવવામાં આવ્યું હતું.
