‘પરવાના’ થી જૂના નવીન સામે નવા અમિતાભને પાંખો મળી!

જ્યોતિ સ્વરૂપ નિર્દેશિત ફિલ્મ ‘પરવાના’ (1971) તે સમયે એક મોટો પ્રયોગ હતી. કારણ કે ત્યારે અમિતાભ બચ્ચન ઉભરતા કલાકાર હતા. તેમને એક સાઈકો લવર અને નકારાત્મક ભૂમિકામાં રજૂ કરવામાં આવ્યા હતા. ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટમાં નવીન નિશ્ચલ અને યોગિતા બાલી હતા. નવીન તે સમયના લોકપ્રિય અને ચોકલેટી ચહેરો ગણાતા હતા. એ સમયે નવીન ‘સાવન ભાદો’ની ભવ્ય સફળતા પછી સુપરસ્ટાર ગણાતા હતા. જ્યારે અમિતાભ હજુ પોતાની ઓળખ બનાવી રહ્યા હતા. શૂટિંગ દરમિયાન એક દ્રશ્યમાં અમિતાભે એટલી તીવ્રતાથી અભિનય કર્યો કે સેટ પર હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. નવીન નિશ્ચલે પાછળથી સ્વીકાર્યું હતું કે અમિતાભની આંખોમાં જે પાવર હતો તે જોઈને તેમને પણ થોડી ક્ષણો માટે ડર લાગ્યો હતો.

આ એ જ ફિલ્મ હતી જેણે સાબિત કર્યું કે અમિતાભ માત્ર હીરો જ નહીં પણ એક ખતરનાક વિલન પણ બની શકે છે. અમિતાભે આ ફિલ્મમાં એક એવા પ્રેમીનું પાત્ર ભજવ્યું હતું જે પાગલપનની હદે પ્રેમ કરે છે. અમિતાભની અભિનય ક્ષમતા અને તેમની ‘એંગ્રી યંગ મેન’ બનવાની પૂર્વતૈયારી આ ફિલ્મમાં દેખાઈ આવતી હતી. સેટ પર લોકો કહેતા કે હીરો (નવીન) કરતાં વિલન (અમિતાભ) વધુ આકર્ષક લાગે છે. જે વાત આગળ જતાં સાચી સાબિત થઈ હતી. અમિતાભ બચ્ચને પોતાની કારકિર્દીમાં જે ગણીગાંઠી ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યા છે તેમાં ‘પરવાના’ સૌથી ટોચ પર છે. કહેવાય છે કે ‘પરવાના’માં અમિતાભનો આ તેવર જોઈને જ નિર્માતા-નિર્દેશકોએ તેમને ‘ઝંજીર’ માટે ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું હતું. આ ફિલ્મ એ વાતનું પ્રમાણ છે કે ક્યારેક એક નકારાત્મક ભૂમિકામાં મળેલી સકારાત્મક પ્રશંસા જ કલાકારને સાચા અર્થમાં હીરો બનાવી દેતી હોય છે.

આ ફિલ્મની સૌથી અજાણી અને ચોંકાવનારી વાત એ છે કે તેમાં મોહમ્મદ રફી અને આશા ભોંસલેનું એક અત્યંત મધુર યુગલ ગીત ‘જિસ દિન સે મૈંને તુમકો દેખા હૈ’ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આ ગીત નવીન નિશ્ચલ અને યોગિતા બાલી પર ખૂબ જ સુંદર રીતે ફિલ્માવવામાં પણ આવ્યું હતું. જ્યારે ફિલ્મ અંતિમ એડિટિંગ ટેબલ પર આવી ત્યારે ફિલ્મની લંબાઈ ઘટાડવા અને વાર્તાના પ્રવાહને જાળવી રાખવા માટે આ ગીતને ફિલ્મમાંથી પૂરેપૂરું કાઢી નાખવામાં આવ્યું ત્યારે નવીન નિશ્ચલ થોડા નારાજ થયા હતા. કારણ કે આ ગીતમાં તેમનો લુક ખૂબ જ હેન્ડસમ હતો.

નિર્દેશક જ્યોતિ સ્વરૂપનું માનવું હતું કે જો આ ગીત રાખવામાં આવશે તો પાત્રની જે ગંભીરતા છે તે ઓછી થઈ જશે. આજે પણ ઘણા જુના સંગીત રસિકો આ ગીતને રેડિયો કે યુટ્યુબ પર સાંભળે ત્યારે નવાઈ પામે છે કે આટલું સરસ ગીત પડદા પર કેમ ન આવ્યું. ‘પરવાના’ ફિલ્મ આજે પણ સિનેમાના અભ્યાસુઓ માટે અમિતાભ બચ્ચનની અનોખી ભૂમિકા અને નવીન નિશ્ચલના તે સમયના સ્ટારડમની સાક્ષી પૂરે છે.