આપ કી નજરોંને સમઝા પ્યાર કે કાબિલ મુઝે….કિસ્મત કે ખેલ નિરાલે મેરે ભૈયા…જેવા સુમધુર ગીતોમાં સંગીત આપનાર સંગીતકાર રવિએ શરૂઆતમાં કેવો સંઘર્ષ કર્યો હતો અને વર્ષો સુધી કેવી મુશ્કેલીમાં જિંદગી પસાર કરી હતી એ જાણીને કોઇની પણ આંખમાં પાણી આવી જાય એમ છે. રવિને ગાયક બનવાનો શોખ હતો. મિત્રોએ મુંબઈ જઈને નસીબ અજમાવવા આપી ત્યારે ૧૯૪૫ માં રવિ અંગ્રેજની કંપનીમાં નોકરી કરતા હતા. એ વખતે જ એમની બદલી કરવાનો હુકમ થયો અને પઠાણકોટ જવાનું થયું. રવિને મુંબઈ જવું હતું. માતા-પિતાને કહ્યું કે એ ગાયક તરીકે કામ કરવા મુંબઈ જવા માગતા હતા પણ કંપનીવાળા ના પાડે છે. એમણે સંમતિ આપી એટલે રવિએ મુંબઈમાં કિસ્મત અજમાવવા કંપનીમાંથી ૨૦ દિવસની રજા માગી. કારણ પૂછ્યું ત્યારે કહ્યું કે પઠાણકોટ જવાનું હોવાથી પરિવારની વ્યવસ્થા કરવાની છે. ત્યારે રવિને એક પુત્રી હતી. રજા મેળવીને મુંબઈ જવા તૈયાર થયા પણ કોઈ ઓળખીતું ન હતું.
માતાએ થોડા સમય પહેલાં તીર્થયાત્રાએ ગયા ત્યારે મુંબઈ માધવબાગ ધર્મશાળામાં રોકાયા હોવાનું યાદ કરી ત્યાં જવા કહ્યું. ટ્રેનમાં ગાયનની તૈયારી કરતાં મુંબઈ પહોંચ્યા અને એક મજૂર પાસે સામાન ઊંચકાવી ધર્મશાળા ગયા. ત્યાં કોઈ રૂમમાં જ નહીં કબાટમાં પણ જગ્યા ન હતી. ધર્મશાળાના કબાટમાં સામાન મૂકી બહાર સૂઈ રહેવાની પણ જગ્યા ન હતી. મજૂરે હીરાબાગ ધર્મશાળાનું નામ સૂચવ્યું. ત્યાં રૂમ ખાલી ન હતો પણ એક માણસ કબાટનું એક લૉકર ખાલી કરી ગયો હતો એ મળી ગયું. રવિ કામ મેળવવા દાદર ખાતેના સ્ટુડિયોમાં ચક્કર મારવા લાગ્યા. દરમ્યાનમાં પત્નીએ તબિયત ખરાબ હોવાથી પત્ર લખી રૂ.૨૫ મોકલવા કહ્યું પણ રૂ.૨ જ મોકલી શક્યા. ગાવા માટે પ્રયત્ન કરતા હતા ત્યારે પહેલી વખત ફિલ્મ ‘આનંદમઠ’ ના ‘વંદે માતરમ’ ગીતમાં કોરસમાં ગાવાની તક મળી. ઘણા પ્રયત્ન પછી સંગીતકાર હેમંતકુમારના સહાયક તરીકેનું કામ મળી ગયું હતું. ત્યારે જ પત્નીનો પત્ર આવ્યો કે અમારે એકલા રહેવું નથી.
મુંબઈમાં જેવું રહેવાનું -ખાવાનું મળશે એ ચલાવી લઈશું. રવિની આર્થિક પરિસ્થિતિ એવી હતી કે પરિવાર સાથે રહેવા માટે મકાન મળી શકે એમ ન હોવાથી એક પતરાનું નાનું ગોડાઉન ભાડે રાખ્યું હતું. જેની એક બાજુ મરચાનું અને બીજી બાજુ સિમેન્ટનું ગોડાઉન હતું. ક્યારેક સિમેન્ટ તો ક્યારેક મરચાની ભૂકી ઊડતી એવી સ્થિતિમાં અને ખરબચડી જમીન પર ગાદલાં વગર સૂઈને નવ વર્ષ સુધી રહ્યા હતા. થોડા વર્ષ પછી બાજુનું સિમેન્ટ ગોડાઉન ખાલી થયું એને ભાડે રાખી લીધું હતું. શરૂઆતમાં લાઇટ ના હોવાથી એક દીવો સળગાવતા હતા. પછી ફાનસ લાવ્યા અને ઘણા સમય પછી લાઇટ મળી હતી. પાસે કૂવો હતો એનું પાણી પીવાલાયક નહોતું એટલે રવિ રોજ સવારે દૂરથી બે બાલદી પાણી લાવતા હતા. ગોડાઉન જેવા ઘરમાં રહીને રવિએ ભારે સંઘર્ષ કર્યો અને હેમંતકુમારની સાથે સહાયક તરીકે અનેક ફિલ્મોમાં કામ કર્યું. એમાં ‘શર્ત’ અને ‘સમ્રાટ’ સાથે ‘નાગિન’ પણ હતી.
રવિએ આકાશવાણીના વિવિધ ભારતીના કાર્યક્રમ માટે આપેલી મુલાકાતમાં એવો દાવો કર્યો હતો કે ‘નાગિન’ (૧૯૫૪) માં બીનની ધૂન એમણે હાર્મોનિયમ પર બનાવી હતી. સંગીતકાર કલ્યાણજીએ એક નવા વાજિંત્રથી માત્ર એને ટોન આપ્યો હતો. અને કલ્યાણજી હેમંતકુમારના સહાયક ક્યારેય રહ્યા નથી. ‘નાગિન’ ની સફળતાને કારણે હેમંત કુમારને દસ ફિલ્મો મળી હતી. એમાં સંગીત સહાયક તરીકે દરેક ફિલ્મ માટે રવિને રૂ.200 મળતા હતા. રવિના કામથી પ્રભાવિત થઈને ફિલ્મીસ્તાન કંપનીએ પણ સંગીત વિભાગ માટે રૂ.250 ના પગારથી નોકરીએ રાખી લીધા હતા. આમ રવિ હેમંતકુમાર ઉપરાંત બહારની ફિલ્મોમાં સંગીત આપવા લાગ્યા હતા.