નિર્દેશક મનમોહન દેસાઇની ગણાતી ફિલ્મ ‘કુલી’ (1983) ના શરૂઆતના ટાઈટલ્સ જેમણે પણ ધ્યાનથી જોયા હશે કે પોસ્ટર પણ જોયું હશે એમને ખબર હશે કે એમાં નિર્દેશક તરીકે પહેલાં પ્રયાગ રાજ અને મનમોહન દેસાઇનું બંનેનું નામ લખાયું છે. અમિતાભ સાથે ફિલ્મ ‘નસીબ’ (1981) પછી મનમોહન દેસાઇએ ‘કુલી’ પર કામ શરૂ કરી દીધું હતું. પરંતુ ‘દેશપ્રેમી’ (1982) નું નિર્દેશન કરી રહ્યા હોવાથી મોડેથી શરૂ કરવી પડી હતી. એમની ઘણી ફિલ્મોના વાર્તાલેખક પ્રયાગ રાજને ‘કુલી’ ના નિર્દેશક તરીકે નક્કી કર્યા હતા.
પ્રયાગ રાજ અગાઉ પાપ પુણ્ય, ચોર સિપાહી, પોંગા પંડિત વગેરે ફિલ્મોનું નિર્દેશન કરી ચૂક્યા હતા. કહેવાયું છે કે જ્યારે ‘કુલી’ ના વિતરણ અધિકાર વેચવાની વાત આવી ત્યારે મનમોહનને ખ્યાલ આવી ગયો કે વાર્તા લેખક તરીકે પ્રયાગ સફળ છે પણ નિર્દેશક તરીકે એમનું નામ આવવાથી ‘કુલી’ ની કિંમત વધારે મળી રહી નથી. એમણે પ્રયાગ રાજને કહ્યું કે નિર્દેશક તરીકે મારું પણ નામ રાખવાથી કિંમત સારી મળી શકે એમ છે. પ્રયાગને એની સામે કોઈ વાંધો ન હતો. એટલે જ પોસ્ટર ઉપર પણ પ્રયાગ રાજનું નામ પહેલાં રાખવામાં આવ્યું હતું. બાકી અગાઉ ઘણી વખત પ્રયાગ રાજે મનમોહનની ફિલ્મો માત્ર લેખક તરીકે જ કરી હતી.
મનમોહનના પુત્ર કેતન દેસાઈની નિર્માતા તરીકે આ પહેલી ફિલ્મ હતી. જો ફિલ્મ ટાઈટલ્સને વધુ ધ્યાનથી જોવામાં આવશે તો ખબર પડશે કે ‘કુલી’ જેવી મસાલા ફિલ્મના એડિટર ઋષિકેશ મુખર્જી હતા. નિર્દેશક તરીકે એમણે ક્યારેય આવી ફિલ્મ બનાવી નથી. ફિલ્મના ઘણા કલાકારો બદલાયા હતા. ‘કુલી’ માં અમિતાભની હીરોઈન તરીકે અનિતા રાજને લેવા માટે તેના પિતા જગદીશ રાજે ભલામણ કરી હતી. ઋષિકેશ મુખર્જીની પોતાની અમિતાભ સાથેની ફિલ્મ ‘ઔકાત’ માટે પણ અનિતાનું નામ હતું. કોઈએ અનિતા મોટી સ્ટાર ન હોવાનું કહ્યું એટલે ‘કુલી’ માં તક ના મળી. અને ‘ઔકાત’ તો બની જ ના શકી. ત્યારે ફિલ્મ ‘એક દુજે કે લિયે’ (1981) હિટ રહી હોવાથી રતિ અગ્નિહોત્રીનું નામ હતું. તેથી એને અમિતાભની હીરોઈન તરીકે તક મળી ગઈ હતી.
રિશિ કપૂર સાથે હીરોઈન તરીકે રીના રોયનો વિચાર થયો હતો. પછી સોમા આનંદને તક મળી હતી. રંજીતા કોરે એક મુલાકાતમાં એમ કહ્યું હતું કે રિશિ સામે પહેલાં એને તક મળી રહી હતી પણ નિર્માતા કેતન દેસાઇની ભલામણને કારણે એના બદલે સોમાને લેવામાં આવી હતી. જ્યારે સોમાએ કહ્યું હતું કે અસલમાં સુપ્રિયા પાઠકનું નામ હતું પણ એ મસાલા ફિલ્મોની હીરોઈન લાગતી ન હોવાથી મને પસંદ કરવામાં આવી હતી. મુખ્ય વિલન તરીકે કાદર ખાન હતા. કેમકે એ અગાઉ મનમોહનના નિર્દેશનમાં અમિતાભ સાથે ઘણી ફિલ્મો કરી ચૂક્યા હતા અને ‘કુલી’ ના સંવાદ લેખક હતા.
સંવાદ એટલા જબરદસ્ત હતા કે એની અલગથી ઓડિયો કેસેટ બહાર પાડવામાં આવી હતી. ફિલ્મમાં ડેનીને એક ભૂમિકા કરવા કહેવામાં આવ્યું હતું. ડેની મનમોહન દેસાઈની ફિલ્મોને પસંદ કરતાં ન હોવાથી ગોગા કપૂરને તક મળી હતી. એ જ રીતે શરત સક્સેનાનું જે ભૂમિકા માટે નામ હતું એ પાછળથી પુનિત ઇસ્સરને મળી હતી. પુનિતની આ પહેલી ફિલ્મ હતી અને એક એક્શન દ્રશ્ય દરમ્યાન પુનિત સાથે કામ કરતાં અમિતાભ ઇજાગ્રસ્ત બન્યા હતા. મનમોહન દેસાઇની એ વાત સાચી પડી હતી કે એમના નામથી ‘કુલી’ ની કિંમત વધુ મળશે. ફિલ્મ પાછળ રૂ.૨ કરોડનો ખર્ચ કર્યો હતો અને વિતરણ અધિકારથી જ રૂ.૩.૫ કરોડ મળી ગયા હતા. અને કુલ કમાણી રૂ.૯ કરોડ સુધી પહોંચી હતી.
