નિર્દેશક તરીકે મધુર ભંડારકરે ‘ચાંદની બાર’ (૨૦૦૧) થી પોતાના નામંનો ડંકો વગાડી દીધો હતો પરંતુ એ પહેલાં ફ્લોપ ફિલ્મ કરી ચૂક્યા હતા. અંધારામાં ખોવાયેલા મધુરે ‘ચાંદની બાર’ ની સફળતા પહેલાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. ઘરની આર્થિક નબળી સ્થિતિ અને અભ્યાસમાં રસ ન હોવાથી મધુરે વિડીયો કેસેટ લાઇબ્રેરીમાં નોકરી શરૂ કરી હતી. એ પછી પોતે જ ફિલ્મોની વિડીયો કેસેટની લાઇબ્રેરી શરૂ કરી દીધી હતી. દસ કેસેટથી શરૂઆત કરી ૧૭૦૦ કેસેટનો સંગ્રહ બનાવી લીધો હતો. ફિલ્મો તેનું શુટિંગ જોવાના શોખને લીધે યુવાનીમાં ફિલ્મ નિર્દેશક બનવાનો શોખ જાગ્યો હતો.
તકલીફ એ હતી કે તે મધ્યમ વર્ગનો હતો અને કોઇ ઓળખાણ ન હતી. એક વખત રામગોપાલ વર્મા સાથે મુલાકાત થઇ. વર્માનો પણ વિડીયો કેસેટની લાઇબ્રેરીનો ભૂતકાળ હતો. વાતચીતમાં મધુરની કેટલીક જાણકારીથી વર્મા પ્રભાવિત થયા. કેમકે મધુર માત્ર શોખથી જ ફિલ્મો જોતા ન હતા. એની તકનીકી બાબતોને પણ ધ્યાનમાં લેતા હતા. વર્માએ મધુરને સહાયક તરીકે રાખી લીધો. મધુરે એમની સાથે મદ્રાસમાં કામ કર્યું અને રાત, દ્રોહી તથા ‘રંગીલા’ માં સહાયક નિર્દેશક રહ્યા. એમાં ‘રંગીલા’ (૧૯૯૫) સફળ રહી. ત્યારે મધુરે અચાનક નક્કી કરી લીધું કે હવે સ્વતંત્ર નિર્દેશક બનશે. પ્રયત્ન શરૂ કર્યા એમાં સફળતા મળી રહી ન હતી. નિર્માતાઓને પોતાની સ્ક્રીપ્ટ સાથે મળતા રહ્યા.
એક વર્ષ પછી નિર્માતા દિલીપ ધનવાનીએ એમની ત્રણ સ્ક્રીપ્ટ સાંભળીને એક પસંદ કરી. એના પરથી એમણે એક વ્યવસાયિક ફિલ્મ ‘ત્રિશક્તિ’ (૧૯૯૯) બનાવવાનું કહ્યું. મધુરે ત્યારે ઉભરતા કલાકારો અરશદ વારસી, મિલિન્દ ગુનાજી અને શરદ કેલકર સાથે આ ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. કેટલાક કારણોથી ફિલ્મ તૈયાર થતાં ત્રણ વર્ષ લાગી ગયા. રજૂ થઇ ત્યારે ત્રણેય અભિનેતાની બોક્સ ઓફિસ પર સ્થિતિ સારી રહી ન હતી. વિષય પણ જૂનો થઇ જતાં ફિલ્મ ક્યારે આવીને જતી રહી એની ખબર જ ના પડી. છતાં એનું નિર્દેશન સારું ગણાયું.
મધુરને ફ્લોપ ફિલ્મને કારણે કોઇ બીજી ફિલ્મ આપતું ન હતું. તે નિર્માતાઓની ઓફિસોના ચક્કર કાપતો રહ્યો. મધુરને થયું કે કારકિર્દી હવે ખતમ થઇ ગઇ. પૈસેટકે ઘસાઇ ચૂકેલો મધુર એક દિવસ પોતે બીયર પીતો ન હોવા છતાં પોતાના મિત્રની સાથે એક લેડિઝ બારમાં ગયો. ત્યાંનું નાચગાનનું વાતાવરણ જોઇ એને નવાઇ લાગી. એ રાત્રે તેના મગજમાં બારમાં બાળાઓ જેના પર ડાન્સ કરતી હતી એ ‘મુંદડા’ ગીત જ ગુંજતું રહ્યું. ત્યારે મધુરના મગજમાં ‘ચાંદની બાર’ નો વિચાર આવ્યો. બાર વિશે વધુ માહિતી મેળવવા મધુરે ‘ત્રિશક્તિ’ માં કામ કરનાર અન્ના શેટ્ટીના બારની મુલાકાત લીધી.
પંદર દિવસ સુધી એ બારમાં કામ કરતી છોકરીઓના જીવનની માહિતી મેળવી અને લેખક મિત્રો પાસે સ્ક્રીપ્ટ તૈયાર કરાવી. મધુરે નિર્માતા આર. મોહનને સ્ક્રીપ્ટ બતાવી. એ ફિલ્મ બનાવવા તૈયાર થઇ ગયા. મુખ્ય વાત જાણીતી હીરોઇનને સાઇન કરવાનો હતો. આર. મોહન જ્યારે મધુરને તબ્બુ પાસે લઇ ગયા ત્યારે એને ખબર ન હતી કે ‘ત્રિશક્તિ’ જેવી ફ્લોપ ફિલ્મ આપી છે. સ્ક્રીપ્ટ વાંચીને તબ્બુએ મધુરની પહેલી ફિલ્મ હોવાનું પૂછ્યું. મધુરે સત્ય બતાવી દીધું. અલબત્ત તબ્બુને એ ફિલ્મ ગમી હતી. મધુરે જ્યારે સ્ક્રીપ્ટ સંભળાવવાનું શરૂ કર્યું અને ઇન્ટરવલ સુધી આવ્યા ત્યારે જ તબ્બુએ કહી દીધું કે તે કામ કરવા તૈયાર છે. તબ્બુનો વિશ્વાસ સાચો ઠર્યો અને ફિલ્મ ‘ચાંદની બાર’ બોક્સ ઓફિસ પર સફળ રહેવા સાથે ચાર રાષ્ટ્રીય એવોર્ડ મેળવી ગઇ હતી. એ પછી મધુર સતત પ્રકાશમાં રહ્યા છે.