યોગેશની ગીતકાર તરીકેની પહેલી ફિલ્મ ‘સખી રોબિન'(૧૯૬૨) અચાનક જ મળી હતી પણ તેમની સફળતાનો સૂરજ છેક નવ વર્ષ પછી ઋષિકેશ મુખર્જીની ફિલ્મ ‘આનંદ'(૧૯૭૧) ના ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે…’ ગીતથી ઉગ્યો હતો. જો કે એ ગીત તેમણે ‘આનંદ’ માટે લખ્યું જ ન હતું. યોગેશે લખેલા ‘સખી રોબિન’ ના તમામ ગીતોમાંથી એકમાત્ર ‘તુમ જો આઓ તો પ્યાર આ જાયે’ જાણીતું થયું હતું. એ પછી તેમને ‘સી’ કક્ષાની ફિલ્મોમાં જ ગીતો લખવાનું કામ મળતું રહ્યું.
ગીતકાર શૈલેન્દ્રના અવસાન પછી સંગીતકાર સલિલ ચૌધરી કોઇ નવા ગીતકારની શોધમાં હતા ત્યારે તેમના ગાયિકા પત્ની સવિતા ચૌધરીએ યોગેશનું નામ સૂચવ્યું. સલિલદાને નિર્દેશક બાસુ ભટ્ટાચાર્યની એક ફિલ્મ મળી ત્યારે એમણે યોગેશને અજમાવ્યા. એ ફિલ્મ માટે સલિલદાએ ત્રણ ગીત તૈયાર કર્યા હતા. કમનસીબે એ ફિલ્મ બની જ ના શકી. એ ત્રણ ગીત ‘અનાડી’ જેવી ફિલ્મોનું નિર્માણ કરનાર નિર્માતા એલ. બી. લક્ષ્મણને સાંભળવાની તક મળી. એમને બહુ પસંદ આવ્યા એટલે ખરીદી લીધા. લક્ષ્મણે અગાઉ ઋષિદા સાથે ફિલ્મો બનાવી હતી અને તેમની સાથે મુલાકાત થતી રહેતી હતી ત્યારે તેમણે આ ત્રણ ગીત સંભળાવ્યા.
ઋષિદા યોગેશના એ ગીતોથી એટલા પ્રભાવિત થયા કે એમાંના બે ગીતનું સંગીત, શબ્દો અને મુકેશનો અવાજ એમની એ સમય પર બનતી ફિલ્મ ‘આનંદ’ માટે બધી રીતે યોગ્ય હતા. તેમણે ત્રણમાંથી બે ગીત લક્ષ્મણ પાસે માગ્યા. ઋષિદા સાથેના સંબંધને કારણે તેમણે કોઇ એક ગીત આપવા માટે હા પાડી. ઋષિદાએ ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે…’ પસંદ કર્યું અને યોગેશ પાસે ‘આનંદ’ માટે બીજું ગીત ‘જિંદગી કૈસી હૈ પહેલી’ લખાવ્યું. બીજાં ગીતો ફિલ્મના સંવાદ લેખક રહેલા ગીતકાર ગુલઝાર પાસે લખાવ્યા. લક્ષ્મણે પોતાની પાસેનું મુકેશે ગાયેલું બીજું ગીત ‘નૈન હમારે સાંઝ સકારે…’ જયા ભાદુરી અનિલ ધવનની ફિલ્મ ‘અન્નદાતા’ (૧૯૭૨) માટે ઉપયોગમાં લીધું.
એટલું જ નહીં બાકીના તમામ ગીતો પણ યોગેશ પાસે લખાવ્યા. પરંતુ ‘આનંદ'(૧૯૭૧) માં ઋષિદાએ રાખેલા ‘કહીં દૂર જબ દિન ઢલ જાયે…’ગીતની ખૂબી કહો કે રાજેશ ખન્ના પર તેનું ફિલ્માંકન થયું એ ગણો પણ એને ‘નૈન હમારે’ થી અનેકગણી વધુ લોકપ્રિયતા મળી અને યોગેશ ‘સી’ કક્ષાથી સીધા ‘એ’ કક્ષાની ફિલ્મોના ગીતકાર બની ગયા. યોગેશ જ્યારે પોતાના મિત્રો સાથે ફિલ્મ જોવા થિયેટરમાં ગયા ત્યારે ફિલ્મમાં કોઇ ગીતકારનું નામ જ ના આવ્યું. એક મિત્રએ પૂછ્યું પણ ખરું કે ગીતો ખરેખર તેં જ લખ્યા છે ને! ત્યારે આઘાતમાં યોગેશ કોઇ જવાબ આપી શક્યા નહીં. મિત્રોને થયું કે એમની જોવામાં ભૂલ થઇ હશે.
એમણે બીજા દિવસે ફરી ફિલ્મ જોવા જવાનું અને ધ્યાનથી નામો વાંચવાનું નક્કી કર્યું. પણ ખરેખર નામ મૂકાયું ન હતું. શરૂઆતમાં આ બંને ગીતો એટલા લોકપ્રિય થયા ન હતા. યોગેશ નિરાશ થઇ ગયા. તે ઋષિદાને મળીને કંઇ કહી શક્યા નહીં. બે અઠવાડિયા પછી યોગેશ જ્યારે કોઇ કામથી ફિલ્મ્સ ડિવિઝનની ઓફિસની મુલાકાતે ગયા ત્યારે ત્યાં ઋષિદા મળી ગયા. એમણે યોગેશની માફી માગી અને કહ્યું કે ભૂલથી તને અને ગુલઝારને ગીતકાર તરીકે શ્રેય આપવાનું રહી ગયું છે. ગઇકાલે જ બંનેના નામ નાખીને નવી પ્રિન્ટ તૈયાર કરી છે. ફિલ્મની રજૂઆતના ત્રીજા અઠવાડિયાથી યોગેશ અને ગુલઝારના નામ પડદા પર આવવા લાગ્યા. અને ગીતો લોકપ્રિય થતાં યોગેશને ગીતકાર તરીકે વધારે સન્માન મળવા લાગ્યું.