લોરેન્સ ડિસોઝાની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘સાજન’ (1991) માં કલાકાર જ નહીં સંગીતકાર પણ બદલાયા હતા. ગોવિંદા- નીલમની ફિલ્મ ‘હત્યા’(1988) માં સિનેમેટોગ્રાફર તરીકે લોરેન્સનું કામ જોઈ નિર્માતા ભાર્ગવે ગોવિંદા અને ફરાહ સાથે ‘ઘાવ’ ના નિર્દેશક તરીકે સાઇન કર્યા હતા. હેમામાલિની લોરેન્સને શ્રેષ્ઠ કેમેરામેન માનતા હતા એટલે એમાં ગોવિંદાની માતાની ભૂમિકા માટે લોરેન્સ એમની પાસે ગયા હતા. ત્યારે હેમાજી હીરોઈન તરીકે કામ કરતાં હોવાથી માતાની ભૂમિકાની વાત જાણી ભડકી ગયા હતા. પણ લોરેન્સની પહેલી ફિલ્મ હોવાને કારણે હા પાડી હતી.
કમનસીબે એક ભાગ બન્યા પછી ફિલ્મ બંધ પડી ગઈ. દરમ્યાનમાં લોરેન્સને સુમિત સાયગલ સાથે મિત્રતા હતી એટલે એણે કહ્યું કે એક મોટા નિર્માતા સુધાકર બોકાડે છે. અત્યારે ‘ઇજ્જતદાર’ બનાવી રહ્યા છે. લોરેન્સ બોકાડેને મળ્યા અને એક કોલેજની મર્ડર મિસ્ટ્રીવાળી વાર્તા પર ફિલ્મ બનાવવાની વાત કરી. બોકાડે તૈયાર થઈ ગયા અને લોરેન્સે એક જ મહિનામાં જીતેન્દ્ર- જયાપ્રદા અને સુમિત- શિલ્પા સાથેની ‘ન્યાય અન્યાય’ (1990) ફિલ્મ બનાવી. એ ખાસ ચાલી નહીં. પણ એમાં કામ કરતી શિલ્પા શિરોડકરે લોરેન્સની ઝડપથી કામ કરવાની ખાસિયતના એના સેક્રેટરી રિક્કુ રાકેશનાથ સમક્ષ વખાણ કર્યા. ત્યારે રિક્કુ માધુરીના પણ સેક્રેટરી હતા. રિક્કુએ રીમાને વાત કરી.
એની પાસે એક વાર્તા હતી. બધાંએ ભેગા મળી નક્કી કર્યું કે લોરેન્સના નિર્દેશનમાં એક ફિલ્મ ‘સાજન’ બનાવીએ. મુખ્ય કલાકારોમાં સલમાન, આમિર અને માધુરી દીક્ષિતના નામ નક્કી કર્યા. સલમાન અને માધુરી તૈયાર થયા પછી આમિરને ફિલ્મ ઓફર કરવામાં આવી ત્યારે એણે નિર્દેશકનું નામ જાણી પૂછ્યું કે એણે શું કામ કર્યું છે? એને કહેવામાં આવ્યું કે છેલ્લે કેમેરામેન તરીકે ફિલ્મ ‘હત્યા’ કરી છે. તે 25 થી વધુ ફિલ્મોમાં કેમેરામેન તરીકે કામ કરી ચૂક્યા છે. આમિરે રસ ના બતાવ્યો એટલે આમિરની વાતથી નારાજ થઈ બોકાડેએ એમ કહી દીધું કે હું તમારા માટે નહીં લોરેન્સ ડિસોઝા માટે ફિલ્મ બનાવી રહ્યો છું. અને આમિરને ત્યાંથી પાછા આવી ગયા. એમણે આમિરના સ્થાને સંજય દત્તનો વિચાર કર્યો. એક જગ્યાએ એ શુટિંગ કરતો હતો ત્યાં જઈને વાત કરી.
સંજયને કહેવામાં આવ્યું કે એક લંગડા માણસનું પાત્ર છે. એ વાર્તા સાંભળી કામ કરવા તૈયાર થઈ ગયો. સંગીત માટે લક્ષ્મીકાન્ત- પ્યારેલાલનો સંપર્ક કરવામાં આવ્યો. લોરેન્સ કેમેરામેન હતા ત્યારે એમની સાથે મિત્રતા હતી. નિર્દેશક તરીકેની ફિલ્મની વાત કરી ત્યારે એમણે હા પાડી પણ એ સમય પર એ સુભાષ ઘઈ વગેરે મોટા નિર્દેશકોની ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી સંગીતની ચર્ચા કરવા સમય ફાળવતા ન હતા. લોરેન્સ ઘણી વખત એમની પાસે ગયા પણ સમય આપતા ન હતા.
એક દિવસ થોડો સમય આપ્યો પછી વળી મળતા ન હતા. બોકાડે પણ એક વખત એમને ત્યાં ગયા. એમને પણ મળ્યા નહીં એટલે એમના સ્થાને નદીમ- શ્રવણને લેવાનો વિચાર કરી એમની પાસે ગયા. લોરેન્સે વાર્તા સંભળાવી એટલે નદીમે પોતાની પાસેના એક-બે ગીત સંભળાવ્યા. લોરેન્સને એ પસંદ ના આવ્યા. નદીમે પોતાની પાસેની એક ગ્રીન ફાઇલ કાઢી અને ‘બહોત પ્યાર કરતે હૈં તુમકો સનમ’ સંભળાવ્યું એ પસંદ આવ્યું. એટલે નદીમ-શ્રવણે એક પછી એક સાત ગીત રજૂ કર્યા અને એક જ કલાકમાં લોરેન્સે બધાં પસંદ કરી લીધા. એનું રેકોર્ડિંગ કર્યું અને શુટિંગ પણ ઝડપથી પૂરું કરી લીધું. ત્યારે કોઈને કલ્પના ન હતી કે સંગીત જ નહીં પણ ફિલ્મ આટલી મોટી હિટ રહેશે.