નિર્દેશક વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘1942 : અ લવ સ્ટોરી’ (૧૯૯૪) ના આર.ડી બર્મન ‘પંચમ’ ના સંગીતમાં બધા જ ગીતો લોકપ્રિય થયા હતા. પણ ‘કુછ ના કહો, કુછ ભી ના કહો’ ગીત વિશે જાણવા જેવું ઘણું રહ્યું છે. આ ગીત કુમાર સાનૂ અને લતા મંગેશકર એમ બે અલગ ગાયક કલાકારોના અવાજમાં સાંભળવા મળે છે. સેડ વર્સન લતાજીના સ્વરમાં છે. એક વિવાદ એવો થયો હતો કે આ ગીતમાં પહેલાં મહિલાસ્વર કવિતા કૃષ્ણમૂર્તિનો લેવામાં આવ્યો હતો. પછી એ ગીત અલગ હોવાનું કહેવાયું.
ફિલ્મના મહિલાસ્વરના બીજાં ગીતો માટે કવિતાનો અવાજ લેવામાં આવી રહ્યો હતો ત્યારે વિધુની ઈચ્છા એક ગીત ‘કુછ ના કહો’ નું ફિમેલ વર્સન લતા મંગેશકરના અવાજમાં રેકોર્ડ કરવાની હતી. આર. ડી. બર્મને આ અંગે લતાજીને વાત કરી હતી અને એ તૈયાર થઈ ગયા હતા. એ અમેરિકા ખાતેના એક સંગીત કાર્યક્રમમાંથી પાછા ફરે અને ગીતનું રેકોર્ડિંગ કરે એ પહેલાં જ પંચમદાનું અવસાન થઈ ગયું હતું. પંચમદાના એક સભ્યના કહેવા મુજબ વિધુએ આ ગીત લતાજીના અવાજમાં જ રેકોર્ડ કરાવ્યું હતું અને ગીત રેકોર્ડ થયા પછી ફરી એક ટેક લેવા વિનંતી કરી હતી ત્યારે લતાજીએ એમ કહ્યું હતું કે બરાબર ગવાયું છે, હવે બીજા ટેકની જરૂર નથી. આ પહેલાં કુમાર સાનૂના અવાજમાં આર. ડી. બર્મને ‘કુછ ના કહો’ ગીત રેકોર્ડ કર્યું ત્યારે જે બન્યું એ એણે જ પોતાની એક મુલાકાતમાં કહ્યું છે.
આર. ડી. બર્મને કુમારને આવીને એક વખત ‘કુછ ના કહો’ ગીત ગાવા કહ્યું હતું. રિહર્સલ કરીને ફાઇનલ ટેક માટે કુમાર ત્યાં બેઠો હતો ત્યારે પંચમદાએ કહ્યું કે ગીત રેકોર્ડ થઈ ગયું છે, હવે અંદર બેસવાની જરૂર નથી. કુમાર એમ માનતો હતો કે હજુ રિહર્સલ કર્યું છે અને છેલ્લું સંસ્કરણ ગાવાનું બાકી છે. પંચમદાએ ખુલાસો કર્યો હતો કે ગીતનું રેકોર્ડિંગ પૂરું થઈ ગયું છે અને એમને જેવું જોઈતું હતું એવું મળી ગયું છે. ત્યારે કુમારે રિહર્સલ તરીકે જ ગાયું હોવાની વાત કહી અને વધુ સારી રીતે ગાવા એક ટેક કરવા વિનંતી કરી. પંચમદાએ સ્પષ્ટ કહી દીધું કે ગીત તૈયાર થઈ ગયું છે. હવે બીજા ટેકની જરૂર નથી. પંચમદા સાથે કુમાર સાનૂએ અનેક ગીતો ગાયા હતા પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
કુમારે એ સમયને યાદ કરતાં કહ્યું છે કે ત્યારે ‘ટી સીરિઝ’ સંગીત કંપનીના ગુલશનકુમાર એક ‘સંગીત બેંક’ તૈયાર કરી રહ્યા હતા. એ માટે કુમારના પંચમદા સાથે જ નહીં બીજા સંગીતકારો સાથે પણ ગીતો તૈયાર કરાવ્યા હતા. આ એક એવી બેંક બનવાની હતી જેમાંથી નિર્માતા- નિર્દેશકો પોતાની ફિલ્મ માટે જરૂર પડે એ મુજબના ગીતો પસંદ કરી શકે એમ હતા. પરંતુ એ યોજના આગળ વધી શકી ન હતી. કુમારને અફસોસ છે કે ખાસ કરીને એના પંચમદા સાથે રેકોર્ડ થયેલા બીજાં ગીતોનો ઉપયોગ થઈ શક્યો નહીં.