અભિનેતા તરીકે પણ જાણીતા રહેલા કાદર ખાનને એમના લેખનને કારણે નાટકો પછી ફિલ્મોમાં લેખક અને અભિનેતા તરીકે તક મળી હતી. કાદરને શાળા જીવનથી જ નાટક લખવાનો અને એમાં અભિનયનો શોખ જાગી ચૂક્યો હતો. જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો ત્યારે કોલેજના એક નાટક માટે સ્ટેજના જાણીતા લેખક પ્રબોધ જોશી ઓડિશન લઈ રહ્યા હતા. મિત્રના સૂચનથી કાદર ઓડિશન માટે ગયા ત્યારે પહેલાં એક પાનનું લખાણ વંચાવ્યું. પછી પ્રભાવિત થઈ અનેક પાનાં વંચાવ્યા અને અગાઉ નાટકોમાં કામ કર્યું હતું એ પણ જાની લીધું. પછી ‘બહાદુરશાહ જફર’ નાટકમાં એક ફકીરની મહત્વની ભૂમિકા આપી. એમણે જ્યારે નાટકની સ્ક્રીપ્ટ વાંચવા આપી ત્યારે કાદરને થયું કે વાર્તામાં ગરબડ છે. એણે પ્રબોધ જોશીને કહ્યું ત્યારે એમને પણ એમાં કોઈ ઝોલ હોવાનો ખ્યાલ હતો પણ ક્યાં હતો એની સમજ પડતી ન હતી. કાદરે કહ્યું કે તે ફરીથી લખીને પ્રયત્ન કરી જુએ? એમણે હા પાડી દીધી.
કાદરે નાટકની આખી સ્ક્રીપ્ટ લઈ જઈ ચાર-પાંચ કલાકમાં ફરીથી લખી નાખી અને એમને બતાવીને સંભળાવી. એ સાંભળીને એમણે કહ્યું કે આ મારું નાટક જ નથી. આખું નાટક બદલાઈ ગયું છે. એમણે એ નાટક ‘તાશ કે પત્તે’ ના લેખક તરીકેની ક્રેડિટ એને આપી. એ પછી પ્રબોધ જોશી એના ગુરુ બની ગયા હતા. એમને કોઈ વિચાર આવે ત્યારે કાદરને લખવા માટે કહેતા હતા. કાદર કોઈ વિચાર કરે તો એના પરથી એને લખવા કહેતા હતા. એટલું જ નહીં જરૂરિયાત ઊભી થાય ત્યારે કાદર એમના ગુજરાતી નાટકનું હિન્દી રૂપાંતર કરી આપતા હતા. એક વખત કાદરે હિન્દીમાં ‘તીન બંદર’ લખ્યું ત્યારે એમણે એનું ગુજરાતીમાં રૂપાંતર કરી બનાવ્યું. પ્રબોધ જોશીએ એક વખત પૂછ્યું કે તું શું વાંચે છે? અને કોનામાંથી પ્રેરણા મેળવે છે? કાદર કોઈ લેખકને વાંચતાં ન હતા એટલે એમણે મોટા લેખકોના નામ આપી વાંચવાની સલાહ આપી.
કોલેજમાં કાદરના નાટકો એટલા જાણીતા થયા કે બીજી જગ્યાએથી છોકરા- છોકરી એને જોવા આવતા હતા અને ઓટોગ્રાફ લઈ જતા હતા. એ ભણીને કોલેજમાં શિક્ષક બની ગયા હતા ત્યારે ઓલ ઈન્ડિયા નાટ્ય સ્પર્ધા જાગૃતિનું આયોજન થયું. એમાં કાદરે ઉમેદવારી ના નોંધાવી ત્યારે એના આયોજકો સામે ચાલીને આવ્યા અને પ્રવેશપત્ર ભરવા વિનંતી કરીને કહ્યું કે તમારું નામ સાંભળીને બીજી કોલેજ અને સંસ્થાવાળા પણ ભાગ લેવા આવશે. એમણે કહ્યું કે એવોર્ડ પણ મળશે.
કાદર એવોર્ડ માટે ઉત્સુક ન હતા. જ્યારે કહ્યું કે રૂ.1500 રોકડ ઈનામ છે ત્યારે શફી ઇનામદાર વગેરે મિત્રોએ પણ પ્રોત્સાહન આપ્યું અને ફી પણ ભરી દીધી એટલે તૈયાર થઈ ગયા. કેમકે શિક્ષક તરીકે રૂ.300 નો પગાર મળતો હતો. સ્પર્ધા માટે કાદરે ‘લોકલ ટ્રેન’ નામનું નાટક લખ્યું અને ભજવ્યું. એને શ્રેષ્ઠ નાટકનો જ નહીં બીજા બધા જ એવોર્ડ મળ્યા. એ નાટ્ય સ્પર્ધામાં જજ તરીકે ફિલ્મી દુનિયાની હસ્તીઓ હતી. એમાંથી નિર્દેશક નરેન્દ્ર બેદી આવ્યા અને ફિલ્મ લખવા કહ્યું. કાદરે પહેલાં તો ના પાડી દીધી પણ પછી એમના આગ્રહથી ફિલ્મ ‘જવાની દિવાની’ લખી. એ પછી ફિલ્મો મળતી ગઈ અને એ ફિલ્મોમાં લેખક સાથે અભિનેતા તરીકે જોડાતા ગયા હતા.