બોલિવૂડના ઇતિહાસમાં કેટલીક ફિલ્મો એવી હોય છે, જે માત્ર બોક્સ ઓફિસ પર જ
નહીં, પણ દર્શકોના દિલ પર કાયમ માટે છવાઈ જાય છે. 1988ની બ્લોકબસ્ટર રોમેન્ટિક ફિલ્મ ‘કયામત સે કયામત તક’ (Qayamat Se Qayamat Tak) આ યાદીમાં મોખરે છે. આ ફિલ્મે આમિર ખાન અને જૂહી ચાવલાને રાતોરાત સ્ટાર બનાવી દીધાં અને બોલિવૂડના રોમાન્સની પરિભાષા બદલી નાખી.
પરંતુ આ ફિલ્મમાં આમિર ખાનના પિતા ધનરાજ સિંહની યાદગાર ભૂમિકા ભજવનાર અભિનેતા દિલીપ તાહિલ (Dalip Tahil)ને આ રોલ કેવી રીતે મળ્યો હતો, તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ અને મજેદાર કહાની છુપાયેલી છે.

એક મુલાકાતમાં ખુલાસો કરતાં દિલીપ તાહિલે જણાવ્યું હતું કે પ્રખ્યાત ટીવી શો ‘બુનિયાદ’ (Buniyaad)માં તેમના શાનદાર અભિનયે નિર્માતા-દિગ્દર્શક નાસિર હુસૈનનું ધ્યાન ખેંચ્યું હતું.
શૂટિંગ દરમિયાન એક દિવસ દિલીપ તાહિલે નાસિર હુસૈનને પૂછ્યું કે, ‘આટલી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી તમે મને કેવી રીતે શોધી કાઢ્યો?’
જવાબમાં નાસિરે કહ્યું કે, ‘મેં તને ‘બુનિયાદ’માં જોયો હતો અને આ ફિલ્મ માટે મારે બિલકુલ એવું જ પિતાનું પાત્ર જોઈતું હતું. અમારે એક મજબૂત, પરંતુ અત્યંત લાગણીશીલ પાત્રની જરૂર હતી. અમને ખબર હતી કે અમે આમિરને કાસ્ટ કરવાના છીએ અને તું તેના પિતાના પાત્રમાં એકદમ ફિટ બેસે છે.’
નાસિરની આ પરખ સાચી સાબિત થઈ અને દિલીપ તાહિલને ફિલ્મમાં લેવામાં આવ્યા. આ ફિલ્મની પાછળનો ઇતિહાસ પણ મોટા ફિલ્મી ડ્રામા જેવો છે. શરૂઆતમાં આ ફિલ્મનું દિગ્દર્શન ખુદ નાસિર હુસૈન કરવાના હતા અને તેમાં દિગ્ગજ કલાકારો સંજીવ કુમાર (Sanjeev Kumar) અને શમ્મી કપૂર (Shammi Kapoor) મુખ્ય ભૂમિકામાં હોવાના હતા.
પરંતુ કિસ્મતે પલટો ખાધો અને નાસિરને હાર્ટ એટેક આવ્યો. ડૉક્ટરોએ તેમને દિગ્દર્શનનો ભારે તણાવ ન લેવાની કડક સલાહ આપી. આ સંજોગોમાં એમણે આ ફિલ્મ પોતાના પુત્ર મન્સૂર ખાન (Mansoor Khan)ને સોંપી.

મન્સૂર ખાને વિષય વાંચ્યો અને તેમને વાર્તા ખૂબ ગમી, પરંતુ તેમણે એક મોટી શરત મૂકી. મન્સૂરે સ્પષ્ટ કહી દીધું કે, ‘સંજીવ કુમાર અને શમ્મી કપૂર જેવા વરિષ્ઠ અને દિગ્ગજ કલાકારો સાથે કામ કરવું મારા માટે શક્ય નથી. તેઓ ખૂબ સિનિયર છે.’
આ વાતને કારણે આખી ફિલ્મનું કાસ્ટિંગ ફરીથી કરવું પડ્યું. મન્સૂર ખાને ઇન્ડસ્ટ્રીના ઘણા બધા ચરિત્ર અભિનેતાઓનો સંપર્ક કર્યો. દિલીપ તાહિલના જણાવ્યા મુજબ, ફિલ્મ ઉદ્યોગના ઘણા મોટા કલાકારોએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી!
આ કિસ્સાનો સૌથી મજેદાર અને ચોંકાવનારો ભાગ એ છે કે જ્યારે દિલીપ તાહિલને આ રોલ ઓફર થયો ત્યારે તેમની ઉંમર માત્ર 31 વર્ષ હતી! તે સમયે આમિર ખાન યુવાન હતા. સૌથી રમૂજી વાત તો એ છે કે હજુ દિલીપ તાહિલનાં લગ્ન પણ નહોતાં થયાં અને તેઓ વાસ્તવિક જીવનમાં પિતા પણ બન્યા નહોતા. છતાં તેમણે પડદા પર યુવાન આમિર ખાનના પિતાની ભૂમિકા ભજવવાનું સ્વીકારી લીધું.

જ્યારે તેમને ફિલ્મની વાર્તાની શરૂઆત સંભળાવવામાં આવી ત્યારે તેમણે આગળની વાર્તા સાંભળ્યા વગર જ તરત ફિલ્મ માટે હા પાડી દીધી હતી. તેમને ખબર હતી કે આ પાત્રમાં કંઈક ખાસ દમ છે.
એક સમયે મોટા કલાકારો દ્વારા નકારાયેલી અને કાસ્ટિંગની મુશ્કેલીઓમાંથી પસાર થયેલી આ ફિલ્મ આખરે ઇતિહાસ રચવા માટે સર્જાઈ હતી. દિલીપ તાહિલનો એ નિર્ણય અને નાસિર હુસૈનની દૂરદર્શિતા રંગ લાવ્યાં. આજે પણ ‘કયામત સે કયામત તક’ના પિતા-પુત્રના સંબંધો અને કલાકારોનો અભિનય લોકોના દિલમાં અમર છે.






