એક ખોટી જાહેરાતે બદલી નાખ્યું સલમાન ખાનનું નસીબ!

બોલિવૂડમાં ક્યારે, કોની અને કઈ યુક્તિથી કિસ્મત પલટાઈ જાય તે કોઈ કહી શકતું નથી. ફિલ્મી દુનિયા જેટલી ચમકદમકથી ભરેલી છે, તેટલી જ તે રસપ્રદ કિસ્સાઓથી પણ ભરેલી છે. વર્ષ 1989માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ (Maine Pyar Kiya)એ બોલિવૂડમાં એક નવો ઇતિહાસ રચ્યો હતો. આ ફિલ્મે રાતોરાત યુવા અભિનેતા સલમાન ખાનને દેશભરના યુવાનોના હૃદયના ધબકારા બનાવી દીધા હતા.

દરેક યુવતીના સપનાના રાજકુમાર બનેલા સલમાન માટે આ સફળતા પછી આકાશને આંબી જવાનો સમય હોવો જોઈએ, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ જ હતી. ‘મૈંને પ્યાર કિયા’ જેવી સુપરડુપર હિટ ફિલ્મ આપ્યા છતાં સલમાનના જીવનમાં એક એવો દોર આવ્યો, જ્યારે તેઓ લગભગ છ મહિના સુધી તદ્દન ખાલી બેઠા રહ્યા. તેમની પાસે કોઈ નવી ફિલ્મ નહોતી.

આજની જેમ સોશિયલ મીડિયા કે પીઆર એજન્સીઓનો જમાનો નહોતો. તે જમાનામાં ઇન્ડસ્ટ્રીમાં ટ્રેડ મેગેઝિન અને માઉથ પબ્લિસિટીનો જ સિક્કો ચાલતો હતો. સલમાનના કામ વગરના સમયથી તેમના પિતા અને બોલિવૂડના દિગ્ગજ પટકથાલેખક સલીમ ખાન ચિંતામાં મુકાયા હતા.

સલમાનની ગાડી પાછી પાટા પર લાવવા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરીથી ચર્ચા ઊભી કરવા માટે તેમણે એક શાનદાર અને થોડો મજેદાર માસ્ટરપ્લાન બનાવ્યો. સલીમ ખાને એક ફિલ્મી મેગેઝિનના સંપાદક સાથે મળીને મેગેઝિનમાં એક ખોટી જાહેરાત છપાવી, જેમાં એવું જણાવવામાં આવ્યું કે પ્રખ્યાત નિર્માતા જી.પી. સિપ્પીએ તેમની આગામી ફિલ્મ માટે સલમાનને સાઇન કરી લીધા છે!

હકીકતમાં ત્યારે કોઈ ફિલ્મ અસ્તિત્વમાં જ નહોતી. ન તો કોઈ દિગ્દર્શક નક્કી થયા હતા, ન કોઈ કહાની તૈયાર હતી અને ન તો બીજી કોઈ સ્ટારકાસ્ટ નક્કી થઈ હતી.

આ માત્ર બજારમાં અફવા ફેલાવવા અને નિર્માતાઓનું ધ્યાન ખેંચવા માટેનો એક કીમિયો હતો. પરંતુ ફિલ્મી દુનિયામાં અફવાઓ આગની જેમ ફેલાય છે અને આ અફવાએ ખરેખર કમાલ કરી દીધી! તે જમાનામાં સંગીતજગતમાં ‘ટિપ્સ’ કંપનીના માલિક કુમાર અને રમેશ તૌરાની ધૂમ મચાવી રહ્યા હતા. જ્યારે તૌરાની ભાઈઓએ જી.પી. સિપ્પી અને સલમાન ખાનની આ નવી ફિલ્મ વિશે ટ્રેડ મેગેઝિનમાં વાંચ્યું ત્યારે તેમનું મગજ દોડ્યું.

તે સમયે સલમાનનું માર્કેટ ગરમ હતું અને તેમની ફિલ્મનું સંગીત સોનાની જેમ વેચાશે એવી તેમને ખાતરી હતી. તૌરાની ભાઈઓ સીધા જી.પી. સિપ્પીની ઓફિસે પહોંચ્યા. તેમણે પ્રોજેક્ટની વાર્તા સાંભળ્યા વગર કે ફિલ્મ શરૂ થયા વગર જ માત્ર તે કાલ્પનિક પ્રોજેક્ટના સંગીત અધિકારો માટે રૂ. 5 લાખનો ચેક જી.પી. સિપ્પીના હાથમાં મૂકી દીધો!

અચાનક આટલી મોટી રકમ મળતાં નિર્માતા જી.પી. સિપ્પી પણ ચોંકી ગયા. તેમને અહેસાસ થયો કે સલમાન ખાનના નામનો જાદુ હજુ પણ બરકરાર છે. જે ફિલ્મ માત્ર કાગળ પર અને મેગેઝિનની એક નકલી જાહેરાતમાં હતી, તેને તેમણે વાસ્તવિક સ્વરૂપ આપવાનું નક્કી કર્યું. જી.પી. સિપ્પીએ આ પ્રોજેક્ટને સત્તાવાર રીતે આગળ વધાર્યો અને ફિલ્મનું નામ ‘પત્થર કે ફૂલ’ (Patthar Ke Phool) રાખ્યું. આ ફિલ્મમાં સલમાન સાથે નવી અભિનેત્રી રવીના ટંડનને લેવામાં આવી.

તૌરાની ભાઈઓએ એક મુલાકાતમાં જણાવ્યું હોવાનું કહેવાય છે કે તેમણે આપેલા રૂ. 5 લાખના ચેકમાંથી જ સલીમ ખાન, સલમાન ખાન અને રવીના ટંડનને સાઇનિંગ અમાઉન્ટ આપવામાં આવી હતી અને ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું. જો સલીમ ખાને એ સમયે ‘નકલી’ જાહેરાત ન છપાવી હોત તો કદાચ રમેશ તૌરાની સિપ્પી સાહેબની ઓફિસે ન પહોંચ્યા હોત અને બોલિવૂડને ‘પત્થર કે ફૂલ’ જેવી સુંદર ફિલ્મ તથા રવીના ટંડન જેવી સ્ટાર કલાકાર કદાચ મોડેથી મળી હોત!

ફિલ્મી પડદા પાછળની આ વાર્તા જ દર્શાવે છે કે સિલ્વર સ્ક્રીન પાછળનો અસલી ડ્રામા પણ કેટલો રોમાંચક હોય છે!