ગોવિંદ નામદેવ ‘પોલીસ ઈન્સ્પેકટર’ ને છોડી વિલન બન્યા   

ગોવિંદ નામદેવને મહાવીર શાહની શિખામણ મળતા ફિલ્મોમાં ઈન્સ્પેકટરનું પાત્ર ભજવવાનું બંધ કરી દીધું હતું. એ પછી ફિલ્મોમાં કામ ના મળતા ટીવી સિરિયલ કરી અને વિલનની ભૂમિકાથી પાછા મોટા પડદે આવવામાં સફળ રહ્યા એની રસપ્રદ વાતો એમણે એક મુલાકાતમાં કરી હતી.

થિયેટરમાં નાટકો કરતાં ગોવિંદને સૌથી પહેલાં ફિલ્મ ‘શોલા ઔર શબનમ’ (૧૯૯૨) માં પોલીસ ઈન્સ્પેકટરની ભૂમિકા મળી હતી. દરમ્યાનમાં ગોવિંદ મહાવીર શાહ સાથે એક ફિલ્મમાં કામ કરી રહ્યા હતા ત્યારે વાતવાતમાં એમણે કહ્યું કે આ મારી પોલીસ ઈન્સ્પેકટર તરીકેની 28 મી ફિલ્મ છે. મને એ સિવાય કોઈ ભૂમિકા મળતી જ નથી. અને મારે કામ જોઈતું હોય છે એટલે કર્યા કરું છું. આ ભૂમિકામાં હું બંધાઈ ગયો છું. જગદીશ રાજની આવી જ સ્થિતિ થઈ હતી. એમને પોલીસ ઈન્સ્પેકટર સિવાય કોઈ ભૂમિકા મળતી જ ન હતી.

મહાવીરે બીજા પણ બે એવા અભિનેતાના નામ આપ્યા જે પોલીસ ઈન્સ્પેકટરની ઈમેજમાં કેદ થઈ ગયા હતા. ગોવિંદને મહાવીરની વાતથી ચેતવણી મળી ગઈ અને નક્કી કર્યું કે હું મારી સાથે આવું થવા દઇશ નહીં. હવે પછી પોલીસ ઈન્સ્પેકટરની ભૂમિકા કરીશ નહીં. ગોવિંદા સાથેની ફિલ્મ ‘શોલા ઔર શબનમ’ હિટ થઈ ગઈ અને ગોવિંદના કામના વખાણ થયા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિયમ મુજબ ગોવિંદને પોલીસ ઈન્સ્પેકટરની ભૂમિકાઓ ઓફર થવા લાગી. ગોવિંદે જી. પી. સિપ્પી, રાજન કોઠારી વગેરે અનેક નિર્માતા- નિર્દેશકોની પોલીસ ઈન્સ્પેકટરની ભૂમિકાની ઓફરો નકારી કાઢી. તેથી બન્યું એવું કે ગોવિંદ અભિમાની ગણાયા.

પહેલી જ ફિલ્મ પછી એ ના પાડવા લાગ્યા એ વાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીને રાસ આવી નહીં અને ગોવિંદને કામ મળતું બંધ થઈ ગયું. બે વર્ષ કામ વગરના રહ્યા અને લોકો પાસથી ઉધાર પૈસા લઈ ખર્ચ કાઢ્યો પણ પડદા પર ‘પોલીસ ઈન્સ્પેકટર’ ની વરદી પહેરવા તૈયાર થયા નહીં. દરમ્યાનમાં નિર્માતા- નિર્દેશકોને મળવાનું ચાલુ રાખ્યું હતું. એ કારણે અચાનક એક દિવસ જૂની ઓળખાણને કારણે નિર્દેશક ભરત રંગાચારીએ ટીવી સિરિયલની ઓફર કરી. ગોવિંદે ફિલ્મોમાં કામ શરૂ કર્યું ત્યારે નક્કી કર્યું હતું કે તે ટીવી માટે કામ કરશે નહીં. કેમકે એક વખત ટીવી પર કામ કરનારને ફિલ્મો મળતી નથી. ગોવિંદ દ્વિધામાં પડી ગયા કે હવે શું કરવું? પત્ની સાથે ચર્ચા કરીને નક્કી કર્યું કે જો પોતે એ સાબિત કરવું છે કે તે પોલીસ ઈન્સ્પેકટર સિવાયની ભૂમિકાઓ પણ કરી શકે છે તો આ કામ કરવું રહ્યું. અને ‘પરિવર્તન’ સિરિયલ સ્વીકારી લીધી. એ ત્રણેક વર્ષ સુધી ચાલી. પરંતુ નાના પડદે કામ કરનારને મોટા પડદા પર કોઈ કામ આપતું નથી એ વાતનો ગોવિંદને અનુભવ થઈ ગયો.

ફિલ્મો મળતી ન હતી ત્યારે નિર્દેશક શેખર કપૂરે પોતાની ફિલ્મ ‘બેન્ડિટ ક્વીન’ (૧૯૯૪) માટે ગોવિંદને યાદ કર્યા. કેમકે એ ફિલ્મમાં દિલ્હીના અને થિયેટરના બીજા કલાકારોને પણ લઈ રહ્યા હતા. જ્યારે ગોવિંદે જાણ્યું કે શેખર એને ફિલ્મમાં વિલનની ભૂમિકા કરાવવા માંગે છે ત્યારે ખુશ થઈ ગયા. એ ફિલ્મમાં કામ કર્યા પછી ગોવિંદને વિલન તરીકે ફિલ્મો મળવા લાગી. ગોવિંદને પોતાના નિર્ણયમાં અડગ રહ્યા પછી ફિલ્મમાં હીરો જેટલી મહત્વની વિલનની ભૂમિકાઓ મળતી રહી છે.