એ કેવું કહેવાય કે નિર્દેશક એ.આર. મુરુગાદોસને હિન્દી કે અંગ્રેજી ભાષા આવડતી ન હોવા છતાં એમની આમિર ખાન સાથેની પહેલી હિન્દી ફિલ્મ ‘ગજની’ (2008) બોલિવૂડમાં રૂ.100 કરોડ કમાનારી પહેલી ફિલ્મ બની હતી. એમાં વિલન ગજનીની ટાઇટલ ભૂમિકા ભજવનાર અભિનેતા પ્રદીપ રાવત આ ફિલ્મ હિન્દીમાં બનાવવા માટે નિમિત્ત બન્યો હતો. અસલમાં મુરુગાદોસ તમિલમાં ‘ગજની’ (2005) નામથી હીરો તરીકે સૂર્યા અને વિલન તરીકે પ્રકાશ રાજને લઈ ફિલ્મ બનાવી રહ્યા હતા. પ્રકાશ ફિલ્મ માટે તારીખો ફાળવી રહ્યો ન હતો એટલે એના સિવાયનું મોટાભાગનું શુટિંગ થઈ ગયું હતું.
પ્રકાશ ઉપલબ્ધ થવાની જ્યારે કોઈ શક્યતા ના દેખાતા એના સ્થાને લેવા પ્રદીપ રાવતનો ઓડિશન લેવામાં આવ્યો હતો. ત્યારે એને આ વાતની ખબર ન હતી. પછી એણે ફિલ્મમાં ‘રામ’ અને ‘લક્ષ્મણ’ નો ડબલ રોલ ભજવ્યો હતો. પણ જ્યારે હિન્દીમાં બની ત્યારે આમિરે વાર્તામાં ફેરફાર કરાવ્યો હોવાથી એક જ ભૂમિકા નિભાવી હતી. તમિલ ફિલ્મ રજૂ થઈ અને સફળ થયા પછી તેલુગુમાં બનાવી. એ પણ સુપરહિટ થઈ ગઈ. એમાં વિલન તરીકે પ્રદીપનું આકર્ષણ મોટું રહ્યું હતું. નિર્દેશક એ.આર. મુરુગાદોસે પ્રદીપને કહ્યું કે આને હિન્દીમાં સલમાન કે આમિર સાથે બનાવવી જોઈએ.
પ્રદીપે આ કિસ્સો વર્ણવતા એક મુલાકાતમાં કહ્યું હતું કે પોતાને ભૂમિકા મળે એવી લાલચ હોવાથી હા પાડી. પ્રદીપે વિચાર્યું કે મુરુગાદોસને હિન્દી- અંગ્રેજી આવડતી ન હોવાથી આમિર સાથે કામ કરવાનું વધારે સારું રહેશે. કેમકે મુરુગાદોસનું વ્યક્તિત્વ સામાન્ય હતું. પ્રદીપે સલમાન સાથે સંગદિલ સનમ, બાગી વગેરે કરી હતી પણ તેનો સ્વભાવ ગરમ મિજાજનો ગણાતો હતો અને આમિર વિવેકી સાથે ઠંડા સ્વભાવનો હતો. પ્રદીપ આમિરની સાથે જ્યારે પણ મુલાકાત થાય ત્યારે મુરુગાદોસની તમિલ એક્શન થ્રીલર ‘ગજની’ની વાર્તા સરસ હોવાથી પોતાની આ ફિલ્મ એક વખત જોઈ લેવા આગ્રહ કરતો હતો. આમિરને ખબર હતી કે પ્રદીપ રીમેકના આશયથી જ કહે છે. પણ સમયના અભાવે એ મહિનાઓ સુધી ફિલ્મ જોવાનું ટાળતો રહ્યો.
એ સમય પર રીમેકનું ખાસ ચલણ ન હતું. દક્ષિણની કેટલીક રોમેન્ટિક ફિલ્મોની રીમેક મોટાભાગે અનિલ કપૂર સાથે બનતી હતી. એક દિવસ આમિરે કહ્યું કે ફિલ્મની પ્રિન્ટના ડબ્બા લઈને આવી જા. અને પ્રદીપે જ્યારે ફિલ્મ બતાવી ત્યારે ઇન્ટરવલ આવ્યો અને આમિર તૈયાર થઈ ગયો. એણે મુરુગાદોસ સાથે મળીને વાર્તામાં ઘણો ફેરફાર કરાવ્યો. ફિલ્મનું નામ વિલનના નામ પરથી હતું. તેથી ફેરફાર કરવાની ચર્ચા થઈ. સામાન્ય રીતે ફિલ્મ હીરોના નામ કે કામ પર આધારિત હોય છે.
આમિરનું નામ ‘ગજેન્દ્ર’ રાખવાનું સૂચન થયું પણ આમિરે કહ્યું કે વિલનને ‘ગજની’ નું નામ આપો અને ફિલ્મનું પણ ‘ગજની’ જ રાખવા કહ્યું. કેટલાકે કહ્યું કે વિલનના નામ પર ફિલ્મનું નામ કેવી રીતે રાખી શકાય? આવું કોઈ કરતું નથી. અને વિલનના નામ પર ફિલ્મ ચાલશે નહીં. પણ આમિરને ‘ગજની’ જ યોગ્ય લાગતાં રહેવા દીધું હતું. આમિરે પોતાની ભૂમિકા માટે બોડી બનાવવા ઘણી મહેનત કરી હતી. શુટિંગમાં એ બે વખત બેભાન થઈને પડી ગયો હતો. એ કારણે શુટિંગ ચાર મહિના લંબાઈ ગયું હતું. જ્યારે ફિલ્મ બનીને રજૂ થઈ ત્યારે બોક્સ ઓફિસ પર ઘણા નવા રેકોર્ડ બનાવ્યા હતા.