રાજશ્રીની ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ મેળવતા પહેલાં ગીતકાર દેવ કોહલીને સફળતા માટે અઢાર વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. દહેરાદૂનમાં રહેતા દેવને પડોશમાં રહેતા કરન નામના એક છોકરાએ કવિતા લખવાની પ્રેરણા આપી હતી. એણે એક શેર કહ્યો એ સાંભળીને કવિતા લખવાની ઇચ્છા થઇ હતી. થોડા વર્ષ પછી આ વાતને ગંભીરતાથી લીધી હતી. દેવ કોહલીએ કોલેજના પહેલા વર્ષમાં વિજ્ઞાન શાખામાં પ્રવેશ મેળવ્યો હતો. અભ્યાસ કઠીન લાગતાં એના પુસ્તકો વેચીને આર્ટસમાં આવી ગયા હતા. દરમ્યાનમાં કવિતા લખવાનું એક ઉસ્તાદ પાસે શીખવાનું શરૂ કર્યું હતું.
દેવની કવિતાઓ વાંચીને તે ખુશ થતા હતા. તે જાણતા હતા કે દેવને ગીતકાર બનવું છે. જ્યારે એમને લાગ્યું કે દેવ ગીતો લખવા તૈયાર છે ત્યારે એમણે એને મુંબઇ જવાનું સૂચન કર્યું. ૧૯૬૪ માં નસીબ અજમાવવા દેવ કોહલી મુંબઇ આવી ગયા અને ખારમાં ‘એવરગ્રીન’ નામની હોટલમાં બે વર્ષ રોકાયા હતા. એ જ હોટલમાં એસ.ડી, બર્મન, સાહિર લુધિયાનવી વગેરે પણ રહેવા આવતા હતા. એ હોટલની બાજુની બિલ્ડિંગમાં પંજાબી સંગીતકાર જી.એસ. કોહલી રહેતા હતા. દેવ એમના ફ્લેટ પર જતો રહેતો. તે પોતાના શેર અને નઝમ એમને સંભળાવતો હતો. એક દિવસ એમણે ગીતનું મુખડું ‘ખુશી સે જાન લે લો જી, ઇમાન લે લો જી’ લખ્યું અને બીજા અંતરા લખવાનું દેવને સોંપ્યું. દેવે અંતરા લખી આપ્યા.
એમણે એ ગીતનો ઉપયોગ નિર્દેશક મોહમ્મદ હુસૈનની ફિલ્મ ‘ગુંડા’ (૧૯૬૯) માં કર્યો હતો. દેવની ના છતાં એમણે અન્ય ગીતકારો અંજાન તથા શાદાબ સાથે ટાઇટલ્સમાં દેવ કોહલીનું નામ પણ આપ્યું અને રૂ.૫૦૦ આપ્યા હતા. રાજકુમારની ફિલ્મ ‘લાલ પથ્થર’ (૧૯૭૧) માં શંકર – જયકિશને દેવ પાસે એક ગીત લખાવ્યું હતું. કિશોરકુમારે ગાયેલું એ ગીત ‘ગીત ગાતા હું મેં, ગુનગુનાતા હું મેં’ બહુ લોકપ્રિય રહ્યું છે. પરંતુ ત્યારે એ ગીતની ખાસ નોંધ લેવામાં આવી ન હતી. એ પછી થોડું કામ જરૂર મળ્યું પણ ખાસ સફળતા મળી નહીં. દેવ અઢાર વર્ષ સુધી બોલિવૂડમાં સંઘર્ષ કરતા રહ્યા. જેટલી તાલીમ ગુરૂ પાસેથી મળી ન હતી એટલી આ સંઘર્ષના સમયમાંથી મળી. અલબત્ત આર્થિક રીતે પરિવાર સધ્ધર હોવાથી જીવન નિર્વાહમાં કોઇ મુશ્કેલી આવી નહીં.
આ ગીતકારને કોઇ સાથે પ્રેમ થયો નહીં અને લગ્ન પણ કર્યા નહીં. ગીતકાર તરીકે સતત પ્રયત્ન કરતા રહ્યા. રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મોમાં સંગીતકાર તરીકે રવીન્દ્ર જૈન રહેતા હતા. ‘મૈંને પ્યાર કિયા’ (૧૯૮૯) થી રામ લક્ષ્મણ સાથે રાજશ્રીએ શરૂઆત કરી હતી અને દેવ કોહલીને તક મળી ગઇ હતી. ફિલ્મના એમણે લખેલાં કબૂતર જા જા જા, આજા શામ હોને આઇ, આતે જાતે હંસતે ગાતે વગેરે ગીતો બહુ લોકપ્રિય થયા. ત્યારબાદ દેવ કોહલીએ પાછું વળીને જોવાની જરૂર જ ના રહી. રાજશ્રી સિવાયના જાણીતા બેનરોની ફિલ્મોમાં પણ એમને ગીતો લખવાની તક મળતી રહી.