‘છોટા બચ્ચા’ એ આનંદ રાજ આનંદને મોટી ઓળખ અપાવી   

સંગીતકાર આનંદ રાજ આનંદ ‘છોટા બચ્ચા જાન કે’ ગીતથી જાણીતા થયા હતા. એ ગીતને કારણે જ એમને ફિલ્મ ‘માસૂમ’ (1996) મળી હતી. આનંદ ગાયક બનવા માટે મુંબઈ આવ્યા હતા. 1995 માં એમની મુલાકાત નિર્દેશક ટીનુ આનંદ સાથે થઈ હતી. એમણે આનંદના ગીતો સાંભળી ફિલ્મ ‘મેજર સાબ’ (1998) માં તક આપી હતી. ફિલ્મના સાતમાંથી છ ગીતો આનંદના હતા. એમાં ‘પ્યાર કિયા તો નિભાના’ અને ‘અકેલી ના બાઝાર જાયા કરો’ બહુ લોકપ્રિય રહ્યા હતા. પરંતુ ‘મેજર સાબ’ ની રજૂઆત મોડી થઈ હતી અને ટીનુ આનંદે જ ‘માસૂમ’ અપાવી હતી.

ટીનૂ એના કામથી પ્રભાવિત થયા હતા અને ‘ટાઈમ’ કંપનીના પ્રવીણ શાહને ફોન કરીને કહ્યું હતું કે હું તારી પાસે એક છોકરો મોકલી રહ્યો છું. એને રાખી લેજો. આનંદને ગાયક બનવું હતું. એમને મળવા જતાં પહેલાં આનંદે ‘યે જો તેરે પાયલોં કી’, કાલે લિબાસમેં, વગેરે કેટલાક ગીતો તૈયાર કર્યા અને પોતાના અવાજમાં ગાઈને એની એક ડેમો કેસેટ બનાવી. એ સાંભળીને પ્રવીણ શાહે આનંદ રાજ આનંદને પૂછ્યું કે તું શું બનવા માગે છે?

આનંદે પોતાની વાત કરી કે હું દિલ્હીથી આવ્યો છું અને મુંબઈમાં ગીતકારોને જાણતો ન હોવાથી જાતે જ ગીતો લખીને ગાઉં છું. અને આ જે ગીત બનાવ્યા છે એના શબ્દો ડમી છે. એમણે પૂછ્યું કે આ બધી ધૂન કોણે બનાવી છે? આનંદે કહ્યું કે મને ગાવાનો શોખ હોવાથી ગીત ગાતી વખતે ધૂન બની જાય છે. એમણે પૂછ્યું કે આ ગીતો કોણે ગાયા છે? આનંદે કહ્યું કે એણે જ ગાયા છે. ત્યારે પ્રવીણે કહ્યું કે તું તારી કેસેટ પાછી લઈ લે અને એ વિચારીને આવ કે ગીતકાર ગાયક અને સંગીતકાર એ ત્રણમાંથી તારે શું બનવું છે.

આનંદે કહ્યું કે મને ગાવાનો શોખ છે અને હું ગાયક બનવા આવ્યો છું. એમણે કહ્યું કે અત્યારે ઉદીત નારાયણ, કુમાર સાનૂ, અભિજીત, સુખવિંદર વગેરે છે ત્યારે તું ગાવા આવ્યો છે? હું તને ગાયક તરીકે લઈ શકું નહીં. પણ તારે જો સંગીતકાર બનવું હોય તો હું તારું સંગીત ખરીદી શકું છું. તેં સંભળાવ્યા એમાંથી આઠ ગીત લઈ લઉં છું. આનંદ રાજ આનંદે કહ્યું કે તે ટીનૂ આનંદ સાથે વાત કરીને જવાબ આપશે.

આનંદે ટીનુને ફોન કરીને કહ્યું કે પ્રવીણભાઈ તો મને સંગીતકાર બનાવવાની વાત કરી રહ્યા છે. ટીનૂએ આનંદને સલાહ આપી કે બની જા. સંગીતકાર જ ગાયકને તક આપે છે. તારી જાતને જ્યારે પણ ગાયક તરીકે તક આપવી હોય ત્યારે આપજે. ટીનૂની સલાહ માનીને આનંદે સંગીતકાર બનવાની હા પાડી દીધી. પ્રવીણ શાહે ફિલ્મ ‘માસૂમ’ માટે આનંદને પસંદ કર્યો હતો.

આનંદની મુલાકાત નિર્દેશક મહેશ કોઠારે સાથે કરાવવામાં આવી ત્યારે એમણે કહ્યું કે અમારી એક શરત છે. તારે બાળક માટેનું એક ગીત બનાવી આપવું પડશે. તારા બાકીના આ ગીત અમે ફિલ્મમાં કોઈપણ રીતે લઈ લઈશું. પણ બાળક માટેનું ગીત આપવું પડશે. આનંદે પૂછ્યું કે ફિલ્મમાં બાળક કેવો છે? તોફાની છે, સંવેદનશીલ છે? મહેશે કહ્યું કે એમ સમજી લે કે એ બાળક નથી ‘બાપ’ છે. એમની વાતનો સાર એ હતો કે એને ‘છોટા બચ્ચા’ સમજવાનો નહીં.

આનંદે થોડા કલાક મહેનત કરી મહેશને ફોન કરી કહ્યું કે એક પંક્તિ ‘છોટા બચ્ચા જાન કે ના કોઈ આંખ દીખાના રે’ લખી છે. એ એમને પસંદ આવી ગઈ અને આગળ મહેનત કરવા કહ્યું. આનંદે એક સપ્તાહમાં ગીત તૈયાર કરી દીધું. એને ઉદીત નારાયણના પુત્ર આદિત્યના સ્વરમાં રેકોર્ડ કરવામાં આવ્યું. એ બજારમાં આવ્યા પછી તરત જ લોકોના મોંઢે ચઢી ગયું અને આનંદ રાજ આનંદને એક સંગીતકાર તરીકે મોટી ઓળખ અપાવી ગયું.