કાદર ખાનને મનમોહને આપી ‘રોટી’

કાદર ખાને પોતાના થિયેટર ગુરુને આપેલું વચન જો તોડ્યું ના હોત તો મનમોહન દેસાઇને જ નહીં, આખા બોલિવૂડને એક લેખક-અભિનેતાથી વંચિત રહેવાનો વખત આવ્યો હોત. ઝૂંપડપટ્ટીમાં રહીને મોટા થયેલા કાદર ખાન ભણીગણીને અધ્યાપક તરીકે કામ કરવા સાથે થિયેટરમાં નાટકો કરતા હતા. નાટક જોવા એક દિવસ ફિલ્મ નિર્માતા રમેશ બહલ આવ્યા. તે કાદરના સંવાદોથી એટલા પ્રભાવિત થયા કે તેમની નરેન્દ્ર બેદીના નિર્દેશનમાં બનનારી રોમેન્ટિક-કોમેડી ફિલ્મ ‘જવાની દિવાની’ના સંવાદ-લેખન માટે વાત કરી. અગાઉ ફિલ્મોમાં લખવાનું કામ નીચું ગણીને ઓફર ઠુકરાવનારા કાદરે બેદીના આગ્રહથી હા પાડી અને તરત જ એના પર કામ શરૂ કરી દીધું. ચાર જ કલાકમાં સંવાદની સ્ક્રિપ્ટ લખી કાઢી અને બતાવવા પહોંચી ગયા. રમેશ બહલને નવાઇ લાગી. કાદર ખાને કહ્યું કે મારું જીવન એવું જ છે. જે નક્કી કરું છું તે એ જ દિવસે કરી નાખું છું. રમેશે સંવાદ વાંચ્યા અને ઉછળી પડ્યા. તેમને સંવાદ લેખક તરીકે કામ સોંપ્યું. ફિલ્મના ટાઇટલ્સમાં લેખક તરીકે કાદર ખાનને વાર્તાલેખક ઇન્દર રાજ આનંદ સાથે ક્રેડિટ આપવામાં આવી. આ પહેલી ફિલ્મ માટે તેમને રૂ.૧૫૦૦ મળ્યા હતા.

૧૯૭૨ માં આવેલી ‘જવાની દિવાની’ થી કાદર ખાનનું નામ થઇ ગયું. કેમકે હિટ રહેલી આ ફિલ્મ બોલિવૂડ માટે અનેક રીતે વિશેષ હતી. ફિલ્મમાં નિરુપા રોય અને બલરાજ સહાની પહેલી વખત રોમાન્સ કરતા દેખાયા હતા. તો જયા ભાદુરી પણ પહેલી વખત પશ્ચિમના પોષાકમાં હતી. જયા એક ઘરેલૂ સુંદર યુવતી તરીકે કેટલીક બંગાળી ફિલ્મોમાં કામ કરીને ઋષિદાની ‘ગુડ્ડી’ થી બોલિવૂડમાં ૧૯૭૧ માં જ પ્રવેશી હતી. ‘જવાની દિવાની’ માં જયાએ ઘરેલૂ છોકરીની ઇમેજ બદલીને શર્ટ-પેંટ પહેરીને કામ કર્યું. અસલમાં હીરોઇન તરીકે રીમા હતી. તેને અકસ્માત થતાં જયાનો નંબર લાગ્યો હતો. તેથી સ્ટાર વેલ્યુ વધી હતી. અને સફળતામાં આર.ડી. બર્મનના અલગ અંદાજના ગીત-સંગીતનો ફાળો મોટો હતો. કિશોર-આશાના ‘નહીં નહીં અભી નહીં’ અને ‘જાને જાં ઢૂંઢતા ફિર રહા’ જેવા ગીતોએ ધૂમ મચાવી હતી. કિશોરકુમારને ખબર હતી કે હીરો રાજેશ ખન્ના નહીં પણ રણધીર કપૂર છે, એટલે ગીતમાં ‘ગિલી ગિલી અપ્પા’ જેવા નવા શબ્દો મિક્સ કર્યા હતા. અને કાદર ખાનના સંવાદોમાં કોમેડી હતી. ફિલ્મમાં રણધીર એક મિત્ર યુવતીને ‘ભાઇજાન’ કહે છે ત્યારે દૂર બેઠેલો કોમેડિયન પેન્ટલ તેનું કારણ સમજાવતાં બીજા મિત્રને કહે છે કે, ‘દેખને મેં લડકી ઔર બોલને મેં લડકા હૈ” પછી મિત્ર ‘ઔર..’ કહી સવાલ છોડી દે છે ત્યારે પેન્ટલ તેને બીજું કંઇ ન સમજવા હસીને કહે છે કે,’બાકી સબ ખેરિયત હૈ!’

બધી જ રીતે ઉલ્લેખનીય રહેલી ‘જવાની દિવાની’ એ કાદર ખાનને સ્ટાર લેખક બનાવી દીધા. આ વાતની ખબર જ્યારે તેમના થિયેટર ગુરુને પડી ત્યારે તેમને આ પગલું ખરાબ લાગ્યું. તે નારાજ થઇ ગયા. ત્યારે કાદર ખાને તેમને વચન આપ્યું હતું કે હવે પછી ફિલ્મો માટે કામ કરીશ નહીં. પણ પછી એવી ઓફરો આવી કે તેમણે વચન તોડવું પડ્યું. તેમને રિશિની ‘ખેલ ખેલ મેં’ ના સંવાદ માટે દસ હજાર રૂપિયા મળ્યા. સૌથી મોટી ઓફર હતી મનમોહન દેસાઇની. એ વખતે મનમોહન રાજેશ ખન્ના-મુમતાઝ સાથે ‘રોટી’ બનાવી રહ્યા હતા. તે ઉર્દૂ લેખકોથી ઉબી ચૂક્યા હતા. તેમને રોજબરોજની ભાષામાં બોલાતા અને આમ આદમી સાથે સંવાદ સાધે એવા સંવાદ જોઇતા હતા. કોઇએ કાદરનું નામ આપ્યું. કાદર ખાને જ્યારે સંવાદ લખીને એમનામાં રહેલા અભિનેતાની મદદથી સંભળાવ્યા ત્યારે મનમોહન એટલા ખુશ થઇ ગયા કે ઘરમાંથી ટીવી લાવીને આપ્યું. પછી એક સોનાનું કડું અને પચીસ હજાર રૂપિયા ઇનામમાં આપ્યા. સાથે એમ પણ કહ્યું કે આજથી તારો ભાવ એક લાખ રૂપિયા રહેશે. ‘રોટી’ ની શરૂઆતમાં જ કરુણ કહી શકાય એવા સંવાદમાં નાનો રાજેશ ખન્ના બિમાર મા નિરુપાને કહે છે કે,’..ઔર ડોક્ટર સાહબને ભી કહા હૈ, તેરી મા કો દવાઇ કી નહીં રોટી કી જરૂરત હૈ..’ એ પછી મનમોહન સાથે કાદર ખાનનું એવું ટયુનિંગ થયું કે જીવનભરની ‘દાલ-રોટી’ની એમને ચિંતા ના રહી.

જો કાદર ખાને થિયેટર ગુરુને આપેલું વચન પાળ્યું હોત તો બોલિવૂડને આમ આદમીના સંવાદવાળી ૩૦૦ જેટલી ફિલ્મો મળી ન હોત. અને એક હાસ્ય-ચરિત્ર અભિનેતાથી વંચિત રહેવું પડ્યું હોત.

(રાકેશ ઠક્કર-વાપી)