‘સુન રહા હૈ ના તૂ?’ થી અંકિતનો અવાજ ગુંજ્યો  

ફિલ્મ ‘આશિકી 2’ (૨૦૧૩) માં પહેલાં અંકિત તિવારીનું ગીત ‘સુન રહા હૈ ના તૂ? રો રહા હૂં મેં’ ન હતું. ફિલ્મ તૈયાર થઈ ગયા પછી ઉમેરવામાં આવ્યું હતું. અંકિત જ્યારે ગાયક- સંગીતકાર બનવા સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે એણે ‘સુન રહા હૈ ના તૂ? રો રહા હૂં મેં’ શબ્દો લખી ધૂન બનાવી હતી. અને એને જ ગણગણતો રહેતો હતો. વળી એમાં પોતે રડે છે એવું બે વખત બોલે તો સારું ના લાગે એટલે બીજી વખત ‘ક્યૂં રો રહા હૂં મેં’ શબ્દો લખ્યા. એણે પ્રેમિકા માટે નહીં પણ ભગવાનને પોતાની જિંદગીની પરિસ્થિતિ જણાવવા લખ્યું હતું.

અંકિતે પહેલાં ‘દો દૂની ચાર’ (2010) માટે થોડું કામ કર્યું હતું. એ પછી તિગ્માંશુ ધૂલિયાની ‘સાહબ બીવી ઔર ગેંગસ્ટર’ (2013) માં એક ગીત ‘સાહબ બડા હઠીલા’ કર્યું હતું. એ ફિલ્મના ગીતો ચાલ્યા નહીં પણ સફળ રહી. એની સફળતાની પાર્ટીમાં અંકિતના ઓળખીતા એક ભાઈ મળ્યા અને એમણે ગીતના વખાણ કર્યા. એ જ્યારે ઘરે આવ્યા ત્યારે અંકિતે ‘સુન રહા હૈ ના તૂ?’ સંભળાવ્યું. એ સાંભળી એણે કહ્યું કે આ મહેશ ભટ્ટનો ફોન નંબર છે. તું એમને વાત કર. અંકિતે મહેશ ભટ્ટને ફોન કર્યો અને પોતે ગીત-સંગીતમાં જે થોડું કામ કર્યું હતું એ જણાવ્યું. એમણે મળવા માટેની ઇચ્છા પણ દર્શાવી. પરંતુ તે એટલા વ્યસ્ત રહેતા હતા કે વાયદો કરીને મળી શકતા ન હતા. આખરે એમણે કહ્યું કે તું નિર્દેશક મોહિત સુરીને મળજે.

અંકિતે મોહિતને ફોન લગાવ્યો પણ ઉપાડયો નહીં. એટલે મેસેજ કરીને પોતાનો પરિચય આપ્યો અને મહેશ ભટ્ટનો સંદર્ભ આપ્યો. મોહિતે મળવા બોલાવ્યો અને માત્ર પાંચ ગીત લાવવા કહ્યું. અંકિત ‘વિશેષ ફિલ્મ્સ’ ની ઓફિસ પર ગયો. મોહિતે એને આવકાર આપી સ્ટુડિયોમાં ગીતો સંભળાવવા કહ્યું. અંકિતે પોતાની સાથેના કીબોર્ડ પર સંગીત સાથે ‘સુન રહા હૈ ના તૂ?’ ગીત સૌથી પહેલું સંભળાવ્યું. પછી બીજા ગીતો સંભળાવવાને બદલે ‘સુન રહા હૈ ના તૂ?’ ગીત જ પાંચ વખત ગાયું. મોહિતે સાંભળ્યું પણ ખરું. પછી કહ્યું કે મારું આલબમ (આશિકી 2) તૈયાર થઈ ચૂક્યું છે પણ ગીત બહુ સારું છે. હું એને રાખું છું. બીજા કોઈને જોઈતું હોય અને આપવું હોય તો પહેલાં મને પૂછજે.

અંકિતને એટલી આશા જાગી કે એની બીજી કોઈ ફિલ્મમાં લઈ શકે છે. આ વાતને આઠ મહિના વીતી ગયા પછી મોહિતના સહાયક સિધ્ધાંતનો અંકિતને ફોન આવ્યો અને પૂછ્યું કે તારું પેલું ‘રડવાવાળું’ ગીત વેચ્યું નથી ને? અંકિતે ના પાડી એટલે એણે કહ્યું કે એ પસંદ થઈ ગયું છે અને મહેશ ભટ્ટે તને બોલાવ્યો છે. અંકિત ત્યાં પહોંચ્યો અને ગીત સંભળાવ્યું. ત્યાં જ  ભટ્ટે એનો ફોટો લઈ સોશિયલ મીડિયા પર મૂકી દીધો અને લખ્યું કે ‘આશિકી ૨’ માં અંકિત તિવારીનું પણ ગીત આવી રહ્યું છે.

અસલમાં ઘણા મહિનાઓ પછી જ્યારે મોહિત, આદિત્ય કપૂર અને સાદ એક કારમાં સાથે જઈ રહ્યા હતા ત્યારે મોહિતના બ્લ્યૂ ટૂથમાં અન્ય ગીતો સાથે ‘સુન રહા હૈ ના તૂ?’ વાગ્યા પછી બધાએ નક્કી કર્યું કે આ ગીત ફિલ્મમાં લેવું જોઈએ. ફિલ્મ પૂરી થઈ ગઈ હતી અને સંગીત આલબમ બની ચૂક્યું હોવા છતાં આ ગીતનો પ્રભાવ એવો ઊભો થયો હતો કે એને તૈયાર કરી ઉમેર્યું. અંકિતે શુભંકર મિશ્રા સાથેના પોડકાસ્ટમાં આ ઉપરાંત કહ્યું હતું કે ખરેખર તો એ સંગીતકાર બનવા મુંબઇ આવ્યો હતો. આ ગીત પછી ગાયક તરીકે વધુ લોકપ્રિય થઈ ગયો. એ આ ગીતમાં સંગીત જ આપવા માગતો હતો અને ગાયક કે.કે. ગાય એમ ઈચ્છતો હતો. પરંતુ એણે જે રીતે મોહિત સામે ગાયું હતું એ જોતાં એને જ ગાવા આપ્યું હતું.

અસલમાં ગીત દર્દ અને ઠહેરાવવાળું હતું. પણ ફિલ્મમાં પરિસ્થિતિ એવી હતી કે મોહિત સુરીએ એને ગીતકાર સંદીપ નાથ પાસે ‘સુન રહા હૈ ના તૂ?’ શબ્દો સાથે તૈયાર કરાવી અંકિતના અવાજ અને સંગીતમાં હીરો સ્ટેજ પર ગાય છે એ રીતે બનાવ્યું હતું. ‘આશિકી 2’ નું મિથુનના સંગીતમાં અરિજિત સિંઘનું ‘તુમ હી હો’ જલદી લોકપ્રિય થઈ ગયું હતું. જ્યારે અંકિતના અવાજ અને સંગીતવાળું ‘સુન રહા હૈ ના તૂ?’ ધીમેધીમે બહુ લોકપ્રિય થયું હતું.