અમિતાભે જયાની ‘ગુડ્ડી’ છોડવી પડી 

જયા ભાદુરી(બચ્ચન)ની કારકિર્દી ઋષિકેશ મુખર્જીની ‘ગુડ્ડી'(૧૯૭૧) થી શરૂ થવાની હશે એટલે એવા જ બીજા નિર્દેશક બાસુ ચેટર્જી પાછળ પડ્યા હોવા છતાં તેમની ‘સારા આકાશ’ (૧૯૬૯) સ્વીકારી ન હતી. જયાએ પૂનાના ખૂબ જાણીતા અને પ્રતિષ્ઠિત ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં અભિનય પ્રશિક્ષણ માટે પ્રવેશ મેળવવા અરજી કરી ત્યારે અગાઉ નાની ઉંમરે નિર્દેશક સત્યજીત રેની બંગાળી ફિલ્મ ‘મહાનગર'(૧૯૬૩) માં કામ કર્યાનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.

 

એ જોઇને જ તેને ફિલ્મોના દિગ્ગજ સંચાલકોએ પ્રવેશ આપી દીધો હતો. જયાએ પોતાના પરનો એમનો વિશ્વાસ પહેલા જ વર્ષે સાબિત કરી દીધો હતો. પહેલા વર્ષની પરીક્ષામાં તે પ્રથમ સ્થાને આવી હતી અને સ્કોલરશીપ પણ મળી ગઇ હતી. ત્યારે આ ફિલ્મ સંસ્થાની મુલાકાતે નિર્માતા-નિર્દેશકો મોટી સંખ્યામાં આવતા હતા અને પોતાની ફિલ્મ માટે કલાકારોની પસંદગી પણ કરતા હતા. એ સમય પર બાસુ ચેટર્જી પોતાની નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘સારા આકાશ’ બનાવવાના હતા. તેમની નજર જયા પર પડી અને તેને પોતાની ફિલ્મમાં કામ કરવા ઓફર કરી. તેના અભિનયની પ્રશંસા કરતાં એમણે કહ્યું હતું કે તારે હવે પ્રશિક્ષણની જરૂર જ નથી. જેટલું શીખવાનું હતું એટલું શીખી લીધું છે. અને એક ફિલ્મમાં કામ કરવાથી મળતા સાચા પ્રશિક્ષણ સામે આ કંઇ જ નથી.

બાસુદાએ જયાને ફિલ્મ સંસ્થામાં અભ્યાસ છોડીને પોતાની ફિલ્મમાં કામ કરવા આગ્રહ કર્યો. પરંતુ જયાનું લક્ષ્ય એક વખત ફિલ્મ સંસ્થાનો ડિપ્લોમા કોર્સ પૂરો કરવાનું હતું. અને બીજી સમસ્યા એ હતી કે સંસ્થાના વિદ્યાર્થીઓને બહારની કોઇ ફિલ્મમાં કામ કરવાની મંજૂરી ન હતી. અનેક પ્રયત્ન પછી પણ જયાએ સંમતિ ના આપી એટલે બાસુદાએ મધુ ચક્રવર્તી નામની અભિનેત્રીને લઇ એ ફિલ્મ બનાવી હતી. જોકે, બાસુદાને અને જયાને સાથે કામ કરવા માટે વધારે રાહ જોવી પડી ન હતી. જયાને તેમણે રાજશ્રી પ્રોડકશનની ‘પિયા કા ઘર’ (૧૯૭૨) માં ચમકાવી હતી.

ઋષિદા પણ જ્યારે ‘આનંદ’ બાનાવતા હતા ત્યારે જયા સાથે એક ફિલ્મ ‘ગુડ્ડી’ કરવા ઉત્સુક હતા. પરંતુ તેમણે જયાનો અભિનય અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોઇ હતી. કેમકે ફિલ્મમાં એક એવી છોકરીની વાત હતી જે હીરો ધર્મેન્દ્રને પ્રેમ કરે છે. એક સ્કૂલની છોકરીની ભૂમિકામાં ઋષિદાને જયા એકદમ યોગ્ય લાગી હતી. ‘ગુડ્ડી’ માં પહેલાં અમિતાભ બચ્ચનની પણ ભૂમિકા હતી. તે જયા સાથે લગ્ન કરવા ઇચ્છતા યુવાનની ભૂમિકામાં હતા. આ ફિલ્મના સેટ ઉપર જ બંનેની પહેલી મુલાકાત થઇ હતી. પછી સંજોગો એવા ઉભા થયા કે અમિતાભે ફિલ્મ છોડવી પડી. ‘ગુડ્ડી’ નો કેટલોક ભાગ તૈયાર થયો એ દરમ્યાનમાં ઋષિદાની અમિતાભ સાથેની ‘આનંદ’ રજૂ થઇ ગઇ. અમિતાભ ‘બાબૂ મોશાય’ તરીકે લોકપ્રિયતા મેળવીને રાતોરાત સ્ટાર બની ગયા. ત્યારે ઋષિદાને થયું કે ‘ગુડ્ડી’ માં લોકો લોકપ્રિય અભિનેતાઓની સરખામણી કરશે.

ફિલ્મ શરૂ થઇ ત્યારે જયા સાથે એક અજાણ્યા યુવાન તરીકે અમિતાભને લીધો હતો. કેમકે ત્યારે એટલા લોકપ્રિય ન હતા. તેમણે પોતાની આ સમસ્યા અમિતાભ સામે રજૂ કરી અને તેમના માટે ખુશીથી ફિલ્મ છોડી દીધી. એમ કહેવાય છે કે આ એવી પહેલી અને છેલ્લી ફિલ્મ હતી જે અમિતાભે પોતાની સફળતા અને લોકપ્રિયતાના કારણથી છોડવી પડી હતી. અમિતાભના સ્થાને ‘ગુડ્ડી’ માં બંગાળી અભિનેતા સમિત ભાંજા ‘નવીન’ ની ભૂમિકામાં આવ્યા હતા. એ વાત અલગ છે કે સાથે થોડો સમય કામ કર્યા પછી અમિતાભ જયાના દિલમાં સ્થાન બનાવી ચૂક્યા હતા!

-રાકેશ ઠક્કર (વાપી)