ટ્વિન્કલે ટીનાની ભૂમિકા ઠુકરાવી હતી

કરણ જોહરની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ (૧૯૯૮) ની રાની મુખર્જીએ ભજવેલી ભૂમિકા માટે અડધો ડઝન અભિનેત્રીઓએ ના પાડી હતી. એ જ રીતે સલમાન ખાનની ભૂમિકા માટે પણ કરણને એવી જ સમસ્યા ઊભી થઇ હતી. કરણ જ્યારે આદિત્ય ચોપડાના સહાયક તરીકે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ ના નિર્માણમાં સંકળાયેલો હતો ત્યારે જ શાહરૂખ ખાન અને કાજોલે બે વર્ષ પછી તેની સાથે એક ફિલ્મ કરવાનું વચન આપ્યું હતું. બે વર્ષ પછી શાહરૂખે જ્યારે ફિલ્મની વાર્તાની ઉઘરાણી શરૂ કરી ત્યારે તે સ્ક્રિપ્ટ તૈયાર કરવા બેઠો હતો. કરણને કોઇ વાર્તા સૂઝતી ન હતી ત્યારે થોડા સમય પહેલાં જોયેલી એક બ્રિટિશ ફિલ્મ ‘જેક એન્ડ સારા’ યાદ આવી અને એના પરથી વાર્તા બનાવીને શાહરૂખને સંભળાવી. તેણે હા પાડી દીધી. એ પછી કાજોલને પણ વાર્તા પસંદ આવી. આદિત્યએ તેની વાર્તા સાંભળીને ‘કુછ કુછ હોતા હૈ’ નામ નક્કી કરી આપ્યું.

કરણે હવે બીજી હીરોઇન અને બીજા હીરોની પસંદગી કરવાની હતી. કરણે પોતાની દોસ્ત ટ્વિન્કલ ખન્નાને ‘ટીના’ કહેતો હોવાથી ટીના નામવાળી ભૂમિકા સૌથી પહેલાં ઓફર કરી. પરંતુ વાર્તા સાંભળીને ત્રણ દિવસ પછી કહી દીધું કે કાજોલ જ છવાયેલી રહેશે એટલે તે આ ફિલ્મ કરી શકે એમ નથી. પહેલા ભાગમાં આવીને ગાયબ થવાથી લોકો ફિલ્મને શાહરૂખ અને કાજોલ માટે જ યાદ કરશે. કરણે ‘કુછ કુછ હોતા હૈ’ ના મુખ્ય કલાકારો સિવાયની જોડી માટે કોને કોને ઓફર કરી હતી તેની વાતો પોતાના ‘એક અનોખા લડકા’ પુસ્તકમાં વિસ્તૃત રીતે આપી છે. કરણે ઇન્ડસ્ટ્રીની એ સમયની લગભગ દરેક જાણીતી અભિનેત્રીઓનો સંપર્ક કર્યો હતો. તેમાં રવિના ટંડનથી લઇ તબ્બુ, ઐશ્વર્યા રાય અને કરિશ્મા કપૂરથી લઇ ઉર્મિલા માતોંડકરનો સંપર્ક કર્યો હતો. કોઇએ તૈયારી ના બતાવતાં કરણ નિરાશ થઇ ગયો હતો. ત્યારે આદિત્ય જ તેની મદદે આવ્યો હતો.

એક દિવસ આદિત્યએ કરણને ફોન કરીને કહ્યું કે ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ ના પ્રોમોમાં એક નવી છોકરી રાની મુખર્જી આવી છે. આદિત્ય પછી શાહરૂખ ખાનનો પણ રાની માટે પ્રોમો જોવાની ભલામણ કરતો ફોન આવ્યો. એક જ દિવસમાં બે જણની રાની માટેની પ્રશંસા સાંભળી પ્રોમો જોયો. કરણ કોઇ નિર્ણય લઇ ના શક્યો. ત્યારે આદિત્યએ કહ્યું કે રાનીને આમિર ખાન સાથે ‘ગુલામ’ મળી ગઇ છે. તું એક વખત એને મળી લે. અને કરણ રાનીના ઘરે પહોંચી ગયો. જ્યારે તેને રૂબરૂ જોઇ ત્યારે તે પ્રોમોમાં હતી તેનાથી ઠિંગણી લાગી. રાનીએ વાર્તા સાંભળીને બે દિવસની મુદત લીધી ત્યારે કરણને થયું કે ના પાડશે. કરણને એમ થયું કે તે ના પાડે તો સારું છે. કેમકે થોડી ઠિંગણી અને ભારે શરીરવાળી લાગી હતી.

કરણે તેનો જવાબ નહીં આવે એમ માની બીજી હીરોઇન માટે શોધ ચાલુ રાખી. પણ રાણીએ બે દિવસ પછી એક સવાલ કર્યો કે,’તમે દર્શકોને એવો વિશ્વાસ કેવી રીતે અપાવશો કે શાહરૂખે કાજોલને છોડીને મને કેમ પસંદ કરી?” ત્યારે કરણે એ વાત પોતાના પર છોડી દેવા કહ્યું. જ્યારે રાનીએ હા પાડી દીધી. કરણને થયું કે હા પાડી દીધી છે તો હવે તેની સાથે મહેનત કરીશું. પછી બીજા હીરોની શોધ પર ધ્યાન આપ્યું. કરણ સૈફઅલી ખાન પાસે ગયો અને વાર્તા સંભળાવી. તેણે એમ કહીને ના પાડી કે એમાં ‘એન.આર.આઇ.’ ની ભૂમિકા છે અને તેને ભારતીય ભૂમિકામાં રસ છે. સૈફના ઇન્કાર પછી ‘માચિસ’ થી જાણીતા થયેલા ચંદ્રચૂડસિંહને ઓફર આપી. તેણે બે દિવસ પછી ના પાડી દીધી.

એક દિવસ કરણ ચંકી પાંડેની પાર્ટીમાં ગયો ત્યાં પણ એની ફિલ્મની ચર્ચા ચાલી. સલમાન ખાન ત્યાં હાજર હતો. તેણે પૂછ્યું કે બીજો હીરો મળ્યો કે નહીં. ત્યારે કરણે બધી વાત કરી. ત્યારે સલમાને કહ્યું કે આ ભૂમિકા કોઇ કરશે નહીં, કેમકે એ પોતે જ કરી શકે એમ છે. સલમાને કરણને વાર્તા સંભળાવવા બોલાવ્યો અને તેના પિતાને કારણે તે આ ફિલ્મ કરશે એમ કહ્યું. આદિત્યએ જ્યારે સલમાનની વાત સાંભળી ત્યારે તેને નવાઇ લાગી હતી. ફિલ્મ બનતી હતી ત્યારે શાહરૂખની યશ જોહર સાથેની ‘ડુપ્લિકેટ’ ફ્લોપ રહી અને બધા વિતરકોએ ‘કુછ કુછ હોતા હૈ’ ના વિતરણની ના પાડી દીધી. ત્યારે યશ ચોપડાએ વિતરણની જવાબદારી ઉઠાવી લીધી અને કરણને શાંતિ થઇ. ફિલ્મ સફળ રહી એટલું જ નહીં લગભગ બધા જ એવોર્ડ સમારંભોમાં છવાયેલી રહી. શાહરૂખ-કાજોલને જ નહીં સલમાન-રાનીને પણ શ્રેષ્ઠ અભિનય માટે ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો.

-રાકેશ ઠક્કર (વાપી)