કોરબેટ નેશનલ પાર્કના ઢીકાલા ઝોનમાં સફારીમાં વચ્ચેથી રામગંગા નદી પસાર થાય. રામગંગા નદી એ કોરબેટ અને ખાસ તો ઢીકાલા ઝોનની જીવન રેખા. જંગલના લગભગ દરેક પ્રાણી નદી પર જોવા મળી જ જાય.
થોડા વર્ષો પહેલા ઢીકાલાની સફારી દરમિયાન અમે ચિતલના એલાર્મ કોલ સાંભળ્યા. એટલે અમે નદીની બાજુમાંથી પસાર થતા જંગલના રસ્તા પર બીજા એલાર્મ કોલની પ્રતિક્ષામાં ઉભા હતા.
અહીં નદીમાં હાથીનું એક ઝુંડ પાણીથી રમી રહ્યું હતું. આ બાજુ કેટલાંક નર સાબર હરણ પણ પાણીમાં હતા. અમે હાથીની ફોટોગ્રાફી કરી રહ્યા હતા. અચાનક અગમ્ય કારણ થી બે સાબર બે પગ પર ઉભા રહીને જાણે બોક્સિંગ કરતા હોય એમ લડવાનું શરું કર્યું. થોડી વધુ લડાઈ ચાલતા પાણીમાં રમી રહેલા હાથીએ જોરથી અવાજ કરી બંને સાબરને થોડા ચાર્જ કરી ત્યાંથી ભગાડી દીધા.
આ જોઈ વિચાર આવ્યો કે, કાયમ જંગલમાં વાઘ, સિંહ કે બીગ કેટને જોવા પાછળ જીપ્સી દોડાવવાની સાથે જો થોડું જંગલને માણીએ તો તેની પણ મજા અનેરી હોય છે.
