ઉનાળાના મે-જુન મહિનામાં મધ્ય કે ઉત્તર ભારતના જંગલો કે ગીરમાં જઈએ તો ઝાડીમાંથી એક ચોક્કસ પ્રકારના પક્ષીનો અવાજ સતત ગુંજ્યા કરે પણ પક્ષી સરળતાથી નજરે ચડે નહીં. નવરંગ (Indian Pitta) તરીકે જાણીતા અને ઉનાળામાં દક્ષિણ ભારત થી સ્થળાંતર કરી આવતા આ પક્ષીના રંગ મન મોહક હોય છે. જંગલમાં વૃક્ષોના પાંદડા વચ્ચે એકદમ સરસ ‘કેમોફલાજ’ કરીને રહેતુ આ પક્ષી જોવુ અને તેના ફોટો લેવા એક રોમાંચ છે. ક્યારેક ભાગ્ય હોય તો વૃક્ષની ડાળી પર બોલતુ પણ નવરંગ પક્ષી જોવા મળી જાય અને એનો ફોટો લેવા મળે તો એ એક અદભૂત અનુભવ બની જાય. સામાન્ય રીતે બ્રીડિંગ (સંવનન) માટે દક્ષિણ ભારત અને શ્રીલંકા થી ઉનાળામાં મધ્ય, પશ્ચિમ કે ઉત્તર ભારતમાં આવતુ આ પક્ષી વૃક્ષની નીચી ડાળીઓ પર માળો બનાવે અને 4 થી 5 ઈંડા સામાન્ય રીતે મુકે.
