ઉત્તરાખંડના જીમ કોરબેટ નેશનલ પાર્કની વાતો આ કોલમમાં ઘણી કરી છે. નેશનલ પાર્કની સફારી જીમ કોરબેટના ઘરની મુલાકાત વગર અધુરી છે. આ ઘર હાલ મ્યુઝિયમની જેમ સચવાયેલ છે.
લગભગ દસેક વર્ષ પહેલા નેશનલ પાર્કમાં સફારી એ જતા પહેલા અમે જીમ કોરબેટના ઘરનું મ્યુઝિયમ જોવા ગયા હતા. એ દરમિયાન નજીકમાં જ એક ઝાડ પર અમે કોઈ પક્ષીની હલચલ જોઈ. નજીક જઈને જોયું તો “બ્રાઉન હેડેડ બારબેટ” નર અને માદા એક પછી એક આવી અને ઝાડની ડાળીમાં બનાવેલ કાણાં જેવા માળામાં બચ્ચાને જીવડા પકડી લાવી ખવડાવતા હતા. બચ્ચા પણ વારાફરતી બહાર આવી જીવડા ખાઈને પાછા અંદર જતા હતા.
આ રમત અમે ઘણો સમય જોઈ પછી ગાડીમાંથી કેમેરો લાવી જીમ કોરબેટના ઘરે રહેતા આ બ્રાઉન હેડેડ બારબેટ પરીવારની બહુ બધી તસવીરો લીધી.
જીમ કોરબેટના ઘર પર બ્રાઉન હેડેડ બારબેટ જોવાની આ ક્ષણો જીવનભર યાદ રહી ગઈ.