અમદાવાદઃ રાજ્ય સરકારે એ ખાતરી કરવી જોઈએ કે કોરોના કાળમાં ફી ચૂકવવાની અસમર્થતાને કારણે માતા-પિતા પોતાનાં બાળકોને શાળામાંથી પરત ખેંચવાની ફરજ પાડવામાં ન આવે, એમ હાઇકોર્ટે જણાવ્યું છે. ગસા મહિને હાઇકોર્ટ આપેલા આદેશમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસની અસરને લીધે માતા-પિતા માટે બાળકોને શિક્ષણ અપાવાનું મુશ્કેલ બન્યું હોય એવા કિસ્સામાં સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. એજ્યુકેશન એવી બાબત છે કે જેની સાથે ક્યારેય સમાધાન ના થવું જોઈએ, એમ જજે આઠ જાન્યુઆરીએ આદેશમાં જણાવ્યું છે.
ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જેબી પારડીવાલાની ડિવિઝન બેન્ચે આઇઆઇએમ-અમદાવાદ અને યુનિસેફના સર્વેની નોંધ લઈ જાહેર હિતની અરજી ‘સુઓ મોટો’ને આધારે આ મુદ્દે નિર્દેશ આપ્યા હતા. આ સર્વેમાં લોકડાઉન દરમ્યાન અનેક ઘરોમાં નાણાકીય મુશ્કેલીઓને પ્રકાશિત કરવામાં આવી હતી, કેમ કે લોકડાઉન દરમ્યાન સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન પણ બંધ હતું.
હાઇકોર્ટની ખંડપીઠે આ અરજીને બંધ કરતાં કહ્યું હતું કે અમે રાજય સરકારને એક વાતની ખાતરી અપાવવા માગીએ છીએ કે જે માતા-પિતા સ્કૂલ ફી ચૂકવવામાં અસમર્થ હોય તેવાં બાળકોને શિક્ષણ આપવાનું બંધ ના થાય એનું સરકાર ધ્યાન આપે.શક્ય છે કે સરકાર દ્વારા અપાતી સહાય થોડાક પરિવારો સુધી ના પહોંચી હોય, એમ સર્વે કહે છે. સરકારે આવા કેસો પર તત્કાળ ધ્યાન આપવું જોઈએ અને શક્ય એટલી મદદ પહોંચાડવી જોઈએ, એમ કોર્ટે જણાવ્યું હતું.