ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થવાની સાથે જ ગુજરાતમાં રાજકીય ગતિવિધીઓ અત્યંત તેજ બની ચૂકી છે. ત્રિપાંખીયો જંગ બનાવીને આ ચૂંટણીને રસપ્રદ બનાવનાર આમ આદમી પાર્ટીએ મોટાભાગના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આગામી દિવસોમાં 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના પહેલા તબક્કાના જંગ માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની યાદી પણ બહાર પડશે એટલે પહેલા તબક્કાના ઉમેદવારોનું ચિત્ર પણ સ્પષ્ટ થઇ જશે.
ખેર, છોડો એ બધી વાતને. આ બધા ન્યૂઝ તો અખબારો-ટીવી ચેનલો અને સોશિયલ મિડીયામાંથી મળતા રહેશે, પણ આજે વાત કરીએ ગુજરાતના ચૂંટણી જંગમાં નજર આવતા બે-ત્રણ મહત્વના અને રસપ્રદ તારણોની.
કેમ્પેઇન
એક વાત તો નક્કી છે કે આ વખતે સાવ નિરસ લાગતી ચૂંટણી અરવિંદ કેજરીવાલ એન્ડ કંપનીના આવવાથી રસપ્રદ બની છે. અન્યથા, જો ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ જંગ હોત તો જે ઝનૂન, જે ઉત્સાહ અને જે સ્પર્ધા 2017ની ચૂંટણીમાં જોવા મળી હતી એનો બન્ને પક્ષમાં સદંતર અભાવ હતો. ચૂંટણી છે એટલે કેમ્પેઇન સૂત્રો અને થીમ જાહેર થાય એ ન્યાયે દક્ષિણ ગુજરાતના કપરાડામાં પહેલી ચૂંટણીસભા સંબોધતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘આ મેં બનાવેલું ગુજરાત છે’ એવું સ્લોગન વહેતું મૂક્યું છે. આશય સાફ છેઃ દરેક મતદાતાને ગુજરાત, ગુજરાતના ગૌરવ સાથે જોડીને ભાજપ સાથે ભાવનાત્મક રીતે જોડાયેલો રાખવાનો. એની સામે કોંગ્રેસે પરિવર્તન સંકલ્પ યાત્રા દરમ્યાન જ પરિવર્તન દમદાર એવું કહીને મતદારોને સત્તા પરિવર્તનની અપીલ કરી છે.
ભાજપ માટે પ્રચારનો ભાર નરેન્દ્ર મોદીની સભાઓ પર છે એની સામે કોંગ્રેસે આ વખતે મોટી જાહેરસભાઓના બદલે લો-પ્રોફાઇલ કેમ્પેઇન દ્વારા વ્યક્તિગત સંપર્કથી મતદાતાઓ સુધી પહોંચવાનો રસ્તો અખત્યાર કર્યો છે. કોંગ્રેસ માટે આશ્વાસનની વાત એ છે કે પહેલા તબક્કાની અમુક બેઠકો માટેના ઉમેદવારો જાહેર કર્યા પછી પક્ષમાં મોટાપાયે બળવાખોરી થાય એવા સંકેત હજુ સુધી મળ્યા નથી. હા, જો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી જ જંગ લડશે તો એમની સામે કોંગ્રેસનો બૌધિક ચહેરો ગણાતા રાજયસભાના સભ્ય અને એડવોકેટ અમી યાજ્ઞિક મેદાનમાં હશે. ટીવી ચેનલોમાં કોંગ્રેસની વકીલાત કરતા રહેતા અને વ્યક્તિગત રીતે સાફ-સૂથરી છબી ધરાવતા અમીબહેન એવા જ સૌજન્યશીલ સ્વભાવના લો-પ્રોફાઇલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કેવી લડત આપશે એ જોવાનું રસપ્રદ બનશે.
મુખ્યમંત્રી કોણ?
મુખ્યમંત્રીની જ વાત નીકળી છે તો એ પણ નોંધવા જેવું છે કે આ જંગમાં આમ આદમી પાર્ટીએ પત્રકારમાંથી પોલિટિશ્યન બનેલા ઇસુદાન ગઢવીને પક્ષના મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે જાહેર કર્યા છે, પણ બન્ને મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસે એમના મુખ્યમંત્રીના ઉમેદવાર કોણ હશે એ જાહેર કર્યું નથી! ભાજપમાં તો જ્યાં સુધી નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યાં સુધી આવો સવાલ જ ઉપસ્થિત થતો નહોતો, પણ એ પછીય 2017માં વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે અને આજે ભૂપેન્દ્રભાઇ છે ત્યારે પણ સત્તાવાર રીતે મુખ્યમંત્રી કોણ હશે એવું જાહેર કરાયું નથી. હાલ એવું મનાય છે કે જો પરિણામોમાં બહુ મોટા ફેરફારો ન થાય તો ભાજપ સરકારમાં ભૂપેન્દ્રભાઇ જ મુખ્યમંત્રી તરીકે યથાવત રહેશે. બાકી તો, ભાજપમાં મોદીઇચ્છા બળવાન છે.
જ્યારે કોંગ્રેસમાં તો મુખ્યમંત્રી કોણ એવું કોઇ બોલે તો ય પક્ષમાં અત્યારથી કડાકાભડાકા થવા માંડે એટલે ચૂંટણી અગાઉ મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરવાની કોઇ પ્રથા જ નથી. પક્ષમાં આ પદ માટે જેટલા નેતા એટલા દાવેદારો છે એટલે મુખ્યમંત્રીપદના મધપૂડાને અત્યારથી છંછેડવામાં કોઇ માલ નથી એવું હાઇકમાન્ડ સારી રીતે સમજે છે.
આ તરફ, આમ આદમી પાર્ટીમાં ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરીને કેજરીવાલે સ્માર્ટ ચાલ ખેલી છે. આપ માટે દિલ્હી (અહીં ગાંધીનગર) હજુ દૂર છે એ કેજરીવાલ ય જાણે છે, પણ રિંગમાં ઉતર્યા પછી દરેકને દાવ રમવાનો અધિકાર છે. પંજાબની માફક અહીં પણ લોકોનો મત જાણીને મુખ્યમંત્રીનો ઉમેદવાર નક્કી કરવાનો પ્રયોગ કરીને કેજરીવાલે એક કાંકરે બે પક્ષી માર્યા છે. એક તો, ઇસુદાનને ગુજરાતની જનતા મુખ્યમંત્રી તરીકે જોવા માગે છે એવું જાહેરસભાઓમાં કહી શકાય અને બીજું, આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની આ પદ માટેની ઇચ્છાને પણ જનતાના મતના કારણથી રોકી શકાય. પક્ષમાં આંતરિક કલહથી બચી જવાય.
આવન-જાવન
એ સિવાય, રાજકીય પક્ષમાં આવન-જાવનની શરૂઆત તો થઇ જ ચૂકી છે. પાંચ દાયકા સુધી કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા પછી 80 વર્ષી મોહનસિંહ રાઠવાને અચાનક જ્ઞાન લાધ્યું કે, ભાજપ જ સારો અને સાચો પક્ષ છે એટલે એમણે કમલમની વાટ પકડી છે. સૌરાષ્ટ્રના અન્ય ધારાસભ્ય ભગવાન બારડ સહિત હજુ બીજા ઘણા કોંગ્રેસીઓ કમલમભણી પ્રયાણ કરી શકે છે. હજુ પણ જેમ ટિકીટની ફાળવણી થશે એમ આ આવન-જાવન વધારે તીવ્ર બનશે. જયનારાયણ વ્યાસ જેવાનું ભાજપમાંથી રાજીનામું એ ગુજરાતના રાજકારણની મોટી ઘટના છે તો સામે કોંગ્રેસે પણ વર્ષોથી પક્ષમાં સક્રિય રહેલા હિમાંશુ વ્યાસ, ચેતન રાવળ જેવા નેતાઓએ કેમ પક્ષ છોડવો પડે છે એ માટે વિચારવું પડે એમ છે. ભાજપને કોંગ્રેસના આ નેતાઓની જરૂર છે એવું નથી, પણ કોંગ્રેસ જેટલી વધારે તૂટે, વધારે વિખેરાય એટલો ભાજપનો રસ્તા આસાન બને છે. ચૂંટણી આવે ત્યારે નેતાઓ પણ પોતાનું ‘વજન’ વધારવા પક્ષની અંદર અને બહાર ખાંડા ખખડાવતા હોય છે.
વેલ, જંગ જામે ત્યારે ખાંડાઓ ખખડે જ. આગામી દોઢ-બે મહિના સુધી એ ખખડાટ સાંભળવાની તૈયારી રાખજો.
(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)