અમેરિકાની ચૂંટણીઃ આ જાણી લો…

વિશ્વ આખાની નજર આજકાલ અમેરિકાની ચૂંટણી પર છે. હોવી સ્વાભાવિક ય છે, કેમ કે આંતરરાષ્ટ્રીય તખ્તે કાયમ જગત જમાદારની ભૂમિકામાં રહેતા અમેરિકામાં ઘરઆંગણે શું સ્થિતિ છે એ જાણવામાં જગતને રસ હોય જ. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું છે કે જો આ ચૂંટણી એ હારી જશે તો વર્ષ 2028ની ચૂંટણી નહીં લડે. અર્થાત, ટ્રમ્પભાઇ માટે આ ‘કરો યા મરો’ નો જંગ છે. એની સામે, અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ બનવાનું માન મેળવવા કમલા હેરીસ પણ કોઇ કચાશ નહીં છોડે એ દેખીતું છે.

આમ તો આપણે ત્યાં કે ફોર ધેટ મેટર બીજા કોઇપણ દેશમાં ચૂંટણી વખતે પ્રતિસ્પર્ધી ઉમેદવારો એકબીજા પર આક્ષેપબાજીમાં તૂટી પડે એવું જ અમેરિકામાં પણ ચાલી રહ્યું છે એટલે એમાં કાંઇ નવું નથી. ફરક ફક્ત ચૂંટણી પધ્ધતિમાં છે, પ્રચારની પધ્ધતિ તો લગભગ બધે એકસમાન જ હોય છે!

હમણાં અમેરિકાની બન્ને મુખ્ય પાર્ટી, ડેમોક્રેટીક અને રિપબ્લિકનના કમ્પેઇન સાથે જોડાયેલી બે પોલિટીકલ એક્સપર્ટ્સ ગુજરાત-ભારતની મુલાકાતે હતી. ડેમોક્રેટ્સમાંથી દેશેકા રફિન અને રિપબ્લિકન્સમાંથી એલિસન વિલિયમ્સ. એકબીજાથી તદ્દન વિરોધી વિચારધારા ધરાવતી હોવા છતાં, અમેરિકામાં એમના પ્રમુખપદના ઉમેદવારો એકબીજા પર ખુલ્લેઆમ બોલતાં હોવા છતાં આ માનુનીઓ અમેરિકાથી ભારત સાથે સફર કરી રહી હતી! દેશના વિવિધ પોલિસી મેકર્સ-જૂથના લોકોને સાથે મળી રહી હતી!

(ડાબે: એલિસન વિલિયમ્સ- જમણે: દેશેકા રફિન )

એટર્ની અને પોલિટીકલ એક્સપર્ટ તરીકેનો વીસ વર્ષનો અનુભવ અનુભવ ધરાવતી દેશેકા રફિન ગુગલના કમ્યુનિટી એન્ગેજમેન્ટ વિભાગની ગ્લોબલ હેડ છે. અગાઉ ઓબામા ફોર અમેરિકા, હિલેરી ફોર અમેરિકા જેવા કેમ્પેઇનમાં સક્રિય ભાગ લઇ ચૂકી છે. રિપબ્લિકનનો ગઢ ગણાતી અલબામા અને જ્યોર્જિયાની બે સેનેટ બેઠકને ડેમોક્રેટીકની બેઠક બનાવવામાં એનો ફાળો છે. તો, એલિનસ વિલિયમ્સ સ્ટ્રેટેજિક પ્લાનિંગ કન્સલ્ટન્ટ છે અને અર્કાન્સસના ભૂતપૂર્વ ગવર્નર સાથે મહત્વના વિષયો પર કામ કરી ચૂકી છે. આ રાજ્યના મહિલા કમિશનનું નેતૃત્વ કરીને વર્કફોર્સમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં એનું મહત્વનું યોગદાન છે.

અમદાવાદમાં એમની સાથે અમેરિકાની ચૂંટણીના વિવિધ પાસાં અંગે જે લંબાણપૂર્વક ચર્ચા થઇ એમાંથી તારવેલા કેટલાક મુદ્દાઓ આ રહ્યાઃ

એકઃ કમલાએ પાસાં પલટ્યાં 

હરીફ હોવા છતાં રિપબ્લિકન એક્સપર્ટ એલિસન વિલિયમ્સ નિખાલસતાથી સ્વીકારે છે કે, કમલા હેરીસની એન્ટ્રીથી બાજી બદલાઇ છે. બાઇડન અને ટ્રમ્પ વચ્ચે જે તફાવત હતો (જેમાં ટ્રમ્પ ખાસ્સા આગળ હતા) એ ઘણો ઘટ્યો છે. સામે પક્ષે, રફિન આશાવાદ સેવે છે કે કમલાના આગમનથી મહિલા મતદારો ડેમોક્રેટ્સ તરફ ઝુકશે. હેરીસને કેમ્પેઇન માટે ખૂબ ઓછો સમય મળ્યો હોવા છતાં એની મહિલા મતદારો પર અપીલ અને એનું ‘વુમન ઓફ કલર (એટલે કે નોન-વ્હાઇટ મહિલા) હોવું’ એ ફેક્ટર અસર કરશે જ. અલબત્ત, દેશેકા રફિન વ્યક્તિગત રીતે અન્ય ડેમોક્રેટ્સની જેમ મિશેલ ઓબામાથી પ્રભાવિત હોવા છતાં કહે છે કે, ‘ડેમોક્રેટ્સમાંથી ઘણા મિશેલને ઉમેદવાર જોવા માગતા હતા, પણ ખુદ મિશેલે જ કમલાને ટેકો જાહેર કર્યા પછી પાર્ટીમાં આંતરિક રીતે એ મુદ્દો જ નથી.’

બેઃ ટ્રમ્પ પર હુમલા અને સહાનુભૂતિ

બે વખત હુમલાનો સામનો કરી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ બેબાક વક્તા છે. સાથે એટલા જ લોકપ્રિય છે, ખાસ કરીને જમણેરી સમર્થકોમાં. હુમલાના બનાવ પછી સમર્થકો ટ્રમ્પને સહાનુભૂતિનો લાભ મળશે એવી આશા જરૂર રાખે છે, પણ ફક્ત એ એક જ બાબત પર મદાર રાખીને નથી બેઠા. એલિસન વિલિયમ્સના મતે, સહાનુભૂતિના કારણે ટ્રમ્પની લોકપ્રિયતા વધી છે, પણ રિપબ્લિકન્સના કાર્યકરો પાર્ટીની લોકપ્રિયતા પર મત મેળવવા ય એટલી જ મહેનત કરી રહ્યા છે.

ટ્રમ્પની લોકપ્રિયતાની સાથે એમની એન્ટી-મુસ્લિમ ઇમેજની વાત નીકળતાં એલિસન સ્પષ્ટતા કરે છે કે, ‘ટ્રમ્પ એન્ટી-મુસ્લિમ નહીં, એન્ટી-ટેરેરીઝમ છે.’ ટ્રમ્પ ત્રાસવાદ સામે સખત વલણ અપનાવે છે, આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર શબ્દો ચોર્યા વિના બોલે છે, તડ ને ફડ કરે છે એટલે લોકોને ગમે છે.

ત્રણઃ મુદ્દાઓ અને વિદેશનીતિ શું અસર કરે છે?

આપણને અહીં બેઠાં બેઠાં અમેરિકાની ચૂંટણી એટલે ટ્રમ્પ અને હેરીસના નિવેદનો એટલું જ દેખાય, પણ અમેરિકામાં ગ્રાઉન્ડ પર ફક્ત નિવેદનો કામ નથી કરતા. મુદ્દાઓ પણ નિર્ણાયક હોય છે. બન્ને એક્સપર્ટ્સ સ્વીકારે છે કે, આ ચૂંટણીમાં ઇકોનોમી, બેરોજગારી, વિમેન રિપ્રોડક્ટીવ હેલ્થ અને ઇમિગ્રેશન પોલિસી જેવા મુદ્દાઓ ચર્ચામાં છે અને બન્ને પાર્ટી એના પર ફોકસ કરી રહી છે.

સરપ્રાઇઝીગલી, વિદેશનીતિનો મુદ્દો અમેરિકનો માટે એટલો મહત્વનો નથી. ડેમોક્રેટ્સ કે રિપબ્લિકન્સની વિદેશનીતિ શું છે એની સાથે મતદારોને ખાસ લેવાદેવા નથી. રફિન અને એલિસન બન્નેના મતે, આ મુદ્દો ખાસ ચર્ચામાં પણ નથી. હા, આમ છતાં ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષમાં અમેરિકાનું સ્ટેન્ડ અને ટ્રમ્પનું વલણ થોડાઘણા અંશે અમેરિકનોને પ્રભાવિત કરી શકે ખરું.

ચારઃ પોપ્યુલર વોટ વર્સિસ ઇલેક્ટોરલ

અમેરિકાની ચૂંટણી એટલી અટપટી છે કે ઘણા રાજકીય સમીક્ષકો ગોથાં ખાઇ જાય છે. અત્યારે ટ્રમ્પ કે હેરીસ બેમાંથી લોકપ્રિયતામાં કોઇ આગળ હોય એનો મતલબ એ નથી કે ચૂંટણીમાં એ જ જીતશે! જાણી લો કે, અમેરિકન ચૂંટણીમાં પોપ્યુલર વોટ અને ઇલેક્ટોરલ વોટ એ બે અલગ ચીજ છે. જૂદા જૂદા રાજ્યમાં ઇલેક્ટોરલ વોટ્સની ગણતરીના આધારે પ્રમુખપદનો વિજેતા નક્કી થાય છે એટલે ઘણીવાર બને કે, લોકપ્રિય ઉમેદવાર હારી પણ જાય. વર્ષ 2000ની ચૂંટણીમાં જ્યોર્જ બુશ અને અલ ગોર વચ્ચેની લડાઇમાં અલ ગોર લોકપ્રિયતામાં ખૂબ આગળ હતા, પણ પ્રમુખ બુશ બન્યા. એ જ રીતે, વર્ષ 2016માં ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટનમાંથી લોકપ્રિયતાની રેસમાં હિલેરી ક્યાંય આગળ હતા, પણ જીત્યા ટ્રમ્પ. પેન્સિલવેનિયા, મિશિગન, નવાડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, ફ્લોરિડા જેવા સ્વિંગ સ્ટેટ્સ ગણાતા રાજ્યોના ઇલેક્ટોરલ્સ પ્રમુખપદની જીત નક્કી કરે છે.

પાંચઃ મતદાનનું પ્રમાણ

અમેરિકનો એટલે ભણેલા-ગણેલા, લોકશાહીના સમર્થક અને જાગૃત મતદારો એવી ધારણા તમારા મનમાં હોય તો કાઢી નાખજો. રફિન અને એલિસન કહે છે એમ, આજે પણ ‘મતદારોની બેલેટ પેપર એક્સેસ’ (તમામ મતદારો સુધી બેલેટ પહોંચાડવાની પ્રક્રિયા) એ અમેરિકાની ચૂંટણીનો સૌથી મોટો પડકાર છે. અત્યાર સુધીની ચૂંટણીઓમાં સરેરાશ 55 થી 59 ટકા જ મતદાન નોંધાયું છે. એની સામે ભારતનો મતદાનનો રેકોર્ડ વધારે ઉજળો છે. અને હા, અમેરિકામાં પણ પુરુષો કરતાં મહિલાઓમાં મતદાનનું પ્રમાણ 4 થી 5 ટકા જેટલું વધારે છે.

 

છઃ કમ્યુનિકેશનના લાભ-ગેરલાભ

સોશિયલ મિડીયાના પ્રભાવથી દુનિયાના લગભગ કોઇ દેશની ચૂંટણી બચી શકી નથી, પણ અમેરિકા એમાં ય એક ડગલું આગળ છે. અગાઉની ચૂંટણીઓમાં રશિયાની દખલગિરીના આક્ષેપો જૂના નથી. આ વખતે તો પહેલીવાર ટ્વીટર (હવે એક્સ) જેવા પ્લેટફોર્મના માલિક અને વારંવાર ચર્ચામાં રહેતા એલોન મસ્કે ટ્રમ્પની ખુલ્લેઆમ તરફદારી કરીને એ હદ ય વટાવી દીધી છે. એલિસન વિલિયમ્સ કહે છે એમ, સોશિયલ મિડીયામાં ખોટી અને ગેરમાર્ગે દોરતી માહિતીનું પ્રમાણ વધવાથી રાજકીય પાર્ટીઓ માટે અસરકારક અને પરફેક્ટ કમ્યુનિકેશન એક પડકાર છે.

સાતઃ કમલાનું ‘ફોરેન ઓરિજિન’ ફેક્ટર

આપણાં ચશ્માથી અમેરિકન ચૂંટણી જોઇએ તો કમલા હેરીસના ભારતીય મૂળનું હોવું એ ચૂંટણીમાં બહુ મોટો મુદ્દો લાગે, પણ રફિન કે એલિસનના મતે કમલાનાં મૂળ એ અમેરિકનો માટે કોઇ મુદ્દો જ નથી! રફિન કહે છે એમ, કમલા ઇઝ અમેરિકન. ધેટ્સ ઇટ. એનાથી આગળ એ કોણ છે એ અમેરિકનો માટે મહત્વનું નથી. ઉલ્ટાનું, ‘વુમન ઓફ કલર’ તરીકેની એની ઓળખના કારણે નેટીવ અમેરિકન મતદારોનો ઝોક એના તરફ ઢળે એવા ચાન્સ વધારે છે. એનાં કૂળ કરતાં એનું કામ મેટર કરે છે, અમેરિકન મહિલાઓ માટે શું કરી શકે છે, એ પડકારોનો સામનો કરવા સક્ષમ છે કે કેમ એ વધારે મહત્વનું છે.

હા, સૌથી વધુ મહત્વનું ફેક્ટર છેઃ ડીબેટ. પરસ્પર વિરોધી વિચારધારના પ્રતીકો પણ એક મંચ પર આવીને ચર્ચા કરે, વિવિધ મુદ્દે પોતાનો મત રજૂ કરે એ પરંપરા અમેરિકાની ચૂંટણીની વિશેષતા છે. પરસ્પરની અસહમતિ છતાં સાથે ચાલવાની આ સ્વસ્થ પરંપરાના કારણે જ રફિન અને એલિસન એક સાથે પ્રવાસ કરે છે, એક સાથે ચર્ચામાં ભાગ લઇને પોતાનો મત રજૂ કરે છે. છૂટા પડતી વખતે આ મુદ્દે વાત નીકળી તો જવાબમાં બન્નેએ સરસ કહ્યુઃ ‘વિરોધી હોવા છતાં અમે સાથે છીએ કેમ કે, વી લવ અમેરિકા!’

છે ને આપણાવાળાઓએ ગાંઠે બાંધવા જેવી વાત?

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)