સાકર વગરના આ ગુણકારી લાડુ થાક ઉતારે અને હાડકાં મજબૂત બનાવે છે. શિયાળાની સવારે રોજ ખાવાથી શરીરમાં ઉર્જા પણ અનુભવાશે!
સામગ્રીઃ
- ઘઉંનો લોટ 2 કપ
- ઘી 4 ટે.સ્પૂન
- ખાવાનો ગુંદર 4 ટે.સ્પૂન
- તલ 2 ટે.સ્પૂન
- ખસ ખસ 2½ ટે.સ્પૂન
- સૂકા નાળિયેરનું ખમણ 2 ટે.સ્પૂન
- મખાણા 1 કપ
- સમારેલો ગોળ 1 કપ
- કાળા ખજૂર 1 કપ
- ડ્રાયફ્રૂટ 1 કપ
- સૂંઠ 1 ટે.સ્પૂન
- એલચી તેમજ જાયફળનો પાવડર 1 ટી.સ્પૂન
રીતઃ ઘઉંનો લોટ એક ફ્રાઈ પેન અથવા કઢાઈમાં ગેસની મધ્યમ આંચે ગોલ્ડન કલરનો શેકીને બીજા વાસણમાં કાઢી લો.
કઢાઈને ફરીથી ગેસ પર ગરમ કરવા મૂકો. તેમાં 2 ટે.સ્પૂન ઘી ઉમેરો અને તેમાં ખાવાનો ગુંદર નાખીને ઘીમાં ફુલે ત્યાં સુધી સાંતડીને બીજા એક વાસણમાં કાઢી લો. હવે વારાફરતે તેમાં તલ અને ત્યારબાદ ખસખસ સાંતડો અને બીજા વાસણમાં કાઢી લો. ફરીથી તેમાં 1 ટે.સ્પૂન ઘી ઉમેરીને તેમાં નાળિયેરનું ખમણ 1 મિનિટ માટે સાંતડીને તરત જ બીજા વાસણમાં કાઢી લો. હવે ઘીમાં મખાણાને પણ સાંતડીને બાજુએ કાઢી લો. ત્યારબાદ ડ્રાયફ્રૂટને 2-3 મિનિટ સાંતડી લો.
કઢાઈમાં 1 કપ સમારેલો ગોળ તેમજ ¼ કપ પાણી ઉમેરીને હલાવતા રહો, જ્યાં સુધી ગોળ ઓગળી ન જાય. હવે ગેસને બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો.
શેકેલા લોટમાં ઉપર દળેલી બધી સામગ્રી તેમજ તલ, ખસખસ અને ખજૂર મેળવી લો. સૂંઠ તેમજ એલચી તેમજ જાયફળનો પાવડર પણ ઉમેરી લો. આ મિશ્રણમાં ગોળની ચાસણી પણ ઉમેરી લો અને મિક્સ કરીને તેમાંથી નાના લાડવા વાળી લો. ઘી વધુ ઉમેરવું હોય તો ઉમેરી શકાય.