દિવાળી મને ગમે તો છે, પણ થાકી ખુબ જવાય છે. બેગ પેક કરતા કરતા માનસી પતિ ઉત્તમ સામે જોઈને બોલી. ઉત્તમે પણ વળતો જવાબ આપ્યો,
તમારે તો બસ શુ નથી કરવાનું એનાથી જ મતલબ છે. જે કરું છું અને કરવાનું છે એ નથી જોવાતું? દિવાળીમાં એન્જોય સાથે કેટલા બધા કામ હોય છે. હકીકતમાં તો દિવાળીની રજાઓ મારી માટે રજાઓ છે જ નહીં!
વાત અહીં માત્ર માનસીની નથી. વાત એવી દરેક મહિલાની છે જે ખરેખર દિવાળીની રજાઓમાં મજા માણવાની જગ્યાએ થાકીને લોટપોટ થઈ જાય છે. સવાલ એ જરૂર થાય કે શુ ખરેખર દિવાળીની રજાઓમાં મહિલાઓને રજા મળે છે?
મહિલાઓના કામ ડબર, ત્રીપલ થઈ જાય છે
કલોથ બુટીકના ઓનર જીનલ પ્રજ્ઞેશભાઈ પંચાલ ચિત્રલેખા.કોમને કહે છે, “દિવાળીનો તહેવાર બધાને ગમતો તહેવાર હોય છે. વર્ષનો સૌથી મોટો તહેવાર છે જેનું ધાર્મિક રીતે પણ અનેરું મહત્વ રહેલું છે. પરંતુ એ વાત તો સ્વીકારવી જ રહી કે આ તહેવાર જેટલો ઉત્સાહ, ઉમંગ લઈને આવે છે એની સાથે મહિલાને થાક પણ ખૂબ લાગે છે. ઘરે હોઈએ ત્યારે પારિવારિક કામ હોય અને બહાર ફરવા નીકળેએ ત્યારે પતિ અને બાળકોનું કામ. સાથે જ સામાનનું પેકિંગ, અનપેકિંગ, છોકરાઓને સાચવવાના, દિવાળી પહેલા દિવાળીના કામ, ગેસ્ટ અટેન કરવાના, ઘરની સાફ-સફાઈ, નાસ્તા બનાવવાના, ખરીદી કરવાની અનેક નાના મોટા આયોજન, આ બધુ લગભગ મહિલાઓના શીરે જ હોય છે. હું એમ નથી કહેતી કે ઘરમાં પુરુષો મદદ નથી કરતા. પરંતુ જે કામ મહિલાઓને કરવાનું હોય એ એમને જ કરવું પડે છે. મોટાભાગની જવાબદારી એમના પર જ હોય છે. માટે એમ કહી શકાય કે દિવાળીની રજાઓમાં મહિલાઓના કામ ડબલ, ત્રીપલ થઈ જાય છે. હા તહેવારની મજા અલગ છે, પણ થાકી તો જવાય જ.”
સોશિયલ એન્જોયમેન્ટ સાથે સખત હાર્ડવર્ક
અમદાવાદની એક ઉચ્ચ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા શિરીન સોની ચિત્રલેખા.કોમને કહે છે કે “રજાઓમાં મહિલાઓને રજાઓ મળે છે ખરી, પણ એને એન્જોય કરવાનો સમય ઓછો મળે છે. સોશિયલ ગેધરીંગની તૈયારી, ઘર સજાવટની તૈયારી, બહાર જવાનું હોય તો એ પ્રમાણે અલગથી તૈયારી કરવી પડે છે. માટે એમ કહી શકાય કે દિવાળીની રજાઓમાં રિલેક્સ થવાની જગ્યાએ થાકવાનું વધારે થાય છે. દિવાળી પહેલા પણ કામ, દિવાળી દરમિયાન અને દિવાળી પછી પણ આરામ નથી મળતો ઓવર સ્પ્રીંગ થાય છે. સોશિયલ એન્જોયમેન્ટની વાત કરીએ તો એ ચોક્કસથી છે પરંતુ એની સાથે સખત હાર્ડવર્ક છે. તો બીજી એક વાત એ પણ છે કે સામાન્ય દિવસોમાં મહિલાઓને સોશિયલ લાઈફ કે ફેમિલી લાઈફ એન્જોય કરવા નથી મળતી જે દિવાળીની રજાઓમાં મળે છે. પરંતુ કામ તો વધી જ જાય છે.”
આખા વર્ષનો થાક દિવાળીમાં લાગે!
અમદાવાદના ગૃહિણી પ્રીતિ સરવૈયા ચિત્રલેખા.કોમને કહે છે, “ખરેખર ખુબ જ સારો સવાલ છે કે દિવાળીની રજાઓમાં મહિલાઓને રજાઓ મળે છે? સામાન્ય રીતે તો આ વિશે આજ સુધી કોઈએ વિચાર્યું પણ નથી. હકીકતમાં દિવાળી એક એવો તહેવાર છે, જેની વર્ષ દરમિયાન રાહ જોવાતી હોય છે. પરંતુ બીજી બાજુ એમ પણ કહી શકાય કે મહિલાઓને આખુ વર્ષ જેટલો થાક નહી લાગતો હોય એટલો દિવાળીમાં લાગે છે. પછી એ કામકાજી મહિલા હોય કે ગૃહિણી દિવાળીમાં બંનેની જવાબદારી લગભગ સરખી જ હોય છે. મહિલાઓ માટે ઘરના કામ સિવાય, દિવાળીની રજાઓમાં બહારના કામો પણ વધે છે. બજારમાંથી તહેવાર માટેની ખરીદી કરવી, કપડાં, મીઠાઈઓ, પરિવાર અને નિકટના સગાઓ માટે ગિફ્ટ ખરીદવી. દરેક વસ્તુની ઘરમાં યોગ્ય રીતે ગોઠવણ કરવી. ઉપરાંત જો ગામડે દિવાળી કરવા જવાનું હોય તો એની તૈયારી જુદી રીતે કરવાની. અહીંથી કામ કરીને જવાનું ત્યાં જઈને કરવાનું પાછું પરત ફરીને ફરી ઘરના કામ. અંતે દિવાળીમાં મહિલાઓને આરામ તો ઠીક પરંતુ કામમાં વધારો થાય છે એમાં કોઈ બેમત નથી.”
દિવાળીનો ઉત્સવ જ્યારે દરેક માટે આનંદકારક હોય છે, ત્યારે તે ક્યારેક મહિલાઓ માટે વધેલા કામનું કારણ બની જઈ, થાકી જવાનું નિમિત્ત બને છે.
હેતલ રાવ