અમદાવાદઃ શહેરની મધ્યમાં આવેલાં બજારો દિવાળીના તહેવાર માટે સજ્જ થઈ ગયાં છે. મુખ્યત્વે ઘર વપરાશ, પહેરવેશ અને સજાવટની ચીજવસ્તુઓ માર્ગો પરનાં પાથરણાં કે લારીઓમાં જોવા મળી રહી છે. અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા ભદ્ર, ત્રણ દરવાજા, પાનકોર નાકા, ચાંલ્લાઓળ, માણેક ચોક, રતન પોળ, દિલ્હી દરવાજા અને રાયપુર દરવાજા જેવા અનેક વિસ્તારોમાં દિવાળીમાં ધૂમ ખરીદી થાય છે. આ દરેક વિસ્તારની ખરીદી માટે એક ઓળખ છે.
અમદાવાદની સાંકડી ગલીઓમાંથી મધ્યમ વર્ગ સસ્તી, સારી, ટકાઉ ચીજવસ્તુઓની ખરીદી કરવા કલાકો સુધી ફરી ખરીદી કરે છે. દિવાળી પહેલાં શહેરના માર્ગો પરનાં પાથરણાં બજાર ભરચક થઈ ગયું છે.
આ બજારમાં કપડાં, ઘડિયાળો, ફ્લાવરવાઝ, તોરણ, થેલા, પગરખાં અને આર્ટિફિશિયલ જ્વેલરી જેવી અનેક ચીજવસ્તુઓ મળી જાય છે.
સતત ટ્રાફિકથી ધમધમતા માર્ગો અને ફૂટપાથ પર રોજગાર ઝંખતા લોકોનો અડિંગો જોવા મળે છે, સામે પક્ષે તંત્ર પણ લાચાર છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)