દિલ્હી વિધાનસભાની ચૂંટણી ડ્રામેટિક બનશે તે સૌને ખબર છે. નાનો મોટો ડ્રામા છેલ્લા છ મહિનાથી ચાલી રહ્યો છે. પણ જામતો નથી. જામતો નથી, કેમ કે એક મુખ્ય નાયક અંડરપ્લે કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે દોઢેક વર્ષથી, લોકસભા 2019ની ચૂંટણી પહેલાંથી જ મોદી અને ભાજપનો વિરોધ કરવાનું બંધ કરી દીધું હતું. ભાજપ સામેના વિપક્ષમાં તેઓ સૌથી ચાલાક છે. બાકીનો વિપક્ષ ભાજપને ભરપુર ફાયદો કરાવી રહ્યો છે, ત્યારે કેજરીવાલ ભાજપની ચાલને બરાબર પામી ગયા છે. તેઓ ભાજપનો વિરોધ કરીને ભાજપને જ ફાયદો કરાવવા માગતા નથી.
પરંતુ ભાજપને ભીંસમાં લેવાના બધા જ પ્રયાસો આ સમયગાળામાં તેઓ કરતા રહ્યા છે. ભાજપના નેતાઓ પણ મૂંઝાતા રહ્યા છે કે આમને ટ્રેપમાં કેવી રીતે લેવા. અરવિંદ ટ્રેપમાં આવતા નથી. તેમણે અસલી મુદ્દા જ ઉપાડ્યા છે. લોકોને દરેક મહોલ્લામાં આરોગ્યની સુવિધા મળે તેવું કરું, સ્ત્રીઓને બસમાં મફતમાં મુસાફરી કરાવો, વીજળી તમે 200 યુનિટ સુધી બાળો ત્યાં સુધી બીલ બહુ ઓછું મળશે, પીવાનું પાણી મળે તે માટે સરકાર કેટલી મથે છે તેની વાત જ કરો. આ મુદ્દાઓ એવા છે કે ભાજપ તેને પડકારી શકે તેમ નથી. પાકિસ્તાનના મુદ્દે પડકાર કરી શકાય, પણ ભઈ પાકિસ્તાનનું આપણે અહીં શું કામ છે. યુવાનોને નોકરી નથી મળતી તેની વાત કરોને – આમ આદમી પાર્ટી આવી વાત કરીને પણ ભાજપના નેતાઓને પાકિસ્તાન પાકિસ્તાન બરાડવાની તક આપતી નથી.
ભાજપ બહુ ભીંસમાં આવે ત્યારે કહેતો હોય છે કે પણ અમારી પાસે મોદી છે, તમારી પાસે કોણ? વિપક્ષ ગેંગેફેંફે થઈ જાય છે. આમ આદમી પાર્ટી કહે છે કે અમારી પાસે કેજરીવાલ છે, તમારી પાસે કોણ? હવે ભાજપના નેતાઓ ગેંગેફેંફે થઈ જાય છે. મનોજ તીવારીને મોટા ઉપાડે મોટા ભા કરવાની તૈયારી ભાજપે કરી હતી, પણ કેજરીવાલ સામે કોણનો જવાબ મનોજ તિવારીમાંથી મળ્યો નથી. તેથી કેજરીવાલ સામે કોણ તે જવાબ ભાજપમાંથી આવવાનો બાકી છે.
ભાજપની સરકારો હોય ત્યાં સરકારી તીજોરીના નાણાંનો બેફામ વેડફાટ કરીને નકરો પ્રચાર કરવામાં આવે છે. કેજરીવાલ અહીં પણ પાવરધા નીકળ્યા છે. તેમણે દિલ્હી સરકારની તીજોરીના કરોડો રૂપિયા પ્રચારમાં વાપરી નાખ્યા છે. તેમણે દિલ્હીના અખબારો અને ટીવીમાં એવી રીતે સરકારી કાર્યક્રમો અને જાહેરખબરો કરી છે કે તેમની ઇમેજ ચકચકિત થાય. દિલ્હી સરકારના માહિતી ખાતાનું, પ્રચારનું, વિજ્ઞાપનનું બજેટ તેમણે બખૂબી વાપર્યું છે અને આમ આદમી પાર્ટી અને કેજરીવાલની વાહવાહ માધ્યમોમાં થાય તેવું સુંદર કેમ્પેઇન કર્યું છે. વિપક્ષને એક પછી એક ઘણા રાજ્યોમાં સત્તા મળી છે. તે રાજ્યોમાં પણ સરકાર સરકારી તીજોરી કરોડો રૂપિયા જાહેરખબરોમાં વેડફી નાખે છે, પણ તે પ્રચારમાં દમ નહોતો નથી. તે પ્રચાર સરકારી લાગે છે. દાખલા તરીકે છત્તીસગઢના કોંગ્રેસના મુખ્ય પ્રધાન રાષ્ટ્રીય ટીવીમાં ચમક્યા કરે છે. સરકાર આદિવાસી નૃત્યોનો કાર્યક્રમ કરે છે વગેરે પ્રચાર થતો રહે છે. પણ તે પ્રચાર સરકારી પ્રચાર જ લાગે છે. માહિતી ખાતામય પ્રચારનો કોઈ ફાયદો થતો નથી.
બીજા દિવસે વધારે ડ્રામા કરવાની તક ભાજપે પણ આપી. ભાજપની પદ્ધતિ પ્રમાણે ડઝનબંધ અપક્ષોને કેજરીવાલની સામે ઊભા કરી દેવામાં આવ્યા છે. ભાજપ ભળતા નામ સાથેના અપક્ષોને ખડા કરી દઈને વિપક્ષની નેતાને મૂઝવતો હોય છે. શંકરસિંહ વાઘેલા સામે શંકર અને વાઘેલા આવતા હોય તેવા અપક્ષોને ઊભા કરી દેવાય. થયું એવું કે 60થી વધુ અપક્ષો ચૂંટણીનું ફોર્મ ભરવા માટે કચેરીએ પહોંચી ગયા હતા. મતદારો કરતાં મોટી ભીડ ઉમેદવારોની થઈ ગઈ હતી. સરકારી બાબુઓ મંદ ગતિએ કામ કરવા ટેવાયેલા છે. બપોરે ત્રણ વાગ્યા સુધીમાં આટલા બધા ફોર્મ સ્વીકારવાનું બાબુઓ માટે શક્ય નહોતું.
ઉમેદવારી પત્રકો પસાર થઈ જાય અને સામસામા ઉમેદવારો નક્કી થઈ ત્યાર પછી પ્રચાર ધમધમતો થશે. તે વખતે સમગ્ર ચૂંટણી વધારે નાટકીય બનશે તેમ લાગે છે. થોડી નાટકીય તો બની જ છે. ભાજપમાં આંતરિક હલચલ પણ ભારે મચી છે. કેજરીવાલ સામે ભાજપનો ચહેરો કયો તે નક્કી થઈ શક્યું નથી. તે જ રીતે કેજરીવાલની બેઠક પર તેમની સાથે ભાજપનો ઉમેદવાર કયો તેની પણ ભારે માથાકૂટ થઈ હતી.
અહેવાલો અનુસાર કેજરીવાલ સામે ભાજપના ઉમેદવારના મામલે ભાજપમાં ટ્રેજી-કોમેડી થઈ હતી. સુનીલ યાદવ નામના ઉમેદવાર નક્કી થયા હતા. તેઓ ફોર્મ ભરવાની તૈયારીમાં પણ હતા, ત્યાં ખબર આવ્યા કે તેમને બદલવાના છે. તેનું કારણ એ કે સુનીલ યાદવનું નામ નક્કી થયું ત્યારે એવી હવા ચાલી કે ભાજપે જાણે હાર સ્વીકારી લીધી છે. કેજરીવાલ સામે ભાજપને મજબૂત ઉમેદવાર જ મળતો નથી તેવી હવા ચાલી. એટલું જ નહિ સમગ્ર રીતે દિલ્હીમાં આપ સામે ભાજપે લડત પહેલાં જ હાર સ્વીકારી લીધી છે તેવી હવા ચાલી હતી.
તેથી મંગળવારે ઉમેદવારી કરવા જતા પહેલાં તેઓ છેલ્લે એક વાર રજૂઆત કરવા નડ્ડાને મળ્યા હતા. એવું પણ કહેવાય છે કે સુનીલ યાદવના નામની જાહેરાત થતા ભાજપના કાર્યકરોએ જ હતાશા વ્યક્ત કરી હતી. આવો નબળો ઉમેદવાર – એવો અફસોસ વ્યક્ત થવા લાગ્યો તેથી નડ્ડાએ જ યાદવને મંગળવારે સવારે જ બોલાવી લીધા હતા તેમ કહેવાય છે. તેમણે યાદવને અટકાવ્યા અને દિલ્હીના ભાજપ એકમના ભૂતપૂર્વ પ્રમુખ સતિષ ઉપાધ્યાયને પસંદ કર્યું. જોકે કેજરીવાલ સામે બલિનો બકરો બની જવા માટે છેલ્લી ઘડીએ તેઓ પણ તૈયાર નહોતા. તેમણે સ્પષ્ટ ના પાડી દીધી તેથી નડ્ડાએ દિલ્હીના પ્રભારી શ્યામ જાજુને કહ્યું કે તમે કેજરીવાલ સામે લડો. જાજુએ પણ કહ્યું કે કેજરીવાલ સામે પોતે લડવા માગતા નથી. આ રીતે છેવટે બપોરે યાદવને જ આખરે મેન્ડેટ આપી દેવો પડ્યો હતો.
દેશભરમાં જ્યાં પણ આપના કાર્યકરો હજી વધ્યા છે (બહુ મોટા પાયે કાર્યકરો મળ્યા પછી, તેમાં મોટું ગાબડું પણ પડ્યું હતું.) તેમને દિલ્હી બોલાવીને શેરીઓમાં પ્રચાર થઈ રહ્યો છે. સરકારી શાળાઓમાં શિક્ષકો ઉપરાંત નિષ્ણાતોને મોકલીને બાળકોને વધારે માર્ગદર્શનની રીત આપે અપવાની હતી. તે માટે તેમણે દેશભરમાં પોતાના જે કાર્યકરો હોય તેમને દિલ્હી બોલાવી, જુદી જુદી શાળામાં મોકલીને કાર્યક્રમો કરાવ્યા હતા. સરકારી શિક્ષકો કરતાં વધારે સારી રીતે આ નિષ્ણાતો ભણાવતા હતા. તેની સારી છાપ પડી હતી અને હવે તે જ નિષ્ણાતોને ફરી દિલ્હી બોલાવીને પ્રચારના કામે પણ લગાડાઈ રહ્યા છે એમ માનવામાં આવે છે.