ચંડીગઢઃ રસ્તાઓમાં ખાડાઓને કારણે મોટી-મોટી દુર્ઘટનાઓ થાય છે. આ ખાડાઓને કારણે દુર્ઘટનામાં વ્યક્તિનું મોત પણ થઈ જાય છે, પરંતુ જો કોઈ ખાડો મૃત વ્યક્તિને જીવન આપવાનું કારણ બને તો? નિશ્ચિત રીતે એને ચમત્કાર જ કહેવાય. હરિયાણામાં એક અનોખી ઘટના બની છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. રાજ્યમાં એક 80 વર્ષીય વ્યક્તિને રસ્તામાં ખાડાએ જીવતદાન આપ્યું છે. ડોક્ટરો દ્વારા તે વ્યક્તિને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો. દર્શન સિંહ બરાડના મૃતદેહને પટિયાલાથી કરનાલની પાસે ઘરે લઈ જવામાં આવતો હતો. જ્યાં તેમનાં સગાંસબંધીઓ એકત્ર થયા હતા. તેમના અંતિમ સંસ્કારની પૂરી તૈયારી કરી લેવામાં આવી હતી, પરંતુ રસ્તામાં તેમના મૃતદેહને જ્યારે એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવતે હતો, ત્યારે એમ્બ્યુલન્સ એક ખાડાથી અથડાઈ હતી. જેનાથી એમ્બ્યુલન્સ જોરથી હલી અને એ દરમ્યાન મૃત વ્યક્તિ જીવતી થઈ ગઈ હતી.
બરાડના પ્રપોત્રમાંના એક બલવાન સિંહે કહ્યું હતું કે 80 વર્ષીય બરાડની તબિયત કેટલાક દિવસોથી સારી નહોતી, જેથી તેમની સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમના દાદા ચાર દિવસથી વેન્ટિલેટર પર હતા અને એ પછી ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા, પણ ખાડાએ તેમને જીવતદાન આપ્યું.