દહીં મરચાંનું શાક

કોઈવાર કોઈ શાક ઘરમાં બનાવવા માટે ન હોય અને છતાં કળાકૂટ વગરનું સહેલી રીતથી બને એવું શાક જે તીખું, ચટપટું, સ્વાદિષ્ટ પણ હોય! તો તે છે લીલા મરચાંનું દહીંવાળું શાક!

સામગ્રીઃ

  • લીલા મોળા મરચાં 15-20 (વધુ તીખાશ જોઈતી હોય તો તીખાં મરચાં લેવા)
  • આખા ધાણા 2 ટી.સ્પૂન
  • વરિયાળી 2 ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ 2 ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર ½ ટી.સ્પૂન
  • સફેદ તલ 2 ટી.સ્પૂન
  • રાઈ ½ ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • દહીં 1 કપ
  • ચણાનો લોટ 1 ટે.સ્પૂન
  • તેલ વઘાર માટે 2 ટે.સ્પૂન

રીતઃ લીલા મરચાંને ધોઈ લીધા બાદ તેના ગોળાકર ટુકડા અથવા લાંબી ચીરીમાં કટ કરી લેવા.

ધાણા તેમજ વરિયાળીને અધકચરા વાટી લો.

એક કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ કરી રાઈ તેમજ જીરૂ તતડાવીને હિંગ તેમજ તલ ઉમેરી દો. હવે તેમાં સમારેલાં મરચાં ઉમેરીને 2 ચમચી જેટલું પાણી છાંટીને કઢાઈ ઢાંકીને ધીમે તાપે મરચાં થવા દો. 2 મિનિટ બાદ ફરીથી તેમાં 1 ચમચી ચણાનો લોટ મેળવીને 1 મિનિટ થવા દઈ તેમાં ફરીથી થોડું પાણી છાંટીને ઢાંકી દો. 2 મિનિટ બાદ તેમાં ધાણા તેમજ વરિયાળીનો ભૂકો, સ્વાદ મુજબ મીઠું, ધાણાજીરૂ, લાલ મરચાં પાઉડર તેમજ હળદર મેળવીને મિક્સ કરીને 2-3 મિનિટ સાંતળી લીધા બાદ દહીં મેળવી દો. દહીં મેળવી લીધા બાદ ઢાંકીને 4-5 મિનિટ થાય એટલે ગેસ બંધ કરીને મરચાં ઉતારી લો.

આ મરચાંનું દહીંવાળું શાક ગરમાગરમ રોટલી કે પરોઠા સાથે પીરસો.