મુંબઈઃ દેશની જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસમાં ઓક્ટોબર, 2024માં વધારો થયો છે, જેમાં ઓવરઓલ નિકાસ 10.23 ટકા વધીને રૂ. 25,194.41 કરોડ થઈ છે, જેમાં કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 12.39 ટકા વધીને રૂ. 11,795.83 કરોડ (રૂ. 10,495.06 કરોડ) થઈ છે, જ્યારે સોનાનાં ઘરેણાં (સાદાં અને જડતરવાળા)ની નિકાસ ઓક્ટોબર, 2024માં 9.83 ટકા વધીને રૂ. 9449.37 કરોડ (રૂ. 8603.33) કરોડ થઈ છે.
વૈશ્વિક બજારમાં પડાકરજનક અને અનિશ્ચિતતાની સ્થિતિમાં આ પણ નિકાસવધારો નોંધપાત્ર છે. નિકાસગ્રોથ પર ટિપ્પણી કરતાં GJEPCના ચેરમેન વિપુલ શાહે કહ્યું હતું કે આ અમારા ઉદ્યોગ માટે રાહતના સમાચાર છે. અમે ઓક્ટોબરમાં 9.18 ટકાના દરે નિકાસવૃદ્ધિનો અનુભવ કર્યો છે. કટ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં ઓક્ટોબર, 2023ની તુલનાએ 11.32 ટકાની નોંધપાત્ર વધારો થયો છે. અમને અપેક્ષા છે કે આવનારા સમયમાં –ખાસ કરીને ડિસેમ્બરના ક્રિસમસ દરમ્યાન પણ જેમ્સ અને જ્વેલરીની માગમાં વધારો થશે. આ સિવાય GJEPC હાલનાં બજારોમાં માગ મજબૂત રહેતાં નવાં બજારોમાં પણ વિસ્તરણ કરવા માટે નક્કર પ્રયાસો જારી રાખશે.
અમેરિકાની હાલની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ચૂંટાયા છે, જેથી અમે તેમના માટે આશાવાદી છીએ કે તેઓ અમેરિકી અર્થતંત્રને સ્થિર રાખવા અને મજબૂત કરવા માટે દૂરંદેશી પગલાં લેશે અને તેઓ વેપાર વ્યવસાય, સપ્લાય ચેઇનને મજબૂત કરવા અને જેમ્સ અને જ્વેલરીની વૈશ્વિક માગ વધારવા માટે પ્રોત્સાહક પગલાં ભરશે, એમ તેમણે કહ્યું હતું.
ચાલુ વર્ષે ઓક્ટોબર, 2024માં સોનાનાં આભૂષણો (સાદાં અને જડેલાં)ની નિકાસ ઓક્ટોબર, 2023ના રૂ. 8603.33 કરોડની તુલનાએ 9.83 ટકા વધી રૂ. 9449.37 કરોડ થઈ હતી. આ વધારો વૈશ્વિક બજારોમાં ભારતીય સોનનાં આભૂષણોની મજબૂત માગ દર્શાવે છે.
એપ્રિલ, 2024થી ઓક્ટોબર, 2024ના સમયગાળામાં નિકાસ
જેમ્સ અને જ્વેલરીની એપ્રિલ, 2024થી ઓક્ટોબર, 2024ના સમયગાળા માટેની નિકાસ ગયા વર્ષના રૂ. 1,50,649.43 કરોડની તુલનાએ 7.89 ટકા ઘટીને રૂ. 1,38,757.7 કરોડ થઈ હતી, જ્યારે સમાન સમયગાળા માટે કટ અને પોલિશ્ડ હીરાની કુલ નિકાસ પાછલા વર્ષના રૂ. 82,238.07 કરોડથી 15.42 ટકા ઘટીને રૂ. 69,558.49 કરોડ થઈ હતી.