પિઝાના સ્વાદવાળા ક્રિસ્પી ચીઝી પાઉં ઘરે જ ઓવન વગર કઢાઈમાં બની શકે છે! બને પણ છે ઝટપટ!
સામગ્રીઃ
- કાંદો 1
- ટામેટું 1
- સિમલા મરચું 1
- લીલું મરચું 1
- બાફેલા કોર્ન ½ કપ
- પનીર નાના ટુકડામાં સમારેલું ½ કપ
- ઓરેગેનો પાઉડર 2 ટે.સ્પૂન
- રેડ ચિલી ફ્લેક્સ 2 ટે.સ્પૂન
- કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
- મીઠું સ્વાદ મુજબ
- મોઝરેલા ચીઝ 1 કપ
- ચીઝ સ્લાઈસ 3-4
- ટોમેટો કેચ-અપ 2 ટે.સ્પૂન
- ચાટ મસાલો ½ ટી.સ્પૂન
- પિઝા સોસ
- પાઉં 6
- ઝીણી સમારેલી કોથમીર ½ કપ
ગાર્લિક બટરઃ
- ઓગાળેલું માખણ 1 કપ
- ઝીણું સમારેલું લસણ 3 ટે. સ્પૂન
- ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન
- ઝીણી સમારેલી કોથમીર 1 ટે.સ્પૂન
રીતઃ કાંદો, ટામેટું, સિમલા મરચું, લીલું મરચું વગેરે ઝીણાં ચોરસ ટુકડામાં સમારી લો. ચીઝ ક્યુબને ખમણી લો. આ દરેક સામગ્રી એક મોટા બાઉલમાં લઈ તેમાં ઓરેગેનો પાઉડર, રેડ ચિલી ફ્લેક્સ, કાળા મરી પાઉડર, મીઠું સ્વાદ મુજબ, ટોમેટો કેચ-અપ, ચાટ મસાલો વગેરે મિક્સ કરી લો.
એક સ્ટીલની ડિશને એલ્યુમિનિયમ ફોઈલ કવર કરીને તેની ઉપર માખણ અથવા તેલ કે ઘી ચોપડી લો.
એક કઢાઈમાં 1 કપ જેટલું ખાવાનું મીઠું પાથરી ઉપર વાસણ મૂકવાનું સ્ટીલનું સ્ટેન્ડ મૂકીને, ઢાંકીને આ કઢાઈને ગેસની મધ્યમ તેજ આંચે 10 મિનિટ માટે ગરમ થવા દો.
ગાર્લિક બટર બનાવવા માટે બટર ઓગાળીને તેમાં સમારેલી કોથમીર, ઝીણું સમારેલું લસણ તેમજ ચિલી ફ્લેક્સ ઉમેરો.
પાઉંની આખી લાદી (6 પાઉં) લઈ તેને ચપ્પૂ વડે વચ્ચેથી બે ભાગમાં કટ કરી લો. પાઉંના નીચેના ભાગમાં પહેલાં ગાર્લિક બટર ચોપડી લો. ત્યારબાદ પિઝા સોસ લગાડીને તેને એલ્યુમિનિયમ ફોઈલવાળી ડિશમાં ગોઠવીને ઉપર મોઝરેલા ચીઝ ભભરાવી દીધા બાદ ઉપર તૈયાર કરેલો વેજીટેબલ મસાલો મૂકીને ચિલી ફ્લેક્સ તેમજ ઓરેગેનો ભભરાવી દો. હવે તેની ઉપર થોડું મોઝરેલા ચીઝ ભભરાવીને ફરીથી ઉપર ચીઝ સ્લાઈસ ગોઠવીને પાઉંનો બીજો ભાગ ગોઠવી દો. (ચીઝ જોઈતા પ્રમાણમાં ઓછું પણ લઈ શકાય) પાઉંની ઉપર ગાર્લિક બટર ચોપડી દો. આ ડિશને ગરમ કઢાઈમાં સ્ટેન્ડ ઉપર ગોઠવીને કઢાઈ ઢાંકી દો અને ગેસની ધીમી આંચે 15-20 મિનિટ થવા દો.
15 મિનિટ બાદ ચેક કરી જુઓ. જો પાઉંની અંદર ચીઝ ઓગળ્યું હોય તો ગેસ બંધ કરીને કઢાઈ નીચે ઉતારી લો. તૈયાર ક્રિસ્પી ચીઝી પાઉં ભાવતા સોસ સાથે પીરસો.