પવનની દિશા બદલાતા ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતવાસીઓને દાંત કકડાવતી ઠંડી માટે રહેવું પડશે તૈયાર. રાજ્ય પર આવતા પવનની દિશા બદલાતા ઉત્તર-પશ્ચિમથી ઉત્તરના પવનો શરૂ થયા છે. બર્ફીલા પવનો ફૂંકાતા રાજ્યના વિવિધ જિલ્લાનું લઘુતમ તાપમાન 5 ડિગ્રી જેટલું ગગડ્યું છે. હવામાન વિભાગે પણ આગામી 3 દિવસ ઠંડીમાં ક્રમશ વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે. એટલે કે, જાન્યુઆરી માસમાં ભુક્કા બોલાવતી ઠંડીનો ચમકારો અનુભવાશે. જેને પગલે છેલ્લા 24 કલાકથી જ તાપમાનમાં ઘટાડો થવાની શરૂઆત થઈ છે.

હવામાન વિભાગ દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી હતી કે, 5 જાન્યુઆરીથી રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. મોટાભાગના જિલ્લાઓના લઘુતમ તાપમાનમાં 24 જ કલાકમાં એક ડિગ્રીથી લઈને પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો આવ્યો છે. ગત રાત્રીથી જ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ઠંડીનો ચમકાર દેખાવાનું શરૂ થઈ ચૂક્યો છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત મળી હતી. ત્યારે ફરી એક વખત હાથ થીજવતી ઠંડીની શરૂઆત થવા જઈ રહી છે. સુરતમાં રવિવારે દિવસના તાપમાનમાં એક જ દિવસમાં 5.6 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળ્યો હતો, જેને પગલે બપોરે ગરમીનું મહદંશે જોર ઘટી ગયું હતું. આ ઉપરાંત આગામી ત્રણ દિવસમાં રાત્રિનું તાપમાન 3થી 5 ડિગ્રી સુધી ગગડી 13 ડિગ્રી થવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયામાં 6.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અન્ય ચાર મહાનગરોમાં પણ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગત રાત્રિ દરમિયાન રાજકોટનું લઘુતમ તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 14.2 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 16.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.