આ લીલા રંગનું શાક જોતાં જ મોંઢામાં પાણી આવી જાય છે! સ્વાદમાં તો લાજવાબ બને છે. જો ફરાળી બનાવવું હોય તો તેમાંથી હીંગ તથા લસણની બાદબાકી કરવી.
સામગ્રીઃ
- બટેટા 6
- શેકેલા શીંગદાણાનો અધકચરો ભૂકો 1 કપ
- લીંબુનો રસ 2 ટે.સ્પૂન
- લીલું લસણ 15 કળી અથવા સૂકા લસણની કળી 10-12
- તીખાં લીલા મરચાં 6
- 2-3 ચપટી હીંગ
- સ્વાદ મુજબ મીઠું (ફરાળી શાક માટે સિંધવ મીઠું લેવું)
- આદુનો ટુકડો 2 ઈંચ
- કળીપત્તાના પાન 15-20
- જીરૂ 1½ ટે.સ્પૂન,
- ચીલી ફ્લેક્સ 1 ટે.સ્પૂન
- કોથમીર ધોઈને સમારેલી 1 કપ
- ફુદીનાના ધોયેલા પાન 1 કપ
- તેલ વઘાર માટે
રીતઃ બટેટાને કૂકરમાં થોડું પાણી નાખીને 4 સીટી કરીને બાફી લો.
મિક્સીમાં 1 ટે.સ્પૂન જેટલું જીરૂ લઈ તેમાં 10-15 જેટલાં કળીપત્તાના પાન, આદુના ટુકડા, લીલા મરચાં તેમજ લસણની કળી ઉમેરીને પેસ્ટ વાટી લો.
એક કઢાઈમાં 2 ટે.સ્પૂન તેલ ગરમ કરી જીરૂ તતડાવો. ત્યારબાદ હીંગનો વઘાર કરી 1 મિનિટ બાદ વાટેલી પેસ્ટ ઉમેરીને મિક્સી જારમાં થોડું પાણી નાખીને ઉમેરી દો અને 2 મિનિટ સાંતળો. ગેસની આંચ ધીમી કરી લો. તેમાંનું તેલ છૂટું પડે એટલે ફરીથી 2 ટે.સ્પૂન જેટલું પાણી ઉમેરીને થવા દો, ફરીથી તેલ છૂટું પડે એટલે તેમાં બાફેલા બટેટાને સમારીને અથવા તોડીને ભૂકો કરીને ઉમેરી દો. ત્યારબાદ શીંગદાણાનો ભૂકો ઉમેરો. તેમાં સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ તેમજ સાકર ભભરાવીને ઝારા અથવા તવેથા વડે મિક્સ કરો. કઢાઈ ઢાંકીને ગેસની ધીમી આંચે 4-5 મિનિટ થવા દો. જો શાક થોડું વધુ કડક રીતે શેકાયેલું જોઈતું હોય તો વધુ વખત સુધી રહેવા દો. પરંતુ થોડી થોડી વારે શાકને તવેથાથી ચારવતા રહો.
ગરમાગરમ શાક પુરી અથવા પરોઠા કે ફુલકા રોટલી સાથે પીરસો.