દ્વારકામાં બસનો અકસ્માત, 20 મુસાફર ઈજાગ્રસ્ત

ગુજરાતમાં દિવસેને દિવસે રોડ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. આજે ફરી એક વખત ગોજારા અકસ્માતે કેટલાકના પ્રિયજનોને હોસ્પિટલના ખાટલા ભેગા કરી દીધા હતા. અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો ગત મોડીરાત્રે એક ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા. એ દરમિયાન આજે દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જતા સમયે એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દ્વારકાથી અંદાજે 15 કિલોમીટર દૂર કુરંગા ચોકડી નજીક અંદાજે સાડાનવેક વાગ્યાના સમયે સી.એન.જી. પંપ પાસેથી પસાર થતા સમયે અકસ્માતની ઘટના બની હતી. કુરંગા ચોકડીના ભયજનક વળાંકમાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં ખાનગી લકઝરી બસ રોડની એક તરફ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં જઈ રહેલા મુસાફરો પૈકી આશરે 15થી 20 જેટલા મુસાફરને નાની-મોટી ઈજાઓ થઇ હતી. જેઓને ઈમર્જન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે દ્વારકાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 4થી 5 લોકોને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના આ બનાવથી લોકોમાં ભય સાથે દોડધામનો માહોલ પ્રસરી જવા પામ્યો હતો.