બજેટ માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને હવે માત્ર તે જાહેર થાય તેવી રાહ છે. બજેટમાં ક્રાંતિકારી ફેરફારો કરવાની તક દર વખતે હોતી નથી, તેથી નાના મોટા ફેરફારો જ તેમાં થતા રહેતા હોય છે, પણ દર વખતે કેટલીક બાબતો પર સૌની નજર વધારે હોય છે. આ વખતે પણ કેટલીક બાબતો પર સૌની વધારે નજર છે. મુખ્ય એક મુદ્દો સૌથી વધારે ચર્ચાઈ રહ્યો છે કે સરકાર એવું શું કરશે કે લોકોના હાથમાં થોડા પૈસા વધારે બચે. લોકોના હાથમાં પૈસા બચે તો તેને ખર્ચ કરવાનું મન થાય અને ખર્ચ કરે તો બજારમાં પૈસો ફરતો થાય અને અર્થતંત્ર નીચે જતું અટકે.
અર્થશાસ્ત્રીઓ તેને પોતાની ભાષામાં સપ્લાય સાઇડ અને ડિમાન્ડ સાઇડ કહે છે. માગ અને પુરવઠો એ બે મુખ્ય બાબત હોય છે. અર્થતંત્રમાં ઉત્પાદનનો પુરવઠો વધે તે માટે પ્રયાસો થઈ શકે અથવા માગ વધે તે માટે પ્રયાસો થઈ શકે. અત્યારે મુશ્કેલી એ થઈ શકે છે કે લોકોની માગ ઘટી છે. એટલે કે ડિમાન્ડ સાઇડની મુશ્કેલી છે. ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો, ખેતમજૂરોની આવક ઉલટાની ઘટી છે. તેથી તેઓ ઓછી વસ્તુઓ ખરીદે છે અને તેથી ઉદ્યોગોનું વેચાણ ઘટે છે. આ સુસ્તીમાંથી બહાર આવવા લોકોમાં માગ વધે તેવું કરવું પડે.
માગ વધારવા લોકોના હાથમાં પૈસા રહે તેવું કરવું પડે. સીધો અર્થ થાય ટેક્સ ઘટાડવો. ત્રણેક પ્રકારના ટેક્સ ઘટાડવા માટેની આશા રાખીને નિષ્ણાતો બેઠા છે. ગુજરાતીઓને આમાં વધુ રસ પડે તેવું છે, કેમ કે ત્રણેય બાબતોની સીધી અસર ગુજરાતીઓને થાય. આમ તો બધાને થાય, પણ ગુજરાતીઓને વધારે થાય કેમ કે શેરબજાર સાથે બે બાબતોને સંબંધ છે. એક જ છે ઇન્કમ ટેક્સના સ્લેબમાં વધારો. તેનો ફાયદો બધાને થાય, ગુજરાતીઓને પણ થાય. તે પછીની બે બાબતો છે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન અને ડિવિડન્ટ ડિસ્ટ્રિબ્યુશન ટેક્સ. આ બંને બાબતો શેર બજાર સાથે જોડાયેલી છે.
લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન એટલે કે લાંબા ગાળાના મૂડી ફાયદા પર ટેક્સ લેવામાં આવે છે. શેરમાં રોકાણ કર્યું હોય અને વર્ષ દરમિયાન લે વેચ કરી હોય તેમાંથી નફો થાય તો કેપિટલ ગેઈન ભરવો પડે. એક જ વર્ષમાં શેરમાં એક લાખ રૂપિયાથી વધારેનો નફો થાય તો 10 ટકા કેપિટલ ગેઈન લાગે.
લાંબો સમય તેમ ચાલ્યું, પરંતુ અરુણ જેટલીએ 2017-18માં ફરીથી કેપિટલ ગેઈન ટેક્સ લાગુ કર્યો. એક વર્ષમાં શેરના કામકાજમાં એક લાખથી વધુની આવક પર 10 ટકા ટેક્સ લાગતો થયો છે. આમ તો દલીલ એવી છે કે શેરનું કામકાજ કરીને કમાતા હોય તેના પર ટેક્સ લેવો જોઈએ, પણ તેની સામે બજારમાં તરલતા ઓછી થઈ જાય છે. બજારમાં તરલતા રહે તો બધા રોકાણકારોને ફાયદો હોય છે. તેથી એવી દલીલ કરનારા કહેતા હોય છે કે આ ટેક્સ ના લો. એવી માગણી થઈ રહી છે કે તેને નાબુદ કરવો જોઈએ. સાવ નાબુદ ના કરી શકાય, કેમ કે બાકીના લોકોનો વિરોધ થાય, તેથી ટેક્સનો દર ઓછો કરવાની પણ માગણી છે. આ માગણી નિર્મલા સિતારમણ માન્ય રાખશે તેવી આશા છે. 10 ટકાના બદલે પાંચથી સાત ટકા જ ટેક્સ લેવામાં આવે તેવી માગણી શેરબજારના વેપારીઓ તરફથી મૂકવામાં આવી છે. બીજી માગણી એ છે કે કેટલા સમયમાં શેર વેચવામાં આવે તો શોર્ટ ટર્મ અને કેટલા સમયે વેચવામાં આવે તો લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ગણવો, તેમાં ફેરફારની માગણી પણ છે. જોવાનું એ રહે છે કે મુદતમાં ફેરફાર થાય છે કે વેરાના દરમાં.
તેથી લાંબા સમયની માગણી પ્રમાણે પાંચ લાખનો પ્રથમ સ્લેબ કરવાની આશા ઘણાને છે. ફુગાવા પ્રમાણે આટલી આવક ઘણાની થઈ ગઈ છે, પણ સામે ખર્ચા વધ્યા છે. બાળકોને ભણાવવાથી માંડીને આરોગ્યના ખર્ચા વધ્યા છે, સામે વેરામાં રાહત મળતી નથી. બીજું, પ્રથમ પાંચ ટકાના સ્લેબ પછી સીધો 20 ટકાનો સ્લેબ આવે છે. 10 ટકાની આવક પછી સીધો 20 ટકાનો સ્લેબ આવે છે.
મૂળ માગણી પેલી છે કે લોકોના હાથમાં પૈસા રહે તેવું કરો. આવક વેરામાં ફેરફારથી સીધી અસર થાય. જેટલો વેરો ઓછો થાય તેટલી આવક લોકોના હાથમાં રહે અને આ મધ્યમ મધ્યમ વર્ગ હોવાથી તેમના દ્વારા પૈસા વપરાવાની શક્યતા વધારે. પાંચ દસ કરોડની આવકવાળાને થોડો ઓછો ટેક્સ ભરવો પડે તેનાથી ખર્ચમાં વધઘટ ના થાય, માત્ર રોકાણમાં અસર થાય. મધ્યમ વર્ગ માટે રોકાણ કરતાં ખર્ચની શક્યતા વધારે હોય છે. તે સિવાયનું પગલું ગ્રામીણ વિસ્તારમાં ખેડૂત, ખેતમજૂરના હાથમાં વધારે પૈસા પહોંચે તે માટેનું છે, પણ તે કેવી રીતે થશે તે સ્પષ્ટ નથી. મનરેગા જેવી યોજનામાં ફાળવણી વધારવી, ટેકાના ભાવ માટે વધારે ફાળવણી કરવી, ખેડૂતોની છ હજારની સીધી સહાય થાય છે તેમાં વધારો કરવો વગેરે પગલાં લેવાઈ શકે છે. પણ તેની ચર્ચા અલગથી થઈ રહી છે અને તેમાં જુદી જુદી માગણી છે.