બ્રહ્માકુમારી: બુદ્ધિ દ્વારા મને યાદ કરો જન્મ જન્માંતરના પાપ નાશ થશે

બ્રહ્માબાબાના તનમાં શિવબાબાનો નિવાસ હોવાથી બંનેને અલગ અલગ ઓળખવા અસંભવ હતા. બ્રહ્માબાબાની આંખો રૂપી બારીઓથી શિવ બાબા આત્માઓને મળતા. બ્રહ્માબાબાના હાથો દ્વારા શિવ બાબા જ આત્માઓને મીઠે બચ્ચે, પ્યારે બચ્ચે, લાડલે બચ્ચે કહીને પ્યાર કરતા. યોગ તપસ્યાએ બાબાના તનને પૃથ્વી પર જ આનંદદાઈ બનાવી દીધો હતો. પવિત્રતા, દિવ્યતા તથા નમ્રતા તેમનામાં દેખાતી હતી. તેમના શીતળ અંગોનો સ્પર્શ થતા જ જન્મ- જન્મથી વિકાર અગ્નિમાં સળગતી આત્મા શીતલ સ્વરૂપ બની જતી હતી.

બાબા જ્યારે પણ બાળકોને મળતા ત્યારે પોતાના પિતા તરીકેના સ્નેહ થી દિલ જીતી લેતા. તેઓ કહેતા કોઈપણ જાતની તકલીફમાં ન રહેતા. બાબા કહે છે કે નિરંતર શિવબાબાને યાદ કરો. શિવબાબા ન તો કોઈ ઉપવાસ કે પ્રાણાયામ કરવાનું કષ્ટ આપે છે કે ન તો કોઈ એક વિશેષ આસન પર હઠથી બેસવાનું કહે છે, તેઓ તો બસ એટલું જ કહે છે કે બુદ્ધિ દ્વારા મને યાદ કરો તો જન્મ જન્મંતરના પાપ નાશ થશે તથા ખુશીનો પારો ચઢશે.

બાબા કહેતા કે અચ્છા બચ્ચે અતિ પ્રિય શિવ બાબાની યાદમાં બેસો. અશરીરી બની જાઓ મને બુદ્ધિને પરમધામમાં લઈ જાઓ. દિવસ દરમિયાન આજ અભ્યાસ કરતા રહો કે જેથી અવસ્થા મજબૂત બની જાય. બસ એક જ ધૂન લાગી રહે કે હું આત્મા છું, પરમધામથી આ સૃષ્ટિ રૂપે રંગ મંચ પર પાર્ટ બજાવવા માટે આવી છું. આ સૃષ્ટિનું નાટક હવે પૂરું થવા આવ્યું છે. મારે પરમધામ પાછા ઘેર જવાનું છે. બુદ્ધિને શિવબાબાની પાસે લઈ જાવ. તમે બેઠા તો ધરતી પર છો પરંતુ તમારી બુદ્ધિ હંમેશા પરમધામમાં રહે છે. પ્યારે બાબાનું આ બોલતાજ તમામ બ્રહ્માવત્સ શિવબાબાની યાદ દ્વારા આત્મામાં લાઈટ માઈટ ભરવા માટે લાગી જતા તથા શિવબાબા દ્વારા દિવ્ય સુખનો ભરપૂર ખજાનો લૂંટતા. પિતાના પ્રેમમાં ભાવ- વિભોર થઈને પ્યાર નો ઊંડો અનુભવ કરી દિવ્ય મસ્તીમાં મસ્ત બની જતા. પ્યારે બાબા પણ દરરોજ વહેલી સવારે અમૃતવેલા શિવબાબાની યાદનો ઊંડો અભ્યાસ કરતા. તેમના રૂમની પાસેથી પસાર થતા વત્સો ના અંગ અંગ ઉપર તેમના દ્વારા નીકળતા કિરણો પ્રભાવ પાડતા.


બ્રહ્માબાબા આખા દિવસ દરમિયાન શિવબાબાની યાદમાં રહીનેજ બ્રહ્માવત્સો સાથે નેત્ર મિલન કરતા. પ્રેરણા આપતા. તેઓ ભંડારા (રસોઈ ઘર) માં જતા અને કહેતા – બાળકો, શિવબાબાની યાદમાં ભોજન બનાવશો તો તેમાં શક્તિ આવી જશે. હંમેશા યાદ રાખજો આ ભંડારો શિવ બાબાનો છે. તેમને ભોગ લગાવવા માટે આપણે ભોજન બનાવી રહ્યા છીએ. ધોબી ઘાટ પર જઈને બાબા કહેતા – ‘ પ્યારે શિવ બાબા તો બેહદના ધોબી છે. તેઓ આત્માઓને જ્ઞાન તથા યોગથી પાવન બનાવે છે. પ્યારે બાબા બાળકોને ફરવા લઈ જતા ક્યારે પણ યાદ અપાવતા અને કહેતા તે આ યાત્રાની સાથે સાથે પરમધામની યાત્રા પણ કરતા રહેજો. બ્રહ્માબાબા ખૂબ રમણીક હતા. ઉમંગ, પ્રેમ તથા રૂહાનીયત સાથે બધા કામ પૂરા કરતા.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)