મન્ના ડે બન્યા રાજજીનો બીજો અવાજ

ફિલ્મ ‘ચોરી ચોરી’ રાજ કપૂર અને નરગીસની જોડીની છેલ્લી ફિલ્મ તરીકે યાદ કરવામાં આવે છે પણ બીજી એક મહત્વની યાદ આ ફિલ્મ સાથે જોડાયેલી છે. ‘ચોરી ચોરી’ ના ગીતોથી મન્ના ડે રાજ કપૂરનો બીજો લોકપ્રિય અવાજ બન્યા હતા. ખુદ રાજ કપૂરે એમની ભલામણ કરી હતી. નિર્દેશક અનંત ઠાકુરે ફિલ્મનું નિર્માણ શરૂ કર્યું ત્યારે એમને કલ્પના નહીં હોય કે ‘ચોરી ચોરી’ (૧૯૫૬) પછી પડદા પરની સૌથી રોમેન્ટિક ગણાતી રાજ-નરગીસની જોડી તૂટી જશે. અને મુકેશના બદલે મન્ના ડેના સ્વરમાં પણ રાજ કપૂરના ગીતો લોકપ્રિય બનશે. તેમણે શંકર- જયકિશનને સંગીતની જવાબદારી સોંપી હતી. આ જોડીએ ગીતકાર શૈલેન્દ્ર અને હસરત જયપુરી સાથે જહાં મેં જાતી હૂં, રસિક બલમા, પંછી બનૂં ઉડતી ફિરું, આજા સનમ મધુર ચાંદની મેં… વગેરે નવ ગીતોની ધૂન તૈયાર કરી દીધી. ખરી સમસ્યા ગાયકોની પસંદગી વખતે આવી. મહિલા સ્વર માટે લતા મંગેશકર નક્કી હતા.

એ જ રીતે રાજ કપૂર હોવાથી મુકેશનું નામ નક્કી જ રહેતું. રાજજી જ્યારે પડદા પર મુકેશના અવાજમાં હોઠ ફફડાવતા ત્યારે અસલી જ લાગતું હતું. ‘ચોરી ચોરી’ ના ગીતો માટે જ્યારે મુકેશને કહેવામાં આવ્યું ત્યારે તેમણે અતિ વ્યસ્તતાને કારણે અસમર્થતા જાહેર કરી. શંકર – જયકિશને શાસ્ત્રીય રાગ આધારિત ગીતો તૈયાર કર્યા હતા. એ માટે લતા મંગેશકર સાથે મજબૂત પુરુષ અવાજની જરૂર હતી. અને એમણે મન્ના ડેને પસંદ કર્યા. કેમકે આ અગાઉ તેમના માટે શાસ્ત્રીય રાગ આધારિત ગીતો તે ગાઇ ચૂક્યા હતા. અને રાજજી માટે ‘આવારા’ વગેરેમાં ક્યારેક ગાયું હતું. રાજજીએ મન્ના ડે માટે સંમતિ આપી દીધી. એ પછી જ્યારે ગીતોનું રેકોર્ડિંગ શરૂ થયું ત્યારે ફરી સમસ્યા ઉભી થઇ.

ફિલ્મની વિતરક કંપની એ.વી.એમ. પ્રોડક્શનના માલિક એ.વી. મયપ્પનને આ વાતની ખબર પડી ત્યારે તેમણે જઇને રેકોર્ડિંગ અટકાવી દીધું. તે રાજ કપૂર માટે મુકેશનો અવાજ લેવાના પક્ષમાં હતા. ગાયક મન્ના ડેએ એક મુલાકાતમાં આ કિસ્સો સંભળાવ્યો છે. ‘ચોરી ચોરી’ ના ‘યે રાત ભીગી ભીગી…’ ગીતનું રેકોર્ડિંગ આર.કે. સ્ટુડિયોમાં ચાલતું હતું ત્યારે શંકર – જયકિશન, શૈલેન્દ્ર, મન્ના ડે, રાજ કપૂર અને લતા મંગેશકર હાજર હતા. ત્યાં આવીને એ.વી. મયપ્પને પહેલો જ સવાલ પૂછ્યો:”મુકેશ ક્યાં છે?” ત્યારે એમને કહેવામાં આવ્યું કે મન્ના ડે સ્વર આપી રહ્યા છે. તેમણે મોટા અવાજે કહ્યું કે મારે મુકેશનો જ અવાજ જોઇએ છે. તેમનું માનવું હતું કે પડદા પર મુકેશનો અવાજ જ રાજ પર શોભી શકે એવો છે.

શંકરજી અને રાજજીએ એક કલાક સુધી એમને સમજાવ્યા. તે સમજતા ન હતા ત્યારે રાજ કપૂરે પોતાનો છેલ્લો નિર્ણય સંભળાવીને કહી દીધું કે મન્ના ડેના અવાજમાં ગીત રેકોર્ડ થઇ જવા દો. જો તમને એ પસંદ નહીં આવે તો હું મારા ખર્ચે મુકેશના અવાજમાં ફરી રેકોર્ડ કરાવીશ. અને મન્ના ડેએ ‘યે રાત ભીગી ભીગી…’ ગીત ગાયું અને એને સાંભળીને મયપ્પન એટલા ખુશ થઇ ગયા કે ભેટી પડ્યા. મન્ના ડેએ ફિલ્મના અન્ય રાજ કપૂર માટેના ગીતો’ આજા સનમ’ અને ‘જહાં મેં જાતી હૂં’ પણ લતાજી સાથે ગાયા હતા. ફિલ્મનું એક જ ગીત ‘સવા લાખ કી લોટરી’ મોહમ્મદ રફીએ લતાજી સાથે ગાયું હતું. તે ભગવાન પર ફિલ્માવવામાં આવ્યું હતું.

રાકેશ ઠક્કર (વાપી)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]