અનિલ કપૂરના એ બાર વર્ષ

અનિલ કપૂરને હીરો તરીકેની પહેલી ફિલ્મ ‘વો સાત દિન’ (૧૯૮૩) થી સફળતા મળી હતી. પરંતુ એ પહેલાંના બાર વર્ષ સુધી સતત સંઘર્ષ કરવો પડ્યો હતો. અનિલ સમજણો થયો ત્યારથી જ અભિનયમાં જવાનું ધ્યેય હતું. એ માટે તેણે અનેક વખત નિષ્ફળતાનો સામનો કર્યો હતો. અભિનયના શોખને લીધે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કર્યો ત્યારે તેની પ્રવેશની લેખિત પરીક્ષામાં નાપાસ થયો હતો. આ કારણે અનિલે ઇન્સ્ટીટ્યુટના નિર્દેશક ગિરિશ કર્નાડ સાથે ઝઘડો કર્યો હતો અને પ્રવેશ માટે પગે પણ પડ્યો હતો. ત્યારે અનિલ દુ:ખી થઇને આખી રાત રડ્યો હતો. તેને લાગતું હતું કે હવે તે ક્યારેય અભિનેતા બની શકશે નહીં. પછી અભિનયની ધૂનને કારણે ઉત્સાહથી વર્ષો સુધી સંઘર્ષ કર્યો.

અનિલને પહેલી વખત ફિલ્મ ‘તૂ પાયલ મેં ગીત'(૧૯૭૦) માં યુવાન શશી કપૂરની બાળ કલાકારની ભૂમિકા મળી હતી. એ વાતથી એટલો ખુશ હતો કે પહેલા દિવસના શુટિંગ વખતનો મેકઅપ રહેવા દીધો હતો. તેણે પરિવારને પણ શુટિંગ કર્યા પછી ઘરે જઇને જાણ કરી હતી કે અભિનયની તક મળી છે. કેમકે તેના પિતા એ અભિનયમાં જાય એવું ઇચ્છતા ન હતા. એટલું જ નહીં એ મેકઅપ આખી રાત રહેવા દઇને સવારે સ્કૂલમાં ગયો હતો અને પોતે ફિલ્મમાં અભિનય કરી રહ્યો છે એવો વટ પાડ્યો હતો. એ ભૂમિકા માટે અનિલે સિતાર વગાડવાની હતી. સિતાર શિખવા માટે તે ચેમ્બુરથી ત્રણ બસ બદલીને બાન્દ્રાની ખાડી પાસે એક જગ્યાએ જતો હતો. અનિલની કમનસીબી એવી રહી કે એ ફિલ્મ બંધ પડી ગઇ અને ક્યારેય રજૂ ના થઇ. વર્ષો પછી તેને ‘હમારે તુમ્હારે'(૧૯૭૯) અને ‘એક બાર કહો’ માં ઉલ્લેખનીય કહી શકાય એવી નાની ભૂમિકા મળી.

અનિલને સુભાષ ઘઇની ફિલ્મમાં કામ કરવાનું ગાંડપણ હતું. તે ઘઇની ફિલ્મનું શુટિંગ ચાલતું હોય ત્યાં એમની નજરમાં આવવા આંટા મારતો રહેતો હતો. ઘઇએ ‘ક્રોધ'(૧૯૮૧) બનાવવાનું નક્કી કર્યું ત્યારે અનિલે સ્ક્રીન ટેસ્ટ આપ્યો પણ પાસ ના થયો અને એ ભૂમિકા સચિનને મળી હતી. પાછળથી એ જ સુભાષ ઘઇ સાથે તેણે અનેક હિટ ફિલ્મો આપી! હિન્દી ફિલ્મોમાં સારી તક ના મળતાં નિર્દેશક બાપુની તેલુગુ ફિલ્મ ‘વામ્સા વૃક્ષમ'(૧૯૮૦) મેળવી. દરમ્યાનમાં તે અભિનયનો કોર્ષ કરીને કામ શોધવા લાગ્યો હતો. પિતાજીની ફિલ્મ ‘હમ પાંચ'(૧૯૮૧) માં નાની ભૂમિકા કરવા સાથે પ્રોડક્શન કંટ્રોલર તરીકે જોડાઇ ગયો હતો. એમાં તેણે કલાકારોને એરપોર્ટ પરથી લાવવાનું, એમને ઉઠાડવાનું, ફિલ્મના શુટિંગ દરમ્યાન ચા-નાસ્તાની વ્યવસ્થા સંભાળવાનું જેવા કામ કર્યા. તેણે એમ. સત્યુની ‘કહાં કહાં સે ગુજર ગયા'(૧૯૮૨) માં કામ કર્યું અને ‘શક્તિ’ (૧૯૮૨) માં મહેમાન ભૂમિકા ભજવી.

દરમ્યાનમાં નિર્દેશક મણિરત્નમની પહેલી કન્નડ ફિલ્મ ‘પલ્લવી અનુપલ્લવી’ (૧૯૮૩) માં હીરો તરીકે મોટી તક મળી. એ સમયમાં નિર્દેશક કે.ભાગ્યરાજે તેમની તમિલ ફિલ્મ ‘અંધા સાત નાટકલ’ ને હિન્દીમાં બનાવવાનો પ્રસ્તાવ તેના પિતા સુરિન્દર કપૂરને આપ્યો. ત્યારે એની સ્ક્રિપ્ટ ખરીદવાના રૂપિયા એમની પાસે ન હતા. પણ સંજીવકુમાર અને શબાના આઝમી જેવા મિત્ર કલાકારોએ આર્થિક મદદ કરતાં તે ‘વો સાત દિન’ નું નિર્માણ અનિલ સાથે શરૂ કરી શક્યા હતા. જોકે, યુવાન અનિલે જ્યારે તમિલ ફિલ્મ જોઇ ત્યારે એને થયું કે પોતે એક મધ્યમ વયની વ્યક્તિના સંગીતકારની ભૂમિકા કરી શકશે નહીં. પછી થયું કે તેની પાસે બીજી પસંદગી નથી એટલે કરવી જ પડશે. અનિલે એમાં એટલું સારું કામ કર્યું અને એવી સફળતા મળી કે બાર વર્ષનો સંઘર્ષ પૂરો થઇ ગયો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]