ગુરુદત્તની ‘પ્યાસા’ ની વાર્તાની કહાની

નિર્માતા– નિર્દેશક ગુરુદત્તે ફિલ્મ ‘પ્યાસા'(૧૯૫૭) ની વાર્તા બહુ અગાઉથી લખી હતી. પરંતુ તેમાં ફેરફાર સાથે એનો ઉપયોગ વર્ષો પછી કર્યો હતો. ‘આરપાર’ અને ‘મિ. એન્ડ મિસેજ’ જેવી હળવી ફિલ્મો બનાવ્યા પછી તેમણે અર્થપૂર્ણ અને ગંભીર ફિલ્મ ‘પ્યાસા’ નો વિચાર કર્યો ત્યારે તેમને ૧૯૪૬ ના અરસામાં સૌપ્રથમ લખેલી વાર્તા ‘કશ્મકશ’ યાદ આવી. એ વાર્તા એમણે અલગ કારણથી લખી હતી. ગુરુદત્ત પ્રભાત કંપની છોડી દીધા પછી બેરોજગાર હતા. તેમને નોકરી કરવા માટે પિતા કહેતા હતા ત્યારે એમાં રસ ન હોવાથી બોલાચાલી થતી હતી. ગુરુદત્તના પિતા શિવશંકર એક કંપનીમાં નોકરી કરવા સાથે એક જાણીતા અંગ્રેજી અખબારમાં વાર્તા લખવાનું કામ પણ કરતા હતા. તે વાર્તાઓ લખીને ગુરુદત્તના હાથે મોકલતા હતા.

અખબારમાં એક વાર્તાના તેમને રૂ.૧૫૦ અને લઘુકથાના રૂ.૫૦ મળતા હતા. એ જાણ્યા પછી ગુરુદત્તને થયું કે તે પણ વાર્તાઓ લખીને કમાઇ શકે છે. પહેલી વખત એમણે એક માતા અને બેરોજગાર પુત્રની વાર્તા ‘કશ્મકશ’ લખી. દરમ્યાનમાં જાણવા મળ્યું કે ફિલ્મ માટે વાર્તા લખવાના પૈસા વધુ મળે છે. તેમણે રણજીત સ્ટુડિયોના કોઇ નિર્માતાને આ વાર્તા વેચવાનો વિચાર કર્યો. ત્યારે ગુરુદત્તને અમિયા ચક્રવર્તી અને જ્ઞાન મુખર્જીના સહાયક તરીકે કામ મળી ગયું એટલે વાર્તા વેચવાનું બાજુ પર રહી ગયું. લેખિકા અનિતા પાધ્યેના પુસ્તકમાં આ કિસ્સો આલેખવામાં આવ્યો છે.

૧૯૫૧ માં દેવ આનંદે ‘બાઝી’ નું નિર્દેશન ગુરુદત્તને સોંપ્યું ત્યારે એમણે અંગ્રેજી ફિલ્મ ‘ગિલ્ડા’ થી પ્રેરિત વાર્તા લખી. ‘બાઝી’ ના શુટિંગ દરમ્યાન ફિલ્મના અભિનેતા બલરાજ સહાની અને ગીતકાર સાહિર લુધિયાનવી સાથે ગુરુદત્તને સારી મિત્રતા થઇ ગઇ. ત્યારે સાહિરે પોતાની અસફળ પ્રેમકથાની એમને વાત કરી. સાહિરને એક નવોદિત ગાયિકા સાથે પ્રેમ થયો હતો. સાહિર તેની સાથે લગ્ન કરવા માગતા હતા. પરંતુ એક પૈસાદાર યુવાન તરફથી લગ્નનો પ્રસ્તાવ મળતાં એ તેને પરણી ગઇ. એ ગાયિકાને એમ થયું હતું કે કવિ હોવાથી સાહિરની આવક ઓછી હોવાથી તે ભૌતિક સુવિધા અપાવી શકશે નહીં. પ્રેમિકાના આ દગાથી સાહિર બહુ દુ:ખી થયા હતા.

ગુરુદત્તે તેમની વાતને પોતાની વાર્તા ‘કશ્મકશ’ માં સમાવવાનું નક્કી કરી લીધું. અને કહ્યું કે મારી વાર્તાનો નાયક બેરોજગાર છે. હું એની કથામાં એના પ્રેમની વ્યથાને સામેલ કરી દઇશ. સાહિરે એ માટે અનુમતિ આપવા સાથે વાર્તાના વિસ્તાર માટે મદદ પણ કરી. ‘બાઝી’ પછી દેવ આનંદ ‘આંધિયા’ નામની ફિલ્મ ચેતન આનંદના નિર્દેશનમાં બનાવવાના હતા. તેની શરૂઆતમાં સમય જાય એમ હોવાથી તેમણે ગુરુદત્તના નિર્દેશનમાં એક નાના બજેટની ફિલ્મ બનાવવાની યોજના ઘડી કાઢી. ગુરુદત્તે એ માટે પોતાની વાર્તા ‘કશ્મકશ’ સંભળાવી. એ સાંભળી દેવ તો કંઇ બોલ્યા નહીં પણ ચેતન આનંદે બેરોજગાર કવિની વાર્તાનો નકારાત્મક અંત હોવાથી ના પાડી દીધી. ચેતનનું કહેવું હતું કે ઉદાસ અને નિરાશ નાયક દેવની છબિને અનુકૂળ પણ નથી.

બીજી કોઇ વાર્તા મળી નહીં એટલે આખરે ‘આંધિયા’ પહેલાં કોઇ ફિલ્મ બનાવવાનો વિચાર પડતો મૂક્યો. પછી જ્યારે પોતાની ‘ગુરુદત્ત ફિલ્મ્સ લિમિટેડ’ કંપનીની સ્થાપના કરી ત્યારે એમને ‘કશ્મકશ’ પરથી ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો. એ વાર્તા પરથી ફિલ્મનું નામ ‘પ્યાસ’ રાખ્યું. વાર્તામાં કવિતાઓના માધ્યમથી પ્રસિધ્ધિ ઇચ્છતા એક યુવાનની વાત હોવાથી બદલીને એનું નામ ‘પ્યાસા’ કરી દીધું. ફિલ્મના ગીતો તેમણે સાહિર લુધિયાનવી પાસે જ લખાવ્યા. તેમના એસ.ડી. બર્મનના સંગીતમાં તૈયાર થયેલા ‘જાને ક્યા તૂને કહીં’, જિન્હે નાઝ હૈ હિન્દ પર’, ‘સર જો તેરા ચકરાયે’ વગેરે લોકપ્રિય થયા હતા. ‘પ્યાસા’ ને વ્યાવસાયિક સફળતા તો મળી જ એ સાથે શ્રેષ્ઠ ભારતીય ફિલ્મોમાં તેનો સમાવેશ થયો. ગુરુદત્તની એક દાયકા પહેલાં લખાયેલી વાર્તા પરથી બનેલી ફિલ્મએ ભારતીય સિનેમાને એક યાદગાર કૃતિ આપી.

રાકેશ ઠક્કર (વાપી)