સંતોષી પર સનીનો પ્રભાવ

નિર્દેશક રાજકુમાર સંતોષીએ સની દેઓલ સાથે ફિલ્મ બનાવવાની જીદ હતી એ પૂરી કરી હતી. રાજકુમાર જ્યારે નિર્દેશક ગોવિંદ નિહલાનીના સહાયક હતા ત્યારે ફિલ્મ આઘાત’ (૧૯૮૫) ના શુટિંગ વખતે એ જ સ્ટુડિયોમાં ચાલતી ‘અર્જુન’ (૧૯૮૫) નું શુટિંગ જોવા ગયા હતા. એમાં સનીને એક ભાવુક દ્રશ્યમાં કામ કરતા જોઇ એટલા પ્રભાવિત થયા હતા કે તેની સાથે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું.

એ વાતને યાદ કરતાં સંતોષીએ એક મુલાકાતમાં કહ્યું છે કે નિહલાની સાથે પાંચ ફિલ્મોમાં સહાયક રહ્યા પછી પોતે નિર્દેશક બનવા માટે એક ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરીને નિર્માતાઓ પાસે જવા લાગ્યા. એક વર્ષના સંઘર્ષ પછી દક્ષિણના જાણીતા નિર્માતા પી. સુબ્બારાવ રાજકુમારના નિર્દેશક પિતા પી.એલ. સંતોષીને જાણતા હોવાથી ‘ઘાયલ’ નું નિર્માણ કરવા તૈયાર થયા.

એ સમય પર સંજય દત્ત મોટો સ્ટાર હતો એટલે પી. સુબ્બારાવ તેની સાથે ફિલ્મ બનાવવા માગતા હતા. સંતોષીને એ મંજુર ન હતું. તે કમલ હસન અથવા સની દેઓલ સાથે જ આ ફિલ્મ બનાવવા માગતા હતા. પરંતુ એ કામ સરળ ન હતું. ત્યારે કમલની હિન્દી ફિલ્મો ચાલી રહી ન હતી અને સની દેઓલ મોટા નિર્દેશકો સાથે જ કામ કરતો હતો.

રાજકુમાર સંતોષીએ પહેલાં સનીના પિતા અને ફિલ્મોનું નિર્માણ પણ કરતા ધર્મેન્દ્રને વાત કરવાનું વિચાર્યું. ધર્મેન્દ્ર પિતા પી.એલ. સંતોષીને જાણતા હોવાથી તે સનીને વાત કરવા મદદ કરશે એવી ગણતરી હતી. પરંતુ પછી વિચાર બદલાયો. તેમણે પહેલાં સનીના સેક્રેટરી જતીન રાજગુરૂને ફોન કરી પોતે ગોવિંદ નિહલાનીના સહાયક રહ્યા હોવાની વાત કરી. સેક્રેટરીએ સની સાથે મુલાકાત કરાવી અને સનીને ‘ઘાયલ’ ની વાર્તા પસંદ આવી. સનીએ રૂ.૧૮ લાખની માગણી કરી. પી. સુબ્બારાવે પહેલાં રૂ.૧૨ લાખ અને ફિલ્મ સિલ્વર જ્યુબીલી મનાવે તો બાકીના રૂ.૮ લાખ આપવાનું કહ્યું.

રાજકુમાર સંતોષીએ પોતાની પહેલી ફિલ્મ હોવા છતાં સનીને એક તરફ લઇ જઇ વિશ્વાસ અપાવ્યો કે 25 અઠવાડિયાથી વધુ ચાલશે. અને સની સહમત થઇ ગયો. પરંતુ પી. સુબ્બારાવ બે મહિના સુધી દેખાય જ નહીં ત્યારે સનીએ ધર્મેન્દ્રને વાત કરી. એમણે તેમના બેનર હેઠળ ફિલ્મનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. ફિલ્મ ‘ઘાયલ’ (૧૯૯૦) એટલી મોટી હિટ રહી કે જેની કોઇએ કલ્પના કરી ન હતી. સની આ ફિલ્મથી એક્શન હીરો બની ગયો. ‘ઘાયલ’ માટે સનીને શ્રેષ્ઠ અભિનયનો નેશનલ એવોર્ડ જ નહીં ફિલ્મફેરનો એવોર્ડ પણ મળ્યો હતો. રાજકુમાર સંતોષીને પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ લેખક અને નિર્દેશકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]