‘શોલે’ માં કવ્વાલી પણ હતી

નિર્દેશક જી.પી. સિપ્પીની ફિલ્મ ‘શોલે’ (૧૯૭૫) તેના સંવાદો સાથે યે દોસ્તી, હા જબ તક હૈ જાન, કોઇ હસીના, હોલી કે દિન અને ‘મહેબૂબા મહેબૂબા’ જેવા પાંચ ગીતોને કારણે પણ લોકપ્રિય થઇ હતી. સંગીતકાર આર. ડી. બર્મને ગાયેલું ‘મહેબૂબા મહેબૂબા’ નું ગાયકના શ્રેષ્ઠ એવોર્ડ માટે ફિલ્મફેરમાં નામાંકન થયું હતું. ગીતકાર આનંદ બક્ષીને ફિલ્મ માટે લખેલા અન્ય ગીતો સાથે એક કવ્વાલી ‘ચાંદ સા કોઇ ચહેરા પહલૂ મેં હો, તો ચાંદની કા મજા નહીં આતા, જામ પીકર શરાબી ગિર ન જાએ, તો મયકશી કા મજા નહીં આતા’ માટે ઘણી આશા હતી. કેમકે એમાં એમણે પણ અવાજ આપ્યો હતો.

આ કવ્વાલી રેકોર્ડ કરવામાં આવી હતી પરંતુ ફિલ્મ લાંબી થઇ જવાથી તેનો સમાવેશ શક્ય બન્યો ન હતો. એ કારણે એમાં અવાજ આપનાર ગીતકાર આનંદ બક્ષી દુ:ખી થયા હતા. આનંદ બક્ષીને આમ તો ગાયનનો શોખ હતો અને તેમણે બાલિકા વધુ, ચરસ, મોમ કી ગુડિયા વગેરેમાં ગીતો ગાયા હતા. તેમને ‘શોલે’ માટે સંગીતકાર આર.ડી. બર્મને તૈયાર કરેલી પોતાની જ લખેલી કવ્વાલીમાં કિશોરકુમાર, મન્ના ડે અને ભુપેન્દ્રની સાથે ગાવાની તક મળી હતી. અસલમાં નિર્દેશકનો વિચાર જેલમાં એક ગીત ફિલ્માવવાનો હતો. જેમાં જય અને વીરુ જેલમાં હોય ત્યારે ચાર મંડળી બનાવી એમની વચ્ચે કવ્વાલીની સ્પર્ધા રાખવાનો હતો.

 

ફિલ્મ લાંબી થઇ જવાથી તેનો સમાવેશ થઇ શકે એમ ન હોવાથી એને ફિલ્માવવામાં આવી ન હતી. તેનું ઓડિયો વર્ઝન પાછળથી જરૂર બહાર પાડવામાં આવ્યું હતું. કવ્વાલીની એક જ લીટી આનંદ બક્ષીએ ગાઇ હતી. તેમને એ માટે બહુ ઉત્સાહ હતો. પરંતુ લંબાઇ વધી જતાં કવ્વાલીનો સમાવેશ થઇ શક્યો ન હતો. ફિલ્મની લંબાઇ ઘણી વધારે હતી. તેને ટૂંકી કરવાને કારણે સફળતા મળી હતી. એમાં તેના એડિટર એમ.એસ. શિન્દેનો મોટો હાથ ગણી શકાય. કેમકે ફિલ્મફેર એવોર્ડસમાં અલગ-અલગ નવ કેટેગરીમાં ‘શોલે’ નું નામાંકન થયું હતું. છતાં એકમાત્ર ‘શ્રેષ્ઠ એડિટિંગ’ નો એવોર્ડ મળ્યો હતો. તેઓ સિપ્પી ફિલ્મ્સમાં રૂ.૨૦૦૦ ના પગારથી કામ કરતા હતા.

શિન્દેને એકસોથી વધુ ફિલ્મોના એડિટિંગનો અનુભવ રહ્યો છે. તેમણે સિપ્પી ફિલ્મ્સની સીતા ઔર ગીતા, શાન વગેરે ઘણી ફિલ્મોનું એડિટિંગ કર્યું હતું. નવાઇની વાત એ છે કે ‘શોલે’ ને ૧૯૭૫ ની શ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફેરનો એવોર્ડ અપાયો ન હતો. અમિતાભની જ બીજી ફિલ્મ ‘દીવાર’ ને એ એવોર્ડ મળ્યો હતો. પરંતુ વિરોધાભાસ ગણો કે પાછળથી ખ્યાલ આવ્યો હોય એટલે ફિલ્મફેર દ્વારા ૫૦ વર્ષ પૂરા થયાની ઉજવણીના ૨૦૦૫ માં યોજાયેલા એક કાર્યક્રમમાં ગીત-સંગીત, અભિનય, નિર્દેશન વગેરે બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને છેલ્લા ૫૦ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપીને ‘શોલે’ નું સન્માન કરવામાં આવ્યું હતું.